Madhya Gujarat

પ્રેમીના ઘરે જતી રહેલી પત્નીને પરત લેવા જતા પતિ પર હુમલો

આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે પ્રેમીના ઘરે જતી રહી હતી. આથી, પતિ તેને સમજાવી પરત લઇ જઇ રહ્યો હતો તે દરમિયાન પત્નીનો પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને લાકડીથી હુમલો કરી પતિને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખાનપુર ગામે રહેતા કાંતિભાઈ ઠાકોરના લગ્ન સુરેલી ગામે રહેતા કૈલાસબહેન સાથે થયાં હતાં. તેમને લગ્ન જીવનમાં બે બાળકોનો જન્મ પણ થયો હતો. જોકે, છેલ્લા ચારેક વરસથી કૈલાસબહેન ગામમાં જ રહેતા રાજુ ભઇલાલ ઠાકોરના પ્રેમમાં પડ્યાં હતાં અને બાળકો સાથે તેના ઘરે રહેવા જતાં રહ્યાં હતાં.

પરંતુ થોડા દિવસ પહેલા કોઇ બાબતે મનદુઃખ થતાં કૈલાસબહેન પરત કાંતિભાઈના ઘરે આવતાં રહ્યાં હતાં. કૈલાસબહેન 20મીના રોજ ફરી રાજુ ઠાકોરના ઘરે બાળકોને લઇ જતા રહ્યાં હતાં. આથી, કાંતિભાઈ તેને સમજાવવા તેમના ઘરે ગયો હતો અને સમજાવી પરત ઘરે લઇ જઇ રહ્યો હતો. આ બાબતની જાણ રાજુ ઠાકોરને થતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને કૈલાસને કેમ લઇ જાય છે ? તેમ કહી ઉશ્કેરાઇ ગયો હતો અને લાકડીની ઝાપટો મારી હુમલો કર્યો હતો. જેમાં કાંતિભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને લોહી લુહાણ હાલતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે કાંતિભાઈની ફરિયાદ આધારે ભાલેજ પોલીસે રાજુ ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top