બોડકા ગામ નજીક પાછળથી ટ્રક ઘૂસતા સર્જાઈ દુર્ઘટના, ફાયર ટીમે હાઇડ્રોલિક ટૂલ્સથી બહાર કાઢ્યો મૃતદેહ
કરજણ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે કરુણ અકસ્માત સર્જાયો હતો. માતરથી વડોદરા તરફ જતા માર્ગ પર બોડકા ગામ નજીક બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે એક ટ્રક બીજી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળની ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ હાઇડ્રોલિક ટૂલ્સની મદદથી ટ્રકના પતરા કાપીને અંદર ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. જોકે, આરીફભાઈ ગુલામ હુસેન દાદલિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ તંત્ર દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી ટ્રાફિક ફરી સામાન્ય બનાવાયો હતો.
આ બનાવે ફરી એકવાર માર્ગ સલામતી અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
રિપોર્ટર: મુકેશ અઠોરા