Columns

અગ્નિદેવ, કાર્તિકેય અને કૃતિકા નક્ષત્ર

કૃતિકા નક્ષત્ર (૨)

કૃતિકા નક્ષત્રના નક્ષત્રપતિ સૂર્ય છે. પક્ષી મોર છે. નક્ષત્રનું વૃક્ષ ઔદુબર છે. વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે વિષ્ણુ ભગવાનના 10 અવતારમાં એક દત્તાત્રેયનો અવતાર છે. દત્તાત્રય ભગવાને ઔદુબરના વૃક્ષ નીચે વર્ષો સુધી તપસ્યા કરી હતી.‌ ઔદુબરના વૃક્ષના પાનમાંથી આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. જ્યારે કોઈની જન્મકુંડળીમાં કૃતિકા નક્ષત્રમાં રહેલ ગ્રહ નિર્બળ હોય ત્યારે એક ઔદુબરનુ વૃક્ષારોપણ કરવાથી ફાયદો થાય છે. આજે આપણે અગ્નિદેવની કાર્તિકેયના જન્મ સાથેની બીજી એક રૂપક કથા જોઈશું.  દરેક નક્ષત્રના દેવ હોય છે. જે દેવ સામાન્ય લોકોમાં વધુ પ્રચલિત હોય તે દેવની ઘણી વાર્તા હોય છે. બધી વાર્તાઓ અલગ – અલગ પુરાણોમાં આપી છે. વાર્તા પરથી નક્ષત્રના ગુણધર્મ વિશે જાણી શકાય છે. નક્ષત્રના ગુણધર્મો જાણવા એ કુંડળી વિશ્લેષણ માટે બહુ જ અગત્યનું છે.

(1) પહેલાના જમાનામાં ઋષિમુનિઓ, રાજા અને બ્રાહ્મણો યજ્ઞના કાર્યમાં વ્યથિત રહેતા હતા. એક સમયે સપ્તઋષિઓએ વનમાં જઈ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અગ્નિદેવને યજ્ઞમાં મદદ કરવા માટે વિનંતી કરી. ઋષિ કશ્યપ પત્ની અદિતિ સાથે, ઋષિ અત્રિ પત્ની અનસૂયા સાથે, ઋષિ ભારદ્વાજ પત્ની સુશીલા સાથે, ઋષિ વિશ્વામિત્ર કુમુદાવતી સાથે, ઋષિ ગૌતમ પત્ની અહલ્યા સાથે, ઋષિ જમદગ્નિ પત્ની રેણુકા સાથે અને ઋષિ વશિષ્ઠ પત્ની અરુંધતી સાથે વનમાં યજ્ઞ માટે આવી ગયા. અગ્નિદેવ યજ્ઞની તૈયારી કરવા લાગ્યા.

જનક રાજાની પુત્રી સ્વાહા અગ્નિદેવ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જ્યારે સ્વાહાને આ યજ્ઞની જાણ થઈ એટલે વનમાં યજ્ઞ જોવા માટે આવી. અગ્નિદેવને સ્વાહા બહુ પસંદ ન હતી. એટલે સ્વાહા વનમાં છુપાઈને રહેતી હતી. બધી તૈયારી બાદ યજ્ઞની શરૂઆત થઈ. ઋષિપત્નીઓને ઋષિ કરતાં પણ પરંપરાની વધુ જાણકારી હતી. અગ્નિદેવ ઋષિપત્નીઓથી પ્રભાવિત થઈ ગયા. અગ્નિદેવના મનમાં ઋષિપત્ની માટે પ્રેમની ભાવના થઈ. અગ્નિદેવ યજ્ઞ દરમિયાન ઋષિપત્નીઓને પ્રભાવિત કરવા પૂરતા પ્રયત્નો કરતા હતા. જંગલમાં રહેતી સ્વાહાને આ વાતની જાણ થઈ. સ્વાહાએ દરરોજ યજ્ઞ બાદ કોઈ એક ઋષિપત્નીનું રૂપ લઇ અગ્નિદેવ સાથે જંગલમાં ફરતી હતી.

આમ 6 દિવસ સુધી અલગ – અલગ ઋષિપત્નીના રૂપ લઈ અગ્નિદેવ સાથે રાત વિતાવતી હતી. 6 દિવસ દરમિયાન એની પાસે જે સિમેન ભેગું થતું હતું, તે જંગલના તળાવમાં મુકતી હતી. સાતમે દિવસે જ્યારે વશિષ્ઠ ઋષિની પત્ની અરુંધતીનું રૂપ ન લઈ શકી, ત્યારે અગ્નિદેવને પોતાની ભૂલ સમજાય. અગ્નિદેવે સ્વાહાનો ઉપકાર માન્યો અને જણાવ્યું કે ‘તે મને બહુ મોટા પાપમાંથી બચાવ્યો છે એટલે હું તારો ઋણી છું. તને આખી જિંદગી મારી સાથે રાખીશ.’આમ, જ્યારે અગ્નિમાં કંઈપણ હોમવામાં આવે ત્યારે શ્લોક બોલી અંતે સ્વાહા બોલવામાં આવે છે. તળાવમાં 6 કૃતિકા એ બાળકને જન્મ આપ્યો, જે નાનપણથી બહુ બળવાન હતો. એનું નામ કાર્તિકેય પાડ્યું. ફક્ત 7 દિવસના બાળકે તારકાસુરનો વધ કર્યો. બાળકનો ઉછેર પાર્વતીમાતાએ કર્યો હતો. આ રૂપક કથા પરથી કહી શકાય કે કૃતિકા નક્ષત્રના જાતકને સ્ત્રીમિત્ર વધુ હોય. બાળક દત્તક લે. અનાથ બાળકોનું પણ ધ્યાન રાખે.

(2) ખાંડવવન દહન :
અગ્નિદેવની આ વાર્તા મહાભારતમાં વિસ્તારથી આપી છે. અહીં આપણે સંક્ષિપ્તમાં જોઈએ. જ્યારે કૌરવ અને પાંડવોના જમીનના ભાગલા પાડવામાં આવ્યા, ત્યારે કૌરવોએ હસ્તિનાપુર શહેર પોતાની પાસે રાખ્યું. પાંડવોને દૂર એક જંગલ જે ખાંડવ નામે જાણીતું હતું તે જગ્યા આપી. આ વાત બહુ અન્યાયી હતી, છતાં જમીન માટે ભાઈઓ સાથે લડવું યોગ્ય ન માની પાંડવોએ ખાંડવ વન માટે હા કહી અને એ લોકો ત્યાં ગયા. આ જંગલમાં શહેર વસાવવું બહુ કઠિન વાત હતી. એક દિવસ શ્રીકૃષ્ણ અને અર્જુન યમુના નદીના કિનારે બેઠા હતા. ત્યાં અચાનક એક વૃદ્ધ બ્રાહ્મણ ભિક્ષા માટે આવ્યા. બ્રાહ્મણે શ્રીકૃષ્ણ અને અર્જુન પાસે ભિક્ષા માગી. જ્યારે એમણે પૂછ્યું કે તમારે ભિક્ષામાં શું જોઈએ છે ત્યારે બ્રાહ્મણે કહ્યું, ‘હું અગ્નિદેવ છું. મને પેટમાં બહુ જ અગ્નિ બળે છે. બ્રહ્માજીએ મને કહ્યું છે કે તું ખાંડવ વનનો નાશ કરીશ તો તારા પેટની અગ્નિ શાંત થશે. એટલે આ ખાંડવ વન મારે ભિક્ષામાં જોઈએ છે. એને બાળી ને હું તૃપ્ત થઈશ. પરંતુ ખાંડવ વનમાં ઇન્દ્રના એક મિત્ર તક્ષક નાગ રહે છે. એટલે જ્યારે હું ખાંડવ વનને બાળવાનો નિશ્ચય કરું, ત્યારે ઈન્દ્રદેવ વર્ષા વરસાવે. એટલે આ વનને બાળી શકતો નથી.’ અર્જુને કહ્યું, ‘અમે ઇન્દ્ર સાથે યુદ્ધ કરી શકીએ, પરંતુ અમારી પાસે દિવ્યાસ્ત્ર નથી.’ અગ્નિદેવે અર્જુનને દિવ્યાસ્ત્ર આપ્યા.

અર્જુનને અગ્નિદેવને ખાંડવ વન દહન માટે કહ્યું. જ્યારે અગ્નિદેવ ખાંડવ વન દહન માટે ગયા તો ત્યાં વરસાદ પડ્યો. અર્જુન પાસે દિવ્યાસ્ત્ર હતા. એનાથી વરસાદ બંધ કર્યો. ઇન્દ્રદેવને આશ્ચર્ય થયું કે આવું કઈ રીતે થઈ શકે. ત્યારે જ આકાશવાણી થઇ કે ‘ઇન્દ્ર પોતાના મિત્ર તક્ષક નાગને બચાવવા આ પ્રમાણે વરસાદ વરસાવે છે, પરંતુ હાલમાં તક્ષક નાગ કુરુક્ષેત્ર છે. એટલે વરસાદની જરૂર નથી.’ ખાંડવવનમાં એક મયદાનવ નામનો રાક્ષસ પણ રહેતો હતો. જ્યારે ખાંડવ વનમાં આગ લાગી, ત્યારે રાક્ષસે અર્જુન પાસે સહાય માગી અને અર્જુને એને બચાવ્યો.

મયદાનવ એક આર્કિટેક હતો. બહુ સારી બિલ્ડીંગ બનાવતો હતો. મયદાનવે પ્રસન્ન થઈ અર્જુન માટે એક અદભૂત રાજમહેલ બનાવ્યો. મહેલમાં એક મયસભા નામનો સભાખંડ બનાવ્યો. જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય એવી અદભૂત રચના કરી. અગ્નિ બધા તત્વમાં પ્યોર તત્વ છે. અગ્નિદેવે પોતાની વાત છુપાવી નહોતી અને સ્પષ્ટ વકતા હતા. આ નક્ષત્રમાં જન્મેલ જાતક જો પોતાના કાર્યમાં દ્રઢનિશ્ચય હોય તો જિંદગીમાં ઘણી સફળતા મેળવી શકે છે. અગ્નિદેવ હોવાને કારણે જાતકની બુદ્ધિ તેજ હોય અને સમાજમાં નામના મળે. મિત્રો ઓછાં હોય પરંતુ ઘણા સારા હોઈ શકે.

Most Popular

To Top