વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ અલ નીનોને લઈને ગંભીર ચેતવણી આપી છે. સંસ્થાના જણાવ્યા મુજબ મે થી જુલાઈ વચ્ચે અલ નીનોની સ્થિતિ સક્રિય થઈ શકે છે, જેના કારણે ભારત સહિત દક્ષિણ એશિયાના હવામાન પર મોટી અસર પડશે. પહેલા અંદાજ હતો કે આ સ્થિતિ ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન દેખાશે, પરંતુ હવે તે વહેલી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલ નીનો એક કુદરતી જળવાયુ ઘટના છે, જે દર 2થી 7 વર્ષમાં બને છે અને સામાન્ય રીતે 9થી 12 મહિના સુધી અસર કરે છે. આ દરમિયાન સમુદ્રના પાણીનું તાપમાન વધે છે, જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ઘણી જગ્યાએ કાળઝાળ ગરમી, તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે.
WMO મુજબ, વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જે અલ નીનોના આગમનનો સંકેત આપે છે. મે, જૂન અને જુલાઈ દરમિયાન જમીનનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. એટલે કે, આવનારા મહિનાઓમાં લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ભારત માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે, કારણ કે હવામાન વિભાગે પહેલાથી જ આ વર્ષે સરેરાશ કરતા ઓછા વરસાદની આગાહી કરી છે. જો અલ નીનોના કારણે ચોમાસું નબળું પડે તો કૃષિ અને પાણી પુરવઠા પર સીધી અસર કરશે. આ સાથે જ હિમાલય વિસ્તારમાં બરફનું પ્રમાણ પણ ઘટ્યું છે. આ વર્ષે હિમવર્ષા સામાન્ય કરતા લગભગ 27.8% ઓછી નોંધાઈ છે, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ પર તેનો અસર પડશે, જેના કારણે પાણીની અછત ઉભી થઈ શકે છે. અંદાજે 2 અબજ લોકોની જળ સુરક્ષા પર તેનો ખતરો ઉભો થઈ શકે છે. સામાન્ય રીતે અલ નીનો દરમિયાન ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયામાં વરસાદ ઓછો રહે છે, જ્યારે દક્ષિણ અમેરિકા અને કેટલાક અન્ય વિસ્તારોમાં વધુ વરસાદ થાય છે. આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ, પાણી વ્યવસ્થાપન અને આરોગ્ય ક્ષેત્રે આગોતરા આયોજન કરવાની જરૂર છે.