Vadodara

બૂલેટ ટ્રેન માટે સંપાદન કરાયેલી જમીનના ૩૪.૧૬ કરોડનો ચેક કોર્પોરેશનને અપાયો

વડોદરા : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનના સંપાદન પર કોર્પોરેશને મહોર મારી દેતા આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂા.૩૪.૧૬ કરોડનો ચેક સુપરત કરાયો હતો.કોર્પોરેશન દ્વારા અગાઉ રસ્તા રેષા માટે સંપાદન કરેલી જમીનો તથા રસ્તા પૈકીની જમીનોનું સરકારના ધારાધોરણો મુજબ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી વળતર મેળવી આ જમીનોનો કબજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુપરત કરવા માટે તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને સમગ્ર સભા તરફથી તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ સમગ્ર કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરવામાં આવી હતી.

બાદમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા એનએચઆરસીએલના ચીફ મેનેજરને પત્ર લખવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીની છાણીથી માણેજા સુધીની કુલ ૬૭૯૪.૩૯ ચોરસમીટર જેટલી જમીન અને રાઇટ ઓફ વે માટે આવતી ૭૫૦૮.૯૧ ચો.મી. જમીન સંપાદન માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા નક્કી કરેલી રકમ મુજબ કુલ રૂા.૩૪.૧૬ કરોડ કોર્પોરેશનને ચૂકવવાના થતા હતાં. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર પ્રદિપ અહિરકર દ્વારા જમીન સંપાદનનો ચેક કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને સુપરત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, છાણી વિસ્તારથી વડોદરા સ્ટેશન થઇ માણેજા સુધીની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની જમીનો જે અગાઉ રસ્તા રેષા માટે સંપાદન કરવામાં આવી હતી. આ જમીન પૈકી કેટલીક જમીનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પથરેખામાં આવતી હોવાથી બુલેટ ટ્રેનની જમીન સંપાદન કચેરી દ્વારા કોર્પોરેશન પાસે આ જમીનોની માંગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top