Dakshin Gujarat

કીમમાં માત્ર 10 મિનીટ આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી: ઘરોના પતરા ઉડી ગયા, વીજળી ડુલ થઇ

સુરત: સુરત(Surat) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઉમરપાડા(Umarpada) તાલુકામાં ધોધમાર વરસાદ(Rainfall) શરૂ થયો અને વરસાદ માંગરોળ(Mangarol) થઈ ઓલપાડ(Olpad) તાલુકામાં પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોર બાદ ઓલપાડ તાલુકામાં અચાનક વીજળીના કડાકા, ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. લોકો કંઈ સમજે એ પહેલાં માત્ર દસ મિનીટમાં જ પવન સાથે આવેલા વરસાદે ઓલપાડ તાલુકાના કીમ(Kim), કઠોદરા, મૂળદ જેવાં ગામોને ધમરોળી નાંખ્યાં હતાં. ભારે પવન સાથે વાવાઝોડું(Cyclone) શરૂ થતાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. પતરાં ઊડતાં ગરીબ પરિવારો ચિંતિત બન્યા હતા.

  • કીમમાં વરસાદ સાથે વાવાઝોડાં પતરાં ઊડ્યાં, બે ને ઇજા
  • 10 મિનીટના વાવાઝોડાથી ભારે ખાનાખરાબી, દીવાલ અને વૃક્ષો પણ ધરાશાયી થયાં

કીમ આદિવાસી વિસ્તારમાં પતરાં ઊડ્યાં હતાં અને કીમ-ઓલપાડ રોડ પર જૂના જકાતનાકા નજીક આખો પતરાંનો સેડ તૂટી પડતાં બે સફાઈ કામદાર મહિલા દબાઈ ગઈ હતી. જો કે, સ્થાનિકોએ દોડી આવી ઇજાગ્રસ્ત બંને મહિલાને કીમની સાધના હોસ્પિટલમાં ખસેડી હતી. જેમાં એક મહિલાને સામાન્ય ઇજા હોવાથી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જો કે, બીજી મહિલાને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. અને ગુપ્ત માર વાગવાથી સારવાર માટે ખસેડાઈ હતી.

માત્ર 10 મિનીટનાં વાવાઝોડાએ લોકોને ભયભીત કર્યા
જ્યારે મૂળદ ગામની હદમાં આવેલી પ્રભુનગર સોસાયટીના મુખ્ય ગેટ પર તોતિંગ ઝાડ પડી જતાં રસ્તો બંધ થઈ ગયો હતો અને વીજ વાયરો તૂટી પડતાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. તો પ્રભુનગર સોસાયટીમાં રહેતા ભગવતી પટેલનાં ઘરનાં પતરાં હવામાં ઊડ્યાં હતાં અને દીવાલ તૂટી ગઈ હતી. જો કે, સ્થળ પર કોઈ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આમ માત્ર પાંચથી દસ મિનીટ આવેલા વાવાઝોડાએ બધાને ડરાવી દીધા હતા. કીમ, કઠોદરા અને મૂળદ વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

Most Popular

To Top