Columns

મંત્ર, યંત્ર અને તંત્ર

જ્યારે આપણે મંત્ર, યંત્ર અને તંત્રની વાત શરૂ કરીએ ત્યારે લોકોમાં એક ભયંકર ગભરાટ અને વિહ્‌વળતા અનુભવાય છે. ‘તંત્ર’ શબ્દ સાંભળતાં સાથે જ ભૂતપ્રેતની દુનિયા, સ્મશાનમાં મેલીવિદ્યાની ઉપાસના કરતા કાપાલિકો, ખોપરીઓના અટ્ટહાસ્યો મનમાં ભય ઉત્પન્ન કરે છે. કારણ કે આપણે આ ત્રણેયના મૂળ અર્થને જાણતા જ નથી. આપણે એમ કહીએ કે શંકરાચાર્ય તાંત્રિક હતા તો કોણ માનવા તૈયાર થાય? સંસ્કૃતના મહાન આચાર્યો તંત્ર શાસ્ત્રના સાધકો પણ હતા. તંત્ર વિશે જાણકારીનો અભાવ તેમાં કારણભૂત છે. આપણને મંત્રસિદ્ધિમાં રસ છે, પરંતુ મંત્રો શું છે તે જાણ્યા વિના સિદ્ધિ પ્રાપ્ત ન થાય. આ કારણે જ આપણે મંત્રના જાપ કરીએ છીએ, પરંતુ ફળ પ્રાપ્ત થતું નથી. આપણે આ ત્રણ શબ્દોને સમજવા માટે ‘તંત્ર’ શબ્દથી શરૂઆત કરીશું.

* ‘તંત્ર’ શબ્દનો અર્થ :-
તંત્ર શબ્દો અર્થ સિદ્ધાંત, વ્યવહાર, પ્રબંધ, નિયમ, વેદના શાખા, દેવીઓની ઉપાસનાઓ, મંત્રસિદ્ધિનું શાસ્ત્ર – વગેરે થાય છે. તંત્ર એક શાસ્ત્ર છે અથવા વિજ્ઞાન છે. તંત્ર શબ્દમાં ‘તન્‌’ અને ‘ત્રૈ’ ધાતુ છે. ‘તન્‌’ એટલે વિસ્તાર કરવો. ‘ત્રૈ’ એટલે રક્ષણ કરવું. તંત્રશાસ્ત્ર વેદના મંત્રોનો અર્થવિસ્તાર કરે છે અને તેના દ્વારા સર્વનું રક્ષણ કરે છે. મંત્રનું વિસ્તારપૂર્વક જ્ઞાન અને તેના દ્વારા વિવિધ સિદ્ધિઓ અને રક્ષણ તંત્રના મુખ્ય ઉદ્દેશ છે. વેદોના જે મંત્રો આપણે ખાલી વાંચીને ઉપરછલ્લા સમજીએ છીએ તે મંત્રો તંત્રશાસ્ત્રની મદદથી સમજી શકાય છે અને તેના દ્વારા સર્વ શકિતઓ પ્રાપ્ત થાય છે.

* આગમ અને નિગમ :-
‘નિગમ’ એટલે વેદો. વેદોને વાંચવા માટે અત્યંત પરિશ્રમ કરવો પડે. તેમાં ઘણા બધા વર્ષો પસાર થાય. પ્રાચીન સમયમાં વેદો ઘણી બધી રીતે મર્યાદિત હતા. બ્રાહ્મણો સિવાય વેદો કોઇ સમજી શકતું ન હતું. ‘આગમ’ એટલે તંત્ર. આગમગ્રંથો સર્વ જાતિઓ માટે અધ્યયન કરી શકાય તેવા છે. તેમાં સ્ત્રીઓ પણ ઉપાસના કરી શકે છે. આ રીતે આગમગ્રંથો સમગ્ર માનવજાતનું કલ્યાણ કરનારા ગ્રંથો છે. તેમાં કોઇ જાતિનાં બંધન નથી. વેદો મોક્ષવિદ્યા છે, જ્યારે આગમ ભોગ અને મોક્ષ બન્ને આપનારી વિદ્યા છે. તંત્રશાસ્ત્ર જાણવા માટે ઘર છોડવાની કે સંન્યાસ લેવાની જરૂર નથી. શિવના મુખમાંથી નીકળ્યા અને પાર્વતીના હૃદય સુધી ગયા તે ગ્રંથો આગમગ્રંથો. (આ+ગમ્‌ ધાતુ)

તંત્રશાસ્ત્ર કાં તો ભગવાન શિવ કહે છે અને પાર્વતી સાંભળે છે અથવા પાર્વતી કહે છે ને શિવ સાંભળે છે. એ રીતે દિવ્ય દંપતીના મધુર સંવાદરૂપે તંત્રગ્રંથો લખાયા છે. તંત્ર ગ્રંથોની સંખ્યા 64 છે. શૈવ તંત્ર, શાકત તંત્ર, વૈષ્ણવ તંત્ર, શાબર તંત્ર વગેરે અનેક વિભાગો છે. બૌદ્ધ અને જૈન ધર્મના પણ તંત્રગ્રંથો છે. આમ તો અનેક ધર્મો સાથે તંત્રવિધિઓ જોડાયેલી છે. જેનાથી અભ્યુદય અને નિ:શ્રેયસ સાધી શકાય તેને ‘આગમ’ કહેવાય. આ રીતે લોકોની ઉન્નતિ અને મોક્ષના ઉપાયોનું પ્રતિપાદક શાસ્ત્ર એટલે આગમ. તંત્રશાસ્ત્ર મંત્ર, તેના વિધિ – વિધાન, મંત્રની ઉપાસનાની પધ્ધતિઓ, મંત્ર દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ વગેરે સાથે સીધો સંબંધ ધરાવે છે. નિગમો એટલે વેદો દ્વારા જે સિદ્ધિઓ કષ્ટસાધ્ય છે, તે જ સિધ્ધિઓ તંત્ર દ્વારા સહજ રીતે પ્રાપ્ત થાય છે. આ અંગે એક શ્લોક છે –

‘યત્રાસ્તિ ભોગો ન ચ તત્ર મોક્ષ: I
યત્રાસ્તિ મોક્ષો ન ચ તત્ર ભોગ: II
શ્રીસુન્દરીસાધનતત્પરાણાં
ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ અવ II’
* તંત્ર તરફ અણગમો શા માટે?

તંત્ર તરફ અણગમો પેદા થવાના બે કારણો છે :
(1) તંત્ર જાણનારા વિદ્વાનોએ જ આ વિદ્યાને ગુપ્ત રાખવા માટે જ અણગમો થાય તેવી વાતો વહેતી કરી છે. કેમ કે તંત્ર મંત્રના રહસ્યોને ખોલી શકે છે. બધા લોકો પાસે જાય તો મંત્રનો સારા – નરસા બધા ઉપયોગો થાય અને સમાજને નુકસાન થાય. મંત્ર શાસ્ત્રનું પણ કામ કરે અને શસ્ત્રથી બચાવવાનું કામ પણ કરી શકે. આથી જનસામાન્ય તેનાથી ડરીને દૂર રહે એ માટે અણગમો પેદા કરવામાં આવ્યો છે. મંત્ર દ્વારા મોક્ષપ્રાપ્તિ સુધી જઇ શકાય પરંતુ મંત્ર દ્વારા મારણ, સમોહન, સ્તંભન, વશીકરણ, ઉચ્ચાટન જેવા પ્રયોગો પણ થઇ શકતા હોય છે. આ બધી સિદ્ધિઓ અયોગ્ય માણસો પાસે ન જાય તેથી તંત્ર તરફ સૂગ પેદા કરવામાં આવી છે.

(2) તંત્રના 2 પ્રકારો છે : 1. સમયાચાર અથવા દક્ષિણાચાર. સાત્વિક ઉપાસના સાથે જોડાયેલો માર્ગ છે. વામાચારમાં પંચમ – કારનું સેવન કરવામાં આવે છે. (મત્સ્ય – મુદ્રા – માંસ – મદિરા – મૈથુન) વામાચારમાં સ્મશાનમાં થતી ઉપાસનાઓનો પણ સ્વીકાર થયો છે. આથી ભદ્ર સમાજ તેને ન સ્વીકારી શકે એ સ્વાભાવિક છે. જો કે આ પંચમ – કારો કેવળ બાહ્ય છે. તે માત્ર દેખાડવા પૂરતા છે. આધ્યાત્મિક રીતે તેના અન્ય અર્થો થાય છે, જેની લોકોને જાણકારી નથી હોતી પરંતુ તંત્રનું ગહન અધ્યયન કરતાં એવું ચોકકસ લાગે છે કે તંત્રગ્રંથો સમજ્યા વગર વેદોનો સાર પામી શકાય નહિ.
(આવતા મંગળવારે મંત્ર વિશે વાત…)

Most Popular

To Top