Entertainment

વૅબસિરિઝનો આદર્શ અને ફિલ્મનો ગૌરવ એક જ છે

ઘણીવાર અટકો એવી હોય છે કે નામ સાથે જાળવી રાખવી મુશ્કેલ પડે. આના ઉપાય અનેક છે. આદર્શ નામના ટીવી વેબ સિરીઝના અભિનેતાની અટક ભગવતુલા છે. એટલે કે આદર્શ ભગવતુલા. નામ કરતા અટક મોટી અને લોકોને મોઢે ચડેલી હોય તેવી ય નહીં. શું છે કે તેના પિતાનું નામ સતિશનારાયણ ભગવતુલા છે, જે આમ તેલુગુ છે. આદર્શે પોતાના નામ સાથે ભવિષ્યમાં મળનારું ગૌરવ જોડી દીધું ને બની ગયો આદર્શ ગૌરવ. આ ગૌરવને તમે ‘લીલા’ TV શ્રેણીમાં નાઝ ચૌધરી, ‘હોસ્ટેલ ડેઝ’માં અંકિત પાંડે તરીકે જોયો છે. અત્યારે તે દલકીર સલમાન, રાજકુમાર રાવ સાથે ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.

આદર્શ વેબ સિરીઝનો અભિનેતા છે કે ફિલ્મોનો? તે ‘માય નેમ ઇઝ ખાન’, ‘મોમ’ અને ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મોમાં હતો અને હવે અનન્યા પાંડે સાથે ‘ખો ગયે હમ કહાં’માં આવી રહ્યો છે. ઝોયા અખ્તર, રીમા કાગતીએ લખેલી ફિલ્મમાં સિધ્ધાંત ચતુર્વેદી પણ છે. આજકાલ ઘણા નિર્માતાઓ નવા અભિનેતા – અભિનેત્રીને લઇ ફિલ્મ બનાવી રહ્યા છે, તો તેમાં આદર્શ ગૌરવનો પણ ચાન્સ લાગી ગયો છે.

ફરહાન અખ્તર – રિતેશ સિધવાની મૈત્રી સંબંધ આધારે ફિલ્મો બનાવવામાં હોંશિયાર છે ને ‘ખો ગમે હમ કહાં’ પણ તેવી જ લાગી રહી છે. આદર્શ ગૌરવ તો આવી ફિલ્મો મળવાથી પોતાનામાં નવી શકિત અનુભવી રહ્યો છે. સારી ફિલ્મોને વેબ સિરીઝથી ઓળખાતા થવું કોઇ પણ નવોદિત માટે ઉત્સાહપ્રેરક હોય છે. ગયા વર્ષે તેણે એક વાતચીતમાં કહેલું કે હું મનોરંજક બોલિવુડ ફિલ્મોની અસરથી દૂર છું.

મને ડાન્સ કરી શકતા ને ગાતા લોકો પ્રત્યે ઘણો આદર છે પણ મને સહજ રહી શકાય તેવા પાત્રો ભજવવા ગમે છે. ગયા વર્ષે ‘ધ વ્હાઇટ ટાઇગર’ની ચર્ચા ખૂબ રહેલી. કારણ કે તેમાં પ્રિયંકા ચોપરા પણ હતી, પરંતુ તે અર્થપૂર્ણ ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે. અલબત્ત, અભિનયક્ષેત્રમાં 5 – 7 વર્ષથી જ પ્રવેશ્યા હોય તે આવા આદર્શવાળી વાત કરે છે, પણ પછી નસીરુદ્દીન શાહ, ઓમપુરીની જેમ કમર્શીઅલ ફિલ્મોમાં આવી ચડે છે. ‘ધ વ્હાઇટ ટાઇગર’ના તેના કામની સારી પ્રશંસા થયેલી એ ખરું અને અમુક એવોર્ડ માટે નોમીનેટ પણ થયેલો અને ‘હોસ્ટેલ ડેઝ’ના પાત્ર માટે ય તે એવોર્ડ માટે વિચારાયેલો.

આદર્શ અત્યારે અભિનેતા તરીકે નામ મેળવવાના પ્રયત્નોમાં છે પણ તે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં રુચિ ધરાવે છે અને કેટલાક ગુરુઓ પાસેથી તેણે તાલીમ પણ લીધી છે. તે એક રોક બેન્ડમાં ગાયક તરીકે પણ સક્રિય છે. તેણે ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ તેમજ ‘ચલ ચલેં’ ફિલ્મ માટે ગીતો ય ગાયા છે. પણ નરસી મોનજી કોલેજમાં તે ભણતો હતો, ત્યારે અનુરાગ કશ્યપની ‘કલિન શેવ’ નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું. જેમાં રાધિકા આપ્ટે હતી. પછી મનોજ વાજપેયી સાથેની ‘રૂખ’માં તો મુખ્ય ભૂમિકા મળી અને તેની સાથે જ શ્રીદેવી અભિનીત ‘મોમ’ મળી. તેણે ધાર્યું ન હતું અને અભિનયનો રસ્તો જ મુખ્ય થઇ ગયો. હવે વેબ સિરીઝને ફિલ્મોમાં એક સાથે કામ કરે છે. એટલે કહી શકાય કે ગૌરવનો આદર્શ હવે પોતે જ છે.

Most Popular

To Top