Sports

2006 પછી ફરી વર્લ્ડ કપમાં ફ્રાન્સ-સ્પેન આમને-સામને, કોણ પહોંચશે ફાઇનલમાં? ગોલ મશીન એમ્બાપ્પે સામે યુવા સ્ટાર યમાલ

ફિફા વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં બે દિગ્ગજ ટીમો ફ્રાન્સ અને સ્પેન આમને-સામને ટકરાશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો બુધવારે મધરાતે 12:30 વાગ્યે અમેરિકાના ડલાસ સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત એ છે કે બંને ટીમો 20 વર્ષ બાદ ફરી વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે. છેલ્લે 2006ના વર્લ્ડ કપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે સ્પેનને 3-1થી હરાવી હતી. ફ્રાન્સ અને સ્પેન વચ્ચે અત્યાર સુધી કુલ 38 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાં સ્પેને 18 મેચ જીતી છે, જ્યારે ફ્રાન્સે 13 મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે 7 મુકાબલા ડ્રો રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળે છે.

આ સેમિફાઇનલમાં સૌથી વધુ નજર ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમ્બાપ્પે પર રહેશે. એમ્બાપ્પે આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ 8 ગોલ ફટકારી ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર છે. તેની ઝડપ, ગોલ કરવાની ક્ષમતા અને મોટા મુકાબલામાં સારું પ્રદર્શન કરવાની આવડત ફ્રાન્સ માટે સૌથી મોટી તાકાત બની છે. તેની સાથે ઉસ્માન ડેમ્બેલેએ પણ ટૂુર્નામેન્ટમાં 5 ગોલ કરીને ફ્રાન્સના આક્રમણને વધુ મજબૂત બનાવ્યું છે. બીજી તરફ સ્પેનની આશાઓ 19 વર્ષીય સ્ટાર લામિન યમાલ પર ટકેલી છે. યમાલે આ ટુર્નામેન્ટમાં અનેક ગોલની તકો ઉભી કરી છે અને ભલે તેણે અત્યાર સુધી માત્ર એક જ ગોલ કર્યો હોય, પરંતુ તેની રમતથી વિરોધી ટીમના ડિફેન્સ પર સતત દબાણ સર્જાયું છે. તેની સાથે મિડફિલ્ડમાં પેડ્રી અને રોડ્રી જ્યારે આગળની લાઇનમાં અલ્વારો મોરાટા અને નિકો વિલિયમ્સ સ્પેન માટે મહત્વની ભૂમિકા ભજવશે.

બંને ટીમો છેલ્લે 2025ની યુઈએફએ નેશન્સ લીગની સેમિફાઇનલમાં સામસામે આવી હતી. તે વખતે સ્પેને રોમાંચક મુકાબલામાં ફ્રાન્સને 5-4થી હરાવ્યું હતું. તે મેચમાં લામિન યમાલે બે ગોલ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. હવે ફ્રાન્સ પાસે તે હારનો બદલો લેવાની પણ તક રહેશે. ફ્રાન્સે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી અને પોતાની તમામ 6 મેચ જીતી છે. ગ્રુપ સ્ટેજમાં તેણે સેનેગલને 3-1, ઇરાકને 3-0 અને નોર્વેને 4-1થી હરાવ્યું હતું. ત્યારબાદ નોકઆઉટ તબક્કામાં સ્વીડનને 3-0, પેરાગ્વેને 1-0 અને ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

જો ફ્રાન્સ આ મેચ જીતશે તો તે સતત ત્રીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચશે. ફ્રાન્સે 2018માં વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો, જ્યારે 2022ની ફાઇનલમાં તેને આર્જેન્ટિના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સ્પેને પણ સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યાર સુધી 6 મેચમાં 5 જીત મેળવી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. ગ્રુપ સ્ટેજમાં તેણે સાઉદી અરેબિયાને 4-0 અને ઉરુગ્વેને 1-0થી હરાવ્યું હતું, જ્યારે કાબો વર્ડે સામેની મેચ ગોલ વિના ડ્રો રહી હતી. ત્યારબાદ નોકઆઉટમાં ઓસ્ટ્રિયાને 3-0, પોર્ટુગલને 1-0 અને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પેન માટે સૌથી મોટી તાકાત તેનો મજબૂત ડિફેન્સ છે. સમગ્ર ટુર્નામેન્ટમાં સ્પેને માત્ર એક જ ગોલ ખાધો છે, જે તેની રક્ષણાત્મક રમતની મજબૂતી દર્શાવે છે. હવે સૌથી મોટો પડકાર એમ્બાપ્પે અને ડેમ્બેલે જેવા ખતરનાક ફોરવર્ડ્સને રોકવાનો રહેશે. આ મેચમાં એક તરફ ફ્રાન્સની ઝડપી અને આક્રમક રમત હશે તો બીજી તરફ સ્પેનનો મજબૂત ડિફેન્સ અને બોલ પર નિયંત્રણ રાખવાની શૈલી જોવા મળશે. એટલે ફૂટબોલ ચાહકોને એક રોમાંચક અને હાઇ-વોલ્ટેજ સેમિફાઇનલ જોવા મળી શકે છે.

Most Popular

To Top