SURAT

સુરતથી 25 કિલોમીટર દૂર તાપી નદીના કિનારે આવેલું નાનું છતાં પણ તમામ સુવિધાયુક્ત ગામ

વિકાસની દોડમાં કામરેજ (Kamrej) તાલુકો પણ હવે બાકાત નથી. છેલ્લાં દસ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોની કાયાપલટ થઈ છે. અને આવું જ એક ગામ એટલે સુરત શહેરથી (Surat City) 25 કિલોમીટર દૂર તેમજ કામરેજ તાલુકા મથકથી સાત કિલોમીટર દૂર તાપી નદીના કિનારે આવેલું ડુંગરા-જીઓર. ગામમાં પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું હોવાથી ગામનું વાતાવરણ સતત ભક્તિમય બની રહે છે. ભાવિક ભક્તોની મંદિરને લઈ અવરજવર રહે છે. તેમજ સુંદર નદી કિનારો આવેલો હોવાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે. ગામમાં તમામ જ્ઞાતિની વસતી હોવા છતાં ગામના લોકો એકબીજા સાથે હળમળીને રહે છે. ગામ નાનું હોવા છતાં પણ તમામ સુવિધાયુક્ત ગામ (Village) છે.

બારડોલી પંથકની જેમ આ ગામના વિકાસમાં પણ એનઆરઆઈઓ અમૂલ્ય ફાળો આપી વતન પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે. ગામના મહત્તમ લોકો ખેતી પર નિર્ભર રહે છે. અને ટેક્નોલોજીની સાથે સાથે કૃષિક્ષેત્રે પણ બદલાવ આવ્યો છે. અને ખેડૂતો બે પાંદડે થયા છે. ડુંગરા-જીઓર ગામની કુલ વસતી 3103 છે, જેમાં પુરુષ 1580 તેમજ મહિલાની વસતી 1523 છે. જ્યારે સાક્ષરતા દર 74.96 ટકા અને મહિલા સાક્ષરતા દર 70.48 ટકા છે. ગામમાં ખેડૂત ખાતેદાર 1577 છે. જ્યારે ગામમાં બે તળાવ પણ આવેલાં છે. આ ગામમાં કોળી પટેલ ફળિયું, જૂનું ડુંગરા ફળિયું, નવું ડુંગરા ફળિયું, નિશાળ ફળિયું, પાદર ફળિયું, આહીરવાસ, કોલોની હળપતિવાસ, તાપી ફળિયું, માહ્યાવંશી મહોલ્લો, પાંચ બંગલા ફળિયું, ટાંકી ફળિયું, લીમડા ચોક ફળિયું, ભીમનાથ મહાદેવ મંદિર ફળિયું, જીઓર હળપતિવાસ, ડેરી ફળિયું આવેલું છે.

રામજી મંદિરનું ભૂમિપૂજન મોરારિબાપુએ કર્યું હતું
ડુંગરા ગામના પ્રવેશદ્વાર પાસે જ રામજી મંદિર આવેલું છે. જેનું ભૂમિપૂજન કથાકાર મોરારિબાપુએ તા.10-12-1998 ને ગુરુવારે સવારે 9.15 કલાકે કરવામાં આવ્યું હતું. જ્યારે મંદિરમાં મૂકવામાં આવેલી ગણેશજી, હનુમાનજી તેમજ રામ દરબારની મૂર્તિ પ્રાણપતિષ્ઠા તા.2-4-2001માં કરવામાં આવી હતી.

ગામમાં આવેલાં મંદિરો
ડુંગરા અને જીઓરમાં થઈને રામજી મંદિર, ખુંટાઈ માતા મંદિર, કોલોનીમાં ભાથીજી મહરાજ મંદિર, રાધાકૃષ્ણ મંદિર તેમજ જીઓરમાં પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. હટીલા હનુમાનજી મંદિરનો હમણા જ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
જીઓર ગામમાં આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવનો મહિમા
ડુંગરા-જીઓર ખાતે આવેલા પૌરાણિક એવા ભીમનાથ મહાદેવ (ભીમેશ્વર મહાદેવ)નો મહિમા મંદિરના પૂજારી શંકરગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, મહાભારત એટલે પાંડવો અને કૌરવોના સંઘર્ષની વાતો કહો કે સત્ય અને અસત્યની સ્પર્ધા, પાંચ પાંડવોમાંથી ભીમ ગદાયુદ્ધમાં કુશળ હતો. તે શિવનો સાચો ભક્ત હતો. એક વખત ભીમ નદીમાં સ્નાન કરતો હતો ત્યારે ભગવાન શંકરે પાર્વતીજીને ભીમ મારો સાચો ભક્ત છે તેમ જણાવ્યું હતું. ત્યારે પાર્વતીજીને ભીમ સાચો ભક્ત હોય તેમ લાગ્યું નહીં અને તેથી તેઓએ ભીમની પરીક્ષા કરવાનું વિચાર્યું. ત્યારે પાર્વતીજીએ ગાયનું રૂમ ધારણ કર્યું અને શંકર ભગવાને વાઘનું રૂપ ધારણ કર્યું. ગાયની પાછળ વાઘનું રૂપ લીઘેલા શંકર ભગવાન દોડ્યા. આ દૃશ્ય ભીમે જોયું અને ગાયને બચાવવા ભીમ ડુંગરાથી વાઘેચા સુધી સતત દોડ્યા અને વાઘની સાથે દ્વંદ્વ યુદ્ધમાં ભગવાન શંકરે ભીમના પાંસળાં નહોર દ્વારા બહાર કાઢી નાંખ્યા છતાં ભીમ ગાયને બચાવવા વાઘની સામે યુદ્ધ કરતો રહ્યો અને યુદ્ધમાં પીછેહઠ ન કરી ભીમની આવી ધાર્મિક પરોપકારની વાત જોઈ તથા પ્રાણી પ્રત્યેની અહિંસાને મમતાની ભાવના જોઈ ભગવાન શંકર સ્વયંભૂ જીઓર ગામે પ્રગટ્યા. આથી આ સ્થાનનું નામ ભીમનું નામ અમર રહે તે આશયથી ભીમનાથ મહાદેવ આપવામાં આવ્યું હતું.

આ સ્થળ પર દમનમુનિ રહેતા હતા એવો પણ ઉલ્લેખ તાપીપુરાણમાં મળે છે. આ સ્થળ ઉપર ભીમકરા રાજા રાજ્ય કરતા હતા એમ પણ મનાય છે. તે રાજાના ઘરે શેર માટીની ખોટ હતી. અને તેથી તે રાજા સતત ચિંતાતુર રહેતા હતા. આ રાજાએ ભીમેશ્વર મહાદેવ પાસે આરાધના કરી અને કહ્યું કે, હે પ્રભુ! મારું વાંઝિયાપણું ટાળો અને ત્યારપછી રાજાના ઘરે પારણું બંધાયું. આ સ્થળ પાસેથી વહેતી નદીમાં જે પતિ-પત્ની સજોડે જેઠ મહિનાના શુક્લ રક્ષની એકાદશીના દિવસે સંકલ્પ કરીને સ્નાન કરે અને ભીમેશ્વર મહાદેવની સાચા હૃદયથી પૂજા કરે તો તેમના મનના સંકલ્પો પૂર્ણ થાય તેવું પણ મનાય છે. હાલમાં સુરત જિલ્લાની ભૂગોળ મુજબ ગામ જીઓરમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મહાશિવરાત્રિએ ઘીનાં કમળ ચઢે છે. તથા શ્રાવણ માસના દરેક સોમવારે મેળો પણ ભરાય છે અને મોટી સંખ્યામાં માનવ મેદની પણ ભીમનાથ મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવે છે.

ગલતેશ્વર મહાદેવના પૂજારી પણ જીઓર ગામના જ વતની
જીઓર ગામમાં ભીમનાથ મહાદેવ ફળિયામાં રહેતા નિકુલગીરી અરવિંદગીરી ગૌસ્વામી જે તાપી નદીના કિનારે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિરના ગાદિપતિ તરીકે પૂજા-અર્ચના કરે છે.
પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટેની સમિતિ
ભીમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિકાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. ડુંગરા જીઓર અને આજુબાજુનાં પાંચ ગામના લોકોને કમિટીમાં સમાવવામાં આવ્યા હતા, જેમાં સંજયભાઈ નગીનભાઈ પટેલ, હરિશભાઈ દયાળભાઈ પટેલ, સંદીપભાઈ હસમુખભાઈ પટેલ, ચેતનભાઈ દિનેશભાઈ પટેલ, નરેશભાઈ ભગુભાઈ આહીર, સમીર ચંદુભાઈ પટેલ(ધાતવા), શંકરગીરી ઉત્તમગીરી ગૌસ્વામી (મંદિરના પૂજારી), કિરણભાઈ ભીખુભાઈ પટેલ(દેરોદ)નો સમાવેશ થાય છે.

ગામમાં વર્ષોથી બે ડોક્ટર સેવારત
આરોગ્ય ક્ષેત્રે પણ ગામમાં સારી એવી સવલત છે. જેને કારણે લોકોને ઘરઆંગણે સેવા મળી રહે છે. ડુંગરા ગામમાં જૂના ફળિયામાં રહેતા ડો.પંકજભાઈ ઈશ્વરભાઈ પટેલ તેમજ નવા ફળિયામાં રહેતા ડો.વિનોદભાઈ ડાહ્યાભાઈ પટેલ ગામમાં તબીબી પ્રેક્ટિસ કરે છે.
ડુંગરા ગામનાં મહિલા તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે બે વાર ચુંટાઈને આવ્યાં
એક સમય હતો જ્યારે રાજકારણમાં પુરુષોનો દબદબો રહેતો હતો. પરંતુ શિક્ષણ સાથે સામાજિક ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવતાં હવે મહિલાઓ પણ રાજકારણમાં સક્રિય થઈ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ ઉચ્ચ લેવલ સુધી પહોંચી જનપ્રતિનિધિત્વ કરી રહી છે. ડુંગરા ગામમાં તાપી ફળિયામાં રહેતાં પુષ્પાબેન કાંતિભાઈ પરમાર કામરેજ તાલુકા પંચાયતની ડુંગરા સીટ પરથી સભ્ય તરીકે 2020માં ચુંટાઈને આવ્યાં હતાં. આ અગાઉ પણ 2011થી 2016 સુધી પણ તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે ચુંટાઈ આવ્યાં હતાં.

ગામના લોકો મહત્તમ ખેતી પર નિર્ભર
ડુંગરા અને જીઓર ગામના લોકોની આજીવિકા માટે મહત્તમ લોકો ખેતી પર નિર્ભર કરે છે. ખેતીમાં ખાસ કરીને શેરડી, કેળાં તેમજ શાકભાજીના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન માટે સરકારી બાજુના ગામમાં ત્રણ બસ આવે છે
ગામમાં લોકોને અવરજવર માટે એસ.ટી. નિગમ દ્વારા બાજુના જ ગામ ધાતવાથી સવારે 10 કલાકે અને બપોરે 3 કલાકે બસ ડુંગરા આવે છે. બસ સુરત ખાતે જાય છે. રાત્રિના પણ ધાતવા ગામમાં રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે 6 કલાકે ડુંગરા થઈને જાય છે. બાકી ખાનગી વાહનોમાં ગામના લોકોએ જવું પડે છે.

આરોગ્યની દૃષ્ટિએ પેટા કેન્દ્ર
ગામમાં આરોગ્યની દૃષ્ટિએ ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત પેટા આરોગ્ય કેન્દ્ર ગામના પ્રવેશદ્વારની બાજુમાં જ આવેલું છે, જેમાં એક ડોક્ટર, બે મલ્ટિપર્પઝ હેલ્થવર્કર, બે આશાવર્કર તેમજ એક નર્સનો સ્ટાફ હોવાથી ગામના લોકો તેમજ આજુબાજુનાં ગામના લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવે છે. ડુંગરા ગામમાં બે આંગણવાડી કેન્દ્ર તેમજ જીઓર ગામમાં એક આંગણવાડી કેન્દ્ર મળી કુલ ત્રણ આંગણવાડી કેન્દ્ર આવેલી છે.
ગામના લોકો વિદેશમાં સ્થાયી થયા
ગામમાં કડવા પાટીદાર, આહીર સમાજ, ભક્ત સમાજ, કોળી પટેલ સમાજ, એસ.સી.-એસ.ટી. સમાજના લોકો રહે છે, જેમાં કડવા પાટીદાર સમાજના ઘણા લોકો અમેરિકા અને કેનેડામાં સ્થાયી થયા છે. તો આહીર સમાજના લોકો પનામા ખાતે સ્થાયી થયા છે.

તાપી નદી તટને કારણે અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે
ડુંગરા ગામ તાપી નદીના કિનારે આવેલું ગામ છે. તેમજ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે. મંદિરની પાસે જ તાપીનદીનો કિનારો આવેલો હોવાથી લોકો નદીમાં નાહવા માટે જતાં હોવાથી સતત રેતીખનનથી પાણી ખૂબ જ ઊંડે પહોંચી જતાં ભૂતકાળમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હોવાના બનાવો પણ બન્યા છે. જો કે, હવે આવા બનાવો બનતા હોવાથી નદી કિનારે નાહવાનું બંધ કરી દેવામાં આવતાં ઘણા સમયથી પાણીમાં ડૂબવાની ઘટના બની નથી.

ગ્રામ પંચાયતનું સુકાન હવે યુવાનોના હાથમાં
હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવાનોના હાથમાં આવ્યું છે. ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ ધર્મેશ રાઠોડ તેમજ ડે.સરપંચ દિવ્યેશ ઉર્ફે ડેનીસ પટેલ તથા તેમની ટીમ પાંચ વર્ષ સુધી જનસેવા માટે તત્પર છે. ગામના દરેક વ્યક્તિને પ્રાથમિક જરૂરિયાત સંપૂર્ણ પૂરી કરવી એ જ મુખ્ય હેતુ છે. તથા સ્વચ્છતા પર પણ ભાર મૂકવાની ઇચ્છા અને તૈયારી છે. વધુમાં ભાઇચારો બનાવી રાખી ગામના વિકાસને લગતાં ઘણાં કામો કરવાની પણ ઇચ્છા છે.

ગામનાં તમામ ખેતરોમાં કાર લઈને પણ જવાય તેવી વ્યવસ્થા
ડુંગરા-જીઓર ગામ કૃષિ ક્ષેત્રે આગળ પડતું છે. આર્થિક રીતે ખેડૂતો સધ્ધર થતાં ખેતર સુધી જવા માટે સુવિધા પણ તેમણે ઊભી કરી છે. તમામ રસ્તા પર ખેડૂતો ચોમાસાની ઋતુમાં પણ કાર લઈને જઈ શકે તેવી ગામના લોકોએ વ્યવસ્થા કરી છે. રસ્તાનું રિપેરિંગ પણ કરાવતા જ રહે છે.

પીવાના પાણી માટે બે ટાંકીની સુવિધા ઉપલબ્ધ
ગામમાં પીવાના પાણી માટે બે અલગ અલગ ટાંકીઓ બનાવવામાં આવેલી છે. પાણીની ટાંકીમાંથી આખા ગામમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ બંને પાણીની ટાંકીઓમાં એક લાખ લીટરની અને બીજા 50000 લીટરની ટાંકી છે. પરંતુ પાણીની ટાંકીની આસપાસના વિસ્તારમાં પાણી ખરાબ હોવાથી ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોવાથી ગામના માજી સરપંચ ભીખાભાઈ મગનભાઈ પટેલે દોઢ કિલોમીટર દૂર પોતાના ખેતરમાં ત્રણ બોરિંગ કરીને ગામને પાણી પૂરું પાડવા માટે લાઈન નાંખી હતી. ભીખાભાઈએ સરપંચ તરીકે પંદર વર્ષ સુધી ગામને સેવા આપી હતી. આ પાણીની ટાંકીનું ભૂમિપૂજન જે-તે સમયે પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

પીવાના પાણી માટે 2003માં આર.ઓ. પ્લાન્ટની સુવિધા મળી હતી
ડુંગરા ગામના લોકોને પાણી પીવા માટે આર.ઓ પ્લાન્ટ 16-3-2003ના રોજ સ્વ.માધવભાઈ પરસોત્તમભાઈ ભકત, સ્વ.રૂપાબેન માધવભાઈ ભકત તેમજ મોરારભાઈ ગોવિંદભાઈ પટેલ દ્વારા આર.ઓ. પ્લાન્ટની ગામને ભેટ આપવામાં આવી હતી.
રમતગમત માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ
કામરેજ-ડુંગરા જતા રોડ પર હળપતિવાસની સામે ગામના લોકો દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડનું સંચાલન ગામના જ યુવાનો દ્વારા કરવામાં આવે છે. સંચાલન માટે એક એક સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિમાં ગામના દરેક ફળિયાની બે વ્યક્તિને લેવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર સિઝન ક્રિકેટ મેચો રમાય છે.

110 વર્ષે પણ ‘તંદુરસ્ત’ છે ગંગાબા પોતાનાં કામ ખુદ કરવાના આગ્રહી

ગંગાબા હાલમાં પાંચમી પેઢી સાથે રહે છે, ચાર વર્ષ પહેલાં પુત્રનું અવસાન થયું હતું
એક જમાનામાં બળદગાડું હંકારી ખેતી કરતાં દાદી આજે કારમાં બેસી ખેતરે લટાર મારવા જાય છે

તમે ડુંગરા ગામના જૂના ફળિયામાં જાઓ અને દાદી ગંગાબેન ભીખાભાઈ પટેલના ઘરનું સરનામું પૂછો તો કોઈપણ તમને બતાવી દે. આ દાદી સદી વતાવી દીધા પણ 110 વર્ષે પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે અને એ પણ પોતાની પાંચમી પેઢી સાથે. ગંગાબા વિશે માહિતી આપતાં પૌત્ર સંજયભાઈ કહે છે કે, અમારા બા ખૂબ જ સાદગીથી જીવન જીવ્યાં. જેને લઈ હાલમાં પણ બાની તંદુરસ્તી ખૂબ જ સારી છે. પોતાનું કામ હજી પણ પોતે જ કરે છે. ઘરમાં જાતે હરે ફરે છે. હાલમાં પણ હજી 110 વર્ષની ઉમરે રકાબીમાં જ ચા પીએ છે. આજે સુગર કે અન્ય કોઈપણ જાતની બીમારી નથી. હાલમાં ગંગાબાની પાંચમી પેઢી છે. વર્ષો અગાઉ ગાંધીજી બારડોલી ખાતે આવ્યા હતા ત્યારે ગંગાબા અને ગામના અન્ય લોકો સાથે ચાલતાં ચાલતાં ડુંગરાથી બારડોલી ખાતે પ્રવચન સાંભળવા માટે ગયાં હતાં. ગંગાબા પોતે બળદ ગાડાં વડે ખેતી પણ કરતાં હતાં. ખેતીનું પણ તમામ કામ જાતે જ કરતાં હતાં. ગંગાબાના પરિવારમાં ત્રણ દીકરીઓ મંજુબેન (ઉં.વ.85), ગુલાબબેન (ઉં.વ.75), પુષ્પાબેન જેઓ હાલમાં હયાત છે. અને પોતાની સાસરીમાં રહે છે. જ્યારે પુત્ર ઠાકોરભાઈનું 2018માં અવસાન થયું હતું. ઠાકોરભાઈના પણ ત્રણ પુત્ર સંજયભાઈ, સુનીલભાઈ અને કૌશિક છે. તેમને ત્યાં પણ સંતાનો છે. હાલમાં પાંચમી પેઢી ગંગાબા સાથે રહે છે. ગંગાબાનાં એક નાનાં બહેન મણીબેન જે ઉંભેળ ખાતે રહે છે. હાલમાં જ થોડા સમય અગાઉ પૌત્ર સુનીલભાઈના પુત્ર કરણને ત્યાં પુત્ર હેવીસનો જન્મ થતાં તેને પણ રમાડ્યો હતો. હાલમાં પણ કોઈકવાર પોતાના ખેતરમાં પૌત્ર સાથે કારમાં બેસીને ખેતરને જોવા માટે જાય છે.

એક બેંક અને પોસ્ટ ઓફિસની પણ સુવિધા
કામરેજ તાલુકો આજે અન્ય તાલુકાની તુલનામાં વિકસીત તાલુકા તરીકે ઉપસી આવ્યો છે. ડુંગરા જીઓર ગામની વસતી 3103 હોવા છતાં પણ એક ખાનગી એક્સિસ બેંક તેમજ પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. જેનો ગ્રાહકોને લાભ મળી રહ્યો છે.
રોહિત પટેલ બેંક ઓફ બરોડામાં ચીફ જનરલ મેનેજર હતા
ગામમાં રહેતા રોહિતકુમાર ઈશ્વરલાલ પટેલ 35 વર્ષથી વધુ સમય દેના બેંક જે હાલ બેંક ઓફ બરોડામાં મર્જ થઈ એમાં બેન્કિંગ સેવા આપી ચીફ જનરલ મેનેજરના પદેથી નિવૃત્ત થયા છે. 2021થી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંકમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બજાવી રહ્યા છે. એમના પુત્ર ડો.આકર્ષ પટેલ એમ.એસ. ઓર્થોપેડિક સર્જન તરીકે ઓલપાડના સાયણ ગામે આવેલી જીવનરક્ષા હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જ્યારે પુત્રવધૂ ડો.મૈત્રી પટેલ પણ પીડિયાટ્રિશિયનની ડિગ્રી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મેળવી કીમ ખાતે આવેલી સાધના કુટિર હોસ્પિટલમાં ફરજ બજાવે છે.

નાના-મોટા પ્રસંગોમાં ત્રણ સમાજના હોલ ઉપયોગી
ડુંગરા ગામમાં ત્રણ સમાજના હોલમાં કોળી પટેલ સમાજ હરસિદ્ધિ ભવન, હળપતિ સમાજ ભવન અને આહીર સમાજના હોલ બનાવવામાં આવ્યા છે. આ હોલમાં સમાજના નાના-મોટા પ્રસંગો પણ કરવામાં આવે છે. આમ, આ હોલ ગામના લોકો માટે મદદરૂપ છે.
એક બેંક અને પોસ્ટ ઓફિસની પણ સુવિધા
કામરેજ તાલુકો આજે અન્ય તાલુકાની તુલનામાં વિકસીત તાલુકા તરીકે ઉપસી આવ્યો છે. ડુંગરા જીઓર ગામની વસતી 3103 હોવા છતાં પણ એક ખાનગી એક્સિસ બેંક તેમજ પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. જેનો ગ્રાહકોને લાભ મળી રહ્યો છે.

કામરેજ ચાર રસ્તા કેળાંમંડળી અને ગ્રોસરી વિભાગમાં પણ ગામનું વર્ચસ્વ
સુરત જિલ્લામાં સુગર ફેક્ટરી બાદ આવતી મોટી સહકારી સંસ્થા એટલે કામરેજ વિભાગ કો. ઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજિટેબલ ગ્રોઅર્સ સોસાયટી (કામરેજ કેળાંમંડળી)માં હાલમાં મેનેજર તરીકે ડુંગરા જ ગામના યુવાન મેહુલભાઈ ભોગીભાઈ પટેલ ફરજ બજાવે છે. જ્યારે કેળાંમંડળીમાં જ આવેલા ગ્રોસરી વિભાગમાં ગામના જ યુવાન બિપીનભાઈ બળદેવભાઈ પટેલ પણ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
સહકારી આગેવાન દીપક નગીનભાઈ પટેલ
સહકારી ક્ષેત્રે પણ આ ગામ કાઠું કાઢી રહ્યું છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. ડુંગરા ગામમાં નવા પટેલ ફળિયામાં રહેતા દીપકભાઈ નગીનભાઈ પટેલ હાલમાં કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ વિભાગ કો.ઓપરેટિવ ફ્રૂટ એન્ડ વેજિટેબલ ગ્રોઅર્સ સોસાયટી (કામરેજ કેળાંમંડળી)માં 2018માં યોજાયેલી ચૂંટણીમાં ડુંગરા-જોખા ઝોનમાંથી જિત્યા હતા.

2006માં પ્રથમ પેવર બ્લોક રોડ બન્યો
ગ્રામ્ય વિસ્તારો હવે શહેરોની તુલનાએ કાયાપલટ કરી રહ્યા છે. અગાઉ પાણી સહિત વિવિધ સુવિધા માટે વર્ષો નીકળી જતા હતા. પરંતુ આજે વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. ડુંગરા-જીઓર રોડ ગામના અગ્રણીઓને કારણે આજે ગામ સુવિધાયુક્ત બન્યું છે. જેમાં એનઆરઆઈઓનો ફાળો પણ બહુમૂલ્ય છે. નવા પટેલ ફળિયામાં 2006માં ગામના લોકો તેમજ વિદેશમાં રહેતા ગામના લોકોની ભાગીદારીથી સૌપ્રથમ પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યો હતો.

ગામમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે?
સુવિધાયુક્ત ગામ કેવું હોવું જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ ડુંગરા-જીઓર ગામને આપી શકાય. અહીં ઉમદા નેતૃત્વનું પરિણામે વિકાસની વણજાર લાગી છે. સુવિધાની જો વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ સી.સી.રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટો, ઘરે ઘરે પાણીનાં કનેક્શન, ડોર ટુ ડોર કચરો તેમજ સફાઈની કામગીરી કરવામાં આવે છે. તેમજ ગામના માજી સરપંચ અક્ષય પટેલ દ્વારા ગામમાં અલગ અલગ જગ્યાએ હાઈમસ્ટ લાઈટના ટાવરો પણ મૂકવામાં આવ્યા છે.

દયાળભાઈ પટેલ અને જયેશ પટેલ સહકારી ક્ષેત્રે મોટું નામ
ગામના બીજા આગેવાન એવા દયાળભાઈ પરભુભાઈ પટેલે ચલથાણ સુગર તેમજ સાયણ સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી હતી. તો ગામમાં કોળી પટેલ ફળિયામાં રહેતા સહકારી અને રાજકીય આગેવાન એવા યુવાન જયેશભાઈ હસમુખભાઈ પટેલ હાલમાં ભાજપમાં કામરેજ તાલુકા ઉપ્રમુખ તરીકે, કોળી પટેલ સમાજ કામરેજ તાલુકામાં ઉપપ્રમુખ, કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ વિભાગ નાગરિક બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીમાં ડિરેક્ટર છે. તેમજ અગાઉ 2012થી 2016 સુધી ડુંગરા જીઓર ગામના ડે.સરપંચ તેમજ ભાજપમાં યુવા મોરચામાં પણ કામગીરી કરી છે. 2012 બાદ સતત ગ્રામ પંચાયતમાં સભ્ય પદે ઘરના સભ્યોમાંથી ચુંટાઈને આવે છે. 2016-21માં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સીમાબેન પટેલ ચૂંટણી જીતીને આવ્યાં હતાં. વર્ષ-2021માં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જયેશભાઈનાં પત્ની સીમાબેન જયેશભાઈ પટેલ બીજા વોર્ડમાંથી બિનહરીફ તરીકે ચુંટાઈ આવ્યાં હતાં. ગામમાં વિકાસનાં કામોમાં સિંહફાળો છે.
સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વર્ષમાં ઉપલબ્ધ થશે
ગામની વસતી વધવાની સાથે સાથે પાણીની જરૂરિયાત પણ વધતી જાય છે. જો કે, શાસનાધિકારીઓની કુનેહને કારણે આ ગામને સમયાંતરે વિકાસની ભેટ મળતી રહી છે. એ માટે ગ્રામજનો પણ ઉમદા સહકાર આપે છે. ડુંગરા ગામ ખાતે સુડા દ્વારા સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે આગામી એક વર્ષમાં બની જશે.

ધોરણ-1થી 8 સુધી અભ્યાસની સુવિધા ચાલે છે
ગામમાં સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 8 સુધીની શાળા આવેલી છે. શાળામાં આચાર્ય તરીકે હેતલબેન જયંતીભાઈ પટેલ તથા શિક્ષકો તરીકે ગીતાબેન રાયસીંગભાઈ પટેલ, યોગેશકુમાર શંકરભાઈ પટેલ, વિપુલભાઈ વાસુદેવભાઈ બારોટ, ચંગીબેન ગાસાભાઈ ચૌધરી, ચારુલબેન જિતેન્દ્ર પટેલ, જિગીશા મંગલલાલ મોઢેરા, અમિષાબેન ખોડાભાઈ આહીર, નીતિનભાઈ જમનભાઈ સરવૈયા ફરજ બજાવે છે. શાળામાં કુલ 282 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વધુ અભ્યાસ માટે કામરેજ ચાર રસ્તા ખાતે આવવું પડે છે. વધુમાં ગામમાં આવેલી શાળામાં 2019-20માં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ગામના માજી સરપંચ અક્ષય પટેલ દ્વારા નવા રૂમો બનાવવામાં આવ્યા હતા.

જીઓરમાં વિવિધ સંતોની અવરજવર
જીઓર ગામમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે 2014માં શિવકથાકાર ગિરિબાપુ (સાવરકુંડલાવાળા)ની શિવકથા પણ કરાવવામાં આવી હતી. તેમજ મોરારિબાપુ, જય ગુરુદેવ પરિવાર તેમજ સ્વામીનારાયણ સંપ્રદાય સોખડાના હરિપ્રસાદ સ્વામી પણ ગામમાં આવી ગયા હતા.
ગુજરાત ખેત વિકાસ પરિષદ અમદાવાદ સંચાલિત આશ્રમશાળા પણ આવેલી છે
ડુંગરા ગામે ગુજરાત ખેત વિકાસ પરિષદ અમદાવાદ સંચાલિત આશ્રમશાળા પણ આવેલી છે. જે શાળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી બાળકોમાં સાક્ષરતાનો દર ઊંચો આવે અને તે દેશની અન્ય વસતીની સાથે સમકક્ષ બની રહે એ માટે શરૂ કરવામાં આવી હતી. આ આશ્રમશાળા 1994માં ડુંગરા ગામે શરૂ કરવામાં આવી હતી. આ શાળામાં ધોરણ-1થી 10માં હાલમાં 250 છોકરાં-છોકરી અભ્યાસ કરે અને ત્યાં જ રહે છે. શાળામાં આચાર્ય તરીકે અશોકભાઈ મગનભાઈ વળવી, વિદ્યાસહાયક તરીકે ભૂમિકાબેન અશોકભાઈ પ્રજાપતિ, મયૂરકુમાર પરસોત્તમભાઈ મારવણીયા, હેમલતાબેન મગનભાઈ પટેલ છે. જ્યારે શિક્ષણ સહાયક તરીકે બીપીનભાઈ ઘનશ્યામભાઈ ચૌધરી ફરજ બજાવે છે. તમામ બાળકોને શિક્ષણ આપે છે.

સ્વ.ભોગીલાલ પટેલનો વિકાસકીય કામોમાં ઉમદા ફાળો રહ્યો હતો
સ્વ.ભોગીલાલ ભીખાભાઈ પટેલ વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા હતા, જેમાં કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી ભારતીય વિદ્યામંડળમાં ટ્રસ્ટી, કામરેજ કેળા મંડળીના પ્રમુખ તરીકે, કૃષિ મંગલમાં ઉપ્રમુખ તરીકે 25 વર્ષ, ખોલવડની દીનબંધુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે, નનસાડ ભરથાણા ગ્રુપ કો.ઓ.કોટન સેલમાં ડિરેક્ટર, ઉમામંગલ-કામરેજ ચાર રસ્તાના ટ્રસ્ટી તરીકે, ગામમાં વિવિધ સમિતિઓમાં, નવી પારડી ખાતે આવેલી વિદ્યામંગલ સ્કૂલમાં પણ ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી. સ્વ.ભોગીલાલ પટેલનું તા.9-10-2021માં અવસાન થતાં ગામને મોટી ખોટ નડી છે.

દૂધ ઉત્પાદક સહકારી મહિલામંડળી આશીર્વાદરૂપ
ડુંગરા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મહિલામંડળી પણ આવેલી છે. જે મંડળીનું તમામ સંચાલન ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રમુખ તરીકે પ્રભાબેન રમેશભાઈ આહીર, ઉપ્રમુખ તરીકે ઉષાબેન સોમાભાઈ પટેલ, કમિટી સભ્ય તરીકે ગીતાબેન હસમુખભાઈ ચૌહાણ, સુમનબેન ખુશાલભાઈ પટેલ, પુષ્પાબેન રમણભાઈ વસાવા, નંદુબેન ડાહ્યાભાઈ કંથારિયા, મનુબેન સુમનભાઈ રાઠોડ, ઉષાબેન નવીનભાઈ વસાવા છે. આ મંડળીની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. દરરોજ સવારે 300 અને સાંજે 250 લીટર વધુ દૂધ ભરાય છે. ગામના 45 સભાસદ દૂધ કાયમ માટે ભરે છે.

તાપી નદી કિનારે ગામ હોવાથી મોટા પાયે રેતીચોરી થાય છે
કામરેજ તાપીનો તાપી નદીનો તટ જાણે રેતીખનન કરનારાઓને માફક આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. અહીંથી મોટા પાયે રેતીખનન થતાં પર્યાવરણને પણ નુકસાન થાય છે. ડુંગરા જીઓર ગામ તાપી નદીના કિનારે આવેલું ગામ છે. આથી આ ગામમાં આવેલા નદી કિનારેથી ગેરકાયદે રેતીખનન પ્રવૃત્તિ પણ પુરજોશમાં ચાલે છે. ત્યારે સરકારી તંત્ર કામગીરી કરે એ જરૂરી છે.

Most Popular

To Top