વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFAએ વર્લ્ડ કપના સંચાલન અને નફામાં ખાનગી કંપનીઓને ભાગીદાર બનાવવાના પોતાના વિવાદાસ્પદ પ્રસ્તાવને આખરે રદ કરી દીધો છે. વિશ્વભરના ફૂટબોલ સંગઠનો અને અધિકારીઓના ભારે વિરોધ બાદ FIFA પ્રમુખ જિયાની ઇન્ફન્ટિનોએ આ નિર્ણય જાહેર કર્યો છે. ઇન્ફન્ટિનોએ જણાવ્યું કે તમામ પક્ષોના મંતવ્યો સાંભળ્યા બાદ સ્પષ્ટ થયું કે આ યોજનાથી ફૂટબોલ જગતમાં મતભેદ વધી રહ્યા હતા. તેમણે કહ્યું કે FIFAનું મુખ્ય લક્ષ્ય હંમેશા ફૂટબોલમાં એકતા જાળવવાનું અને રમતના વિકાસ માટે કામ કરવાનું રહ્યું છે. તેથી આ પ્રસ્તાવને આગળ નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
FIFAએ અગાઉ વર્લ્ડ કપના સંચાલન માટે ખાનગી રોકાણકારો સાથે મળીને લગભગ 20 બિલિયન ડોલરની કંપની બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે આ યોજનાને શરૂઆતથી જ અનેક દેશો અને ફૂટબોલ સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. યુરોપિયન ફૂટબોલ સંસ્થા UEFAના 55 સભ્ય દેશોએ આ પ્રસ્તાવ સામે એકજૂટ થઈને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, જરૂર પડે તો FIFAની સ્પર્ધાઓ, જેમાં વર્લ્ડ કપ પણ સામેલ છે, તેનો બહિષ્કાર કરવાની પણ તૈયારી દર્શાવી હતી.
ઉત્તર અમેરિકાની CONCACAF અને એશિયન ફૂટબોલ કન્ફેડરેશને પણ આ યોજનાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત FIFA પ્રમુખના વરિષ્ઠ સલાહકાર કાર્લોસ કોર્ડેરોએ પણ આ નિર્ણયના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ તમામ વિરોધ બાદ FIFAએ આખરે પોતાની યોજના પાછી ખેંચી લીધી છે. હવે વર્લ્ડ કપના સંચાલન અને આવકના માળખામાં કોઈ ખાનગી ભાગીદારી કરવામાં આવશે નહીં અને સ્પર્ધાનું સંચાલન FIFAના વર્તમાન મોડલ મુજબ જ ચાલુ રહેશે.