Godhra

મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી

ઉનાળુ ડાંગર અને ઘાસચારો પલળતાં પંચમહાલના ખેડૂતો આર્થિક સંકટમાં
કાપણી બાદ વેચાણની તૈયારીમાં રહેલા ખેડૂતોને મોટો ફટકો, યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા

(પ્રતિનિધિ) ગોધરા, તા.31
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સહિતના વિસ્તારોમાં મધરાત્રીએ અચાનક ધૂળની ડમરીઓ, ભારે પવન અને કમોસમી વરસાદે તબાહી મચાવી હતી. વાવાઝોડાની અસરથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે. કાપણી બાદ ખેતરો અને ઘર આંગણે સૂકવવા માટે રાખવામાં આવેલો ડાંગર પલળી જતાં ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેટલાક ખેડૂતો તો ડાંગરના ગુણો ભરી બજારમાં વેચાણ માટે જવાની તૈયારીમાં હતા, પરંતુ અચાનક આવેલા વરસાદે તમામ આયોજન ખોરવી નાખ્યું હતું.
બીજી તરફ પશુપાલકોને પણ ભારે ફટકો પડ્યો છે. પશુઓના ચારા માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો અને ગાંસડીઓ વરસાદમાં પલળી જતાં આગામી દિવસોમાં પશુઓના નિભાવ અંગે ચિંતા ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પલળેલી ડાંગરને બજારમાં પૂરતો ભાવ મળવાની શક્યતા ઓછી હોવાથી આર્થિક નુકસાની વધુ ગંભીર બની શકે છે.
હાલ ખેડૂતો પલળેલા પાકને બચાવવા માટે તેને છત અને ખુલ્લી જગ્યાઓમાં પાથરી સુકવવાના પ્રયાસો કરી રહ્યા છે. કમોસમી વરસાદના આ ઝાટકાથી પંચમહાલના ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top