SURAT

કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છેઃ સંબિત પાત્રા

સુરત: કોંગ્રેસના (Congress) રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કરતાં મંગળવારે ભાજપના (BJP) રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની આ યાત્રા ખરા અર્થમાં ભારત તોડો યાત્રા છે. આગામી વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે મંગળવારે સુરતની મુલાકાતે પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ (Congress) પર એક પછી એક શાબ્દિક પ્રહારો કરતાં આદિવાસીઓના હિત માટે ભાજપ હરહંમેશ સમર્પિત હોવાનું જણાવ્યું હતું. તેઓએ આદિવાસીઓના વિકાસ માટે ભાજપ દ્વારા કરવામાં આવેલાં વિકાસ કાર્યોનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં પહેલી વખત દેશને આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પૂર્વે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા ઢગલાબંધ જાહેરસભાઓ અને રોડ-શોનાં આયોજન કરવામાં આવી રહ્યાં છે. એક પછી એક કાર્યક્રમો વચ્ચે મંગળવારે સુરત પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ગુજરાતના વિકાસનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના આશીર્વાદથી જ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે. એક તબક્કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનો દુકાળ જોવા મળતો હતો. જે હવે ભૂતકાળ બની ચૂક્યો છે. આજે સમગ્ર રાજ્યમાં 97 ટકા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી નળ થકી મળી રહ્યું છે. વિકાસની હરણફાળમાં સૌથી આગળ રહેલા ગુજરાતે ખરા અર્થમાં વિકાસને આત્મસાત કર્યો છે. રાજ્યમાં રોજગારથી માંડીને ઉજ્જવલા યોજનાનાં વખાણ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આજે 36 લાખ મહિલાને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉધના ખાતે સુરત શહેર ભાજપ કાર્યાલય પર આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન સંબિત પાત્રાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નીતિ-રીતિ વિરુદ્ધ સખત શબ્દોમાં ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આજે ખુદ રાહુલ ગાંધીને તેમના નેતાઓ જ સાંભળતા નથી. ગઈકાલે રાહુલ ગાંધીની જાહેર સભા દરમિયાન ખુદ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના ટ્રાન્સલેટર તરીકે અધવચ્ચેથી હડસેલી દેવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને ગમે તેટલી વાર લોન્ચ કરવાનો પ્રયાસ કરે પરંતુ તેમનામાં ફ્યુલ જ નથી. આદિવાસીઓના હિતની વાત કરતાં સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશાં ભાજપ આદિવાસીઓના હિત અને વિકાસ માટે સમર્પિત રહી છે અને એટલે જ દેશને પહેલી વખત આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે. તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહેલી કોંગ્રેસ દ્વારા હાલ શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રાને ભારત તોડો યાત્રા તરીકે સરખાવી હતી.

Most Popular

To Top