SURAT

વરાછામાં ભૂરી ડોનનો આતંક: હવે સ્પામાં ધામા નાંખ્યા, સમગ્ર મામલો CCTVમાં કેદ થયો

સુરત: (Surat) વરાછામાં (Varaccha) ભૂરી ડોન (Bhuri Don) ફરી વિવાદમાં આવી છે. ભૂરીએ હવે સ્પામાં ધામા નાંખીને તેઓના સંચાલકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ભૂરીના આતંક સામે વરાછા પોલીસને (Police) ફરિયાદ છતાં પોલીસે કોઇ ગુનો દાખલ કર્યો ન હતો. આખરે આ મુદ્દે એસીપી અને ડીસીપીને ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરવો પડ્યો હોવાની વિગતો પણ ચર્ચામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉન દરમિયાન વરાછામાં રહેતી ભૂરી ઉર્ફે અસ્મિતા નામની લેડી ડોને વરાછામાં આતંક મચાવ્યો હતો. રેસ્ટોરન્ટ તેમજ એમ્બ્રોઇડરીમાં આ ભૂરીએ પોતાના બોયફ્રેન્ડની સાથે જઈ તોડફોડ કરી હતી. ભૂરીએ તલવારની અણીએ કેટલીક જગ્યાએ લૂંટ પણ ચલાવી હતી. આ સમગ્ર મામલે જે-તે સમયે પોલીસમાં ગુનો નોંધાયો હતો. ત્યાં ફરીવાર હવે ભૂરી ડોન વિવાદમાં આવી છે. ભૂરીએ વરાછામાં આવેલા સ્પામાં ધામા નાંખ્યા હતા.

સ્પામાં સંચાલક અને ત્યાં કામ કરતા કર્મચારીઓને ચપ્પુની અણીએ ધમકાવવામાં આવ્યા હતા. ભૂરીએ એક સંચાલિકા પાસેથી મોબાઇલ તેમજ રોકડ મળી રૂ.28 હજારની લૂંટ પણ ચલાવી હતી. આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેના આધારે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઇ ગુનો નોંધવાની તજવીજ કરી ન હતી. ભૂરીના માણસોએ વરાછા પોલીસને રૂપિયા આપીને ખરીદી લીધા હોવાની વાતે પણ ભારે ચર્ચા થઇ હતી. ભોગ બનનાર સ્પાના સંચાલકોએ આખરે આ મામલે ડીસીપી અને એસીપીને ફરિયાદ કરતાં ઉપરી અધિકારીઓની સૂચનાથી વરાછામાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે.

લોન આપાવવાના બહાને લાખો પડાવી લીધા

સુરત: શહેરના અડાજણની બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી પર્સનલ લોન અપાવવાના બહાને ગ્રાહકોને ફીક્સ ડિપોઝિટ ઇન્ટરેસ્ટવાળો બોગસ લેટર બતાવી ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર એક્ઝીક્યુટીવની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. અડાજણ પોલીસે આ ઠગની ગઈકાલે ધરપકડ કરી હતી.

પાલ ખાતે સુમનછાયા ખાતે રહેતા 30 વર્ષીય હાર્દિકભાઈ અશોકભાઈ સુથારે અડાજણ પોલીસ સ્ટેશનમાં અજયભાઈ દેવજીભાઈ ધાંધલ (ઉ.વ-૨૫, રહે. ગાયત્રીનગર છાપરાભાઠા રોડ ભરથાણા કોસાડ) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અડાજણના યુનિવર્સલ બિઝનેશ સેન્ટરમાં આવેલી બજાજ ફાઇનાન્સ કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ અજય દેવજી ધાંધલએ કંપનીમાંથી ગ્રાહકોને પર્સનલ લોન અપાવવાના બહાને કંપનીનો ફીક્સ ડિપોઝીટ ઇન્ટરેસ્ટનો રેટનો બોગસ લેટર બતાવતો હતો. લોન લેનાર ગ્રાહકને ફીક્સ ડિપોઝીટ પેટે ચૌક્કસ રકમ ભરપાઇ કરવાનું કહી આ રકમ ગુગલ પે અથવા ચેક લઇ હજીરાની એચડીએફસી બેંકના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. અજય કેટલાક ગ્રાહકો પાસેથી સિધ્ધાર્થ યશવંતભાઇ ઠેસીયાને 3 લાખની પર્સનલ લોન કરાવી આપી બજાજ કંપનીમાં ફીકસ ડીપોઝીટ મુકવા માટે કન્વીસ કર્યા હતા. તેમની પાસેથી રૂપિયા 25 હજાર ગુગલ પે થી મેળવ્યા હતા. અન્ય ગ્રાહકોને પણ આવી રીતે 2 લાખ, 4.50 લાખ, 3 લાખ રૂપિયા પર્સનલ લોન અપાવવા બહાને તેમની પાસેથી પણ ફીક્સ ડિપોઝીટ પેટે લાખ્ખો રૂપિયા પડાવ્યા હતા. જેને પગલે ફાઇનાન્સ કંપની દ્વારા અજયને નોકરીમાંથી હાંકી કાઢવાની સાથે તેની વિરૂધ્ધ અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે ગઈકાલે આ અંગે તપાસ દરમિયાન અજયભાઇ દેવીજીભાઇ ધાંધલ (ઉ.વ.25) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top