ઉત્તર આફ્રિકામાં આવેલા સ્પેનના સ્વાયત્ત શહેર સેઉટામાં સર્જાયેલા ગેરકાયદે ઘૂસણખોરીના સંકટ પર સ્પેન સરકારે મોટાભાગે કાબૂ મેળવી લીધો છે. મોરોક્કોની સરહદ પાર કરીને અંદાજે 60 હજારથી વધુ લોકો સેઉટામાં પ્રવેશ્યા હતા, પરંતુ સત્તાવાર માહિતી મુજબ તેમાંથી લગભગ 48 હજાર લોકો બીજા જ દિવસે મોરોક્કો પરત ફરી ગયા છે. બાકીના લોકો અંગે કાર્યવાહી ચાલુ છે. આ અચાનક થયેલી ઘૂસણખોરીને કારણે સેઉટામાં ભારે અવ્યવસ્થા ફેલાઈ હતી. આશરે 84 હજારની વસ્તી ધરાવતા શહેરમાં એકસાથે હજારો લોકો પહોંચી જતા સ્થાનિક વહીવટીતંત્ર પર ભારે દબાણ આવ્યું હતું. અનેક સ્થળોએ પોલીસ, સુરક્ષા દળો અને ઘૂસણખોરો વચ્ચે અથડામણ થઈ હતી.
અહેવાલો મુજબ મોટી સંખ્યામાં લોકો મોરોક્કોમાંથી જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે સેઉટામાં પ્રવેશ્યા હતા. કેટલાક લોકોએ સરહદી વાડ કૂદવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ઘણા લોકો સમુદ્ર તરીને શહેરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણ, સમુદ્રમાં ડૂબી જવાની ઘટનાઓ અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે થયેલા અકસ્માતોમાં કુલ મૃત્યુઆંક 70 સુધી પહોંચ્યો હોવાનું જણાવાયું છે. સ્થાનિક અહેવાલો અનુસાર કેટલાક ઘૂસણખોરો રહેણાંક વિસ્તારો, દુકાનો અને મોલમાં ઘૂસી ગયા હતા. ખાદ્ય સામગ્રી અને અન્ય વસ્તુઓની લૂંટફાટના પણ આરોપો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના અહેવાલો પણ છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી.
સ્પેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર અંદાજે 45 હજારથી વધુ લોકો સ્વેચ્છાએ મોરોક્કો પરત ફરી ગયા હતા, જ્યારે હજારો લોકોને સુરક્ષા દળોએ પકડીને પરત મોકલ્યા હતા. જોકે હજુ પણ કેટલાક લોકો સેઉટામાં જ છે અને તેઓ ખુલ્લી જગ્યાઓ તથા ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા છે. અહેવાલો મુજબ શહેરમાં લગભગ 7 હજાર જેટલા સગીરો અને બાળકો પણ હાજર છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેન સરકારે સરહદ સુરક્ષા વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. સરકારે મોરોક્કો અને સેઉટાની સરહદ પર 500 મીટર લાંબી નવી સુરક્ષા ફેન્સ બનાવવાની જાહેરાત કરી છે. ઉપરાંત સમુદ્ર માર્ગે થતી ઘૂસણખોરી રોકવા માટે બ્રેકવોટર વિસ્તારમાં નવા અવરોધો પણ ઉભા કરવામાં આવશે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ ઘટનાને દેશની પ્રાદેશિક અખંડિતતા સામેનો ગંભીર પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સરહદની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. સેઉટા અને મેલિલા એવા બે સ્પેનિશ શહેરો છે, જે ઉત્તર આફ્રિકામાં મોરોક્કોની સરહદે આવેલા હોવાથી વર્ષોથી ગેરકાયદે સ્થળાંતર માટે સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવે છે. આ નવી ઘટનાએ ફરી એકવાર યુરોપમાં ગેરકાયદે સ્થળાંતર અને સરહદ સુરક્ષાના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.