India

આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું: ગ્વાલિયરમાં બનેલી ‘પ્રહાર’ LMG તૈયાર

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ સ્વદેશી રીતે બનાવેલી 7.62 મી.મી. ‘પ્રહાર’ લાઇટ મશીન ગન (LMG)ની પ્રથમ બેચ ભારતીય સેનાને સુપ્રત કરી છે. કુલ 2000 ગનોની આ ડિલિવરી નિર્ધારિત સમય કરતાં લગભગ 11 મહિના વહેલી પૂરી કરવામાં આવી છે, જે કંપની માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. આ ગનનું ઉત્પાદન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા અદાણી ડિફેન્સના અદ્યતન સ્મોલ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. 100 એકરમાં ફેલાયેલ આ પ્લાન્ટ ભારતમાં ખાનગી ક્ષેત્રનો પ્રથમ સંપૂર્ણ સંકલિત નાના શસ્ત્ર ઉત્પાદન કેન્દ્ર છે. અહીં બેરલ બનાવવાથી લઈને CNC મશીનિંગ, રોબોટિક્સ, મેટ્રોલોજી અને 25 મીટરની અંડરગ્રાઉન્ડ ફાયરિંગ રેન્જ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટમાં 90 ટકા કરતાં વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે, જે ભારતની આત્મનિર્ભરતા વધારવામાં મદદરૂપ છે. ગ્વાલિયર પ્લાન્ટ દર વર્ષે 1,00,000 શસ્ત્રો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને MSME સેક્ટરને પણ મોટી તકો આપે છે, જેના કારણે રોજગારીમાં વધારો થાય છે.

કંપનીએ ‘ફર્સ્ટ-ઓફ-પ્રોડક્શન મોડેલ’ (FOPM) માત્ર 6 મહિનામાં તૈયાર કરી લીધો હતો, જ્યારે સામાન્ય રીતે તેમાં 18 મહિના લાગે છે. ત્યારબાદ ઝડપથી ઉત્પાદન મંજૂરી (BPC) મેળવી લેવામાં આવી હતી, જેના કારણે મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ડિલિવરી ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે હવે આયાતી શસ્ત્રો પરની નિર્ભરતા ઘટશે અને દેશની રક્ષા ક્ષમતા મજબૂત બનશે. પ્રહાર LMGની ખાસિયતોની વાત કરીએ તો તે 7.62×51 mm કેલિબરની છે અને ખુલ્લા બોલ્ટથી ફાયરિંગ કરે છે. તેમાં સેમી-ઓટોમેટિક અને ફુલ-ઓટોમેટિક બંને મોડ છે. ગન ગેસ-ઓપરેટેડ સિસ્ટમ પર કામ કરે છે અને તેમાં મજબૂત બાયપોડ, એડજસ્ટેબલ બટસ્ટોક અને ગાલ રેસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ગનનું વજન આશરે 8 કિલોગ્રામ છે, બેરલ લંબાઈ 508 mm છે અને કુલ લંબાઈ 1100 mm છે. તેની અસરકારક રેન્જ લગભગ 1000 મીટર છે. તેમાં 120 રાઉન્ડનો ડ્રમ અથવા બેલ્ટ ચેઇન ફીડ સિસ્ટમ ઉપલબ્ધ છે. સાથે જ ગનને સરળતાથી ખોલી અને જાળવી શકાય તેવી ડિઝાઇન આપવામાં આવી છે. આ સમગ્ર પહેલ ભારતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.

Most Popular

To Top