Gujarat

પીએમ મોદી આગામી ૩૧ માર્ચે ગુજરાત આવશે

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદી આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યમાં શહેરી વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ‘શહેરી વર્ષ’ની જે શરૂઆત કરી હતી, તેને ૨૦ વર્ષ પૂર્ણ થતા વર્ષ ૨૦૨૫ને રાજ્ય સરકાર દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના ૬ શહેરોમાં ₹૧૧,૫૦૭ કરોડના ખર્ચે ૩૫૭ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે નડિયાદ, મોરબી, આણંદ અને મહેસાણા સહિત કુલ ૯ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરાતા હવે રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ કાર્યરત થઈ છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શહેરી વિકાસ માટે ₹૩૩,૫૦૪ કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. રેલવેની વાત કરીએ તો અમદાવાદ મેટ્રો ફેઝ-૨ પૂર્ણ થયો છે અને સુરત મેટ્રોનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાજ્યની પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવી રહ્યા છે. ઉપરાંત ‘નમોશક્તિ’ (૪૩૦ કિમી) અને ’સોમનાથ-દ્વારકા’ (૬૮૦ કિમી) જેવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેની જાહેરાત કરવામાં આવી છે. દ્વારકાનો ‘સુદર્શન સેતુ’ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે. રાજકોટમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી વ્યાપારિક ગતિવિધિઓને વેગ મળ્યો છે. રાજ્યમાં ૯.૧૯ લાખથી વધુ પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. હવે ‘આવાસ યોજના ૨.૦’ હેઠળ નવા ૧ લાખ ઘરો મંજૂર કરાયા છે.

અમૃત ૨.૦ મિશન: શહેરોને જળ સુરક્ષિત બનાવવા ₹૧,૨૦૦ કરોડથી વધુના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રોજેક્ટ્સ અમલી બનાવવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા માટે ₹૧,૨૭૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ વિકસાવવામાં આવશે, જે ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર અંકિત કરશે.ગુજરાતની આ ૨૦ વર્ષની શહેરી વિકાસયાત્રાએ ગ્રામીણ વિસ્તારોને આધુનિક શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરી ‘ઇઝ ઓફ લિવિંગ’નો સાચો અર્થ સાકાર કર્યો છે.

Most Popular

To Top