India

દિલ્હીમાં રાતો પણ બની તંદૂર જેવી ગરમ! 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આ તારીખથી મળશે રાહત

દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. દિવસ દરમિયાન તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે, પરંતુ હવે ચિંતાજનક બાબત એ છે કે રાત્રે પણ લોકોને ગરમીમાંથી રાહત મળી રહી નથી. દિલ્હીએ મે મહિનાની સૌથી ગરમ રાતનો લગભગ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા અનુસાર, દિલ્હીના સફદરજંગ હવામાન કેન્દ્રમાં લઘુત્તમ તાપમાન 32.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5.7 ડિગ્રી વધુ છે. છેલ્લે મે 2012માં રાત્રિનું તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદના 14 વર્ષમાં મે મહિનાની કોઈપણ રાત આટલી ગરમ રહી નહોતી.

દિવસની સાથે રાતો પણ બની મુશ્કેલ
સામાન્ય રીતે દિવસ દરમિયાન ભારે ગરમી બાદ રાત્રે તાપમાન ઘટવાથી લોકોને થોડી રાહત મળે છે. જોકે આ વખતે રાત્રે પણ પારો 30 ડિગ્રીથી ઉપર રહેતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે પણ ગરમ પવન અને ઉકળાટ યથાવત રહી હતી.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહે અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી કે તેથી વધુ રહે ત્યારે તેને “વોર્મ નાઇટ” તરીકે ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં માનવ શરીરને દિવસની ગરમીમાંથી બહાર આવવા પૂરતો સમય મળતો નથી, જેના કારણે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો ખતરો વધી જાય છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં ગંભીર સ્થિતિ
સફદરજંગ સિવાય અયાનગર, પાલમ, લોધી રોડ અને રિજ જેવા હવામાન કેન્દ્રોમાં પણ રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આખા દિલ્હી વિસ્તારમાં ગરમીનો પ્રભાવ સમાન રીતે જોવા મળી રહ્યો છે.

IMD દ્વારા એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને NCR માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને વૃદ્ધો તથા બાળકોની ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.

ક્યારે મળશે રાહત?
હવામાન વિભાગના અનુમાન મુજબ 28 મેથી હવામાનમાં આંશિક ફેરફાર શરૂ થઈ શકે છે, જ્યારે 29 મેથી 31 મે વચ્ચે પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ના પ્રભાવને કારણે વાદળછાયું વાતાવરણ, ધૂળભરી પવનો, ગાજવીજ સાથે વરસાદ અને તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને ભીષણ ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

વીજળીની માંગમાં પણ વધારો
ઉત્તર ભારતમાં ચાલી રહેલી આકરી ગરમીના કારણે એર કન્ડીશનર, કૂલર અને પંખાના ઉપયોગમાં ભારે વધારો થયો છે. જેના કારણે વીજળીની માંગ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, વીજ પુરવઠા પર દબાણ વધ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.દિલ્હીમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ મે મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ અને ઠંડા પવનોના કારણે લોકોને રાહત મળવાની આશા છે.

Most Popular

To Top