Gujarat

ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે

જેને વિધાનસભાની ચૂંટણીની મિનિ આવૃત્તિ કહી શકાય તેવી ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકા, મહાપાલિકાની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રવિવારે 15 મહાનગર પાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા તેમજ 260 તાલુકા પંચાયતોમાં મતદાન થશે. આ ચૂંટણીમાં ૧૦,૦૨૩ બેઠકો માટે ૧૯,૦૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ભારે જોર લગાડવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને ગત વખતે ભાજપે તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા અને મોટાભાગની પંયાયતોમાં જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં આપ દ્વારા ભારે જોર લગાડવામાં આવ્યું હતું. પરંતુ સુરત સિવાય તેનો ક્યાંય મેળ પડ્યો નહોતો. કોંગ્રેસનો પણ કેટલાક ઠેકાણા સિવાય ક્યાંય વિજય થયો નહોતો. ગત વખતે તો ચૂંટણીમાં મુદ્દાઓ હતા પરંતુ આ વખતે ચૂંટણીમાં મુદ્દાઓ પણ નથી. આ વખતની ચૂંટણી ગુજરાત માટે પ્રથમ વખત એવી ચૂંટણી છે કે જેમાં ચૂંટણીનો માહોલ નિ:રસ છે.

રવિવારે મતદાન બાદ મંગળવારે મતગણતરી થશે. શુક્રવારે જાહેર પ્રચાર બંધ થઈ ગયો હોવાથી હવે ઉમેદવારોની જાહેર સભા, રેલી કે લાઉડસ્પીકર દ્વારા પ્રચાર નહીં થાય. હવે ડોર ટુ ડોર જ પ્રચાર થશે. ઉમેદવારોએ મતદારોના ઘરે વ્યક્તિગત જવું પડશે. હવેનો પ્રચાર હાઈટેક થઈ ગયો છે. સોશિયલ મીડિયાની સાથે સાથે એઆઈથી બનાવેલા ફોટા અને વિડીયોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મોટાભાગે સ્થાનિક મુદ્દાઓ જ હાઈલાઈટ થાય છે. ભાજપ જોકે, મોદીના નામ સાથે ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ જુના કામો ગણાવી રહ્યું છે. આપનો સંપુર્ણ પ્રચાર ભાજપની ખામીઓ શોધવા પર છે. આપનો પ્રચાર નકારાત્મક હોવાથી તે વધુ હાઈલાઈટ થઈ રહ્યો છે. જોકે, હવે આ ચૂંટણીમાં આ પ્રચાર આપને કેટલો ફાયદો કરાવશે તે મતગણતરી બાદ જ ખબર પડશે.

આ વખતની ચૂંટણીમાં ભાજપ પોતાની જીત પર આશ્વસ્ત છે. આપનો વધુ સારા પ્રદર્શનની આશા છે. જ્યારે કોંગ્રેસને તેનું પ્રદર્શન અનેક વિસ્તારોમાં સુધરશે તેવો આશાવાદ છે. આ વખતે કોઈ નવી લહેર નહીં હોવાને કારણે મતદારોનું મન અકળ છે. મતદારો ઉમેદવારોને સામે સવાલો પુછી રહ્યા છે અને મતદારો પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે. આ વખતે સોશિયલ મીડિયાને કારણે મતદારોનો આક્રોશ બહાર આવી રહ્યો છે અને તમામ પક્ષના ઉમેદવારોને પ્રચાર કરવામાં પરસેવો પડી રહ્યો છે. સ્થાનિક મુદ્દાઓ ઉમેદવારો પર હાવી થઈ રહ્યા છે અને તેને કારણે જ ઉમેદવારોને એવી ચિંતા આ વખતની ચૂંટણીમાં છે કે મતદારોનો રોષ તેમને નડી તો નહી જાય ને. આ વખતની ચૂંટણીમાં જે પક્ષ મેદાન મારશે તે આગામી વિધાનસભામાં પણ જીત મેળવશે તે નક્કી થઈ જશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્યારે જ ફરક પડશે કે જો કોઈ નવો મુદ્દો આવ્યો હોય. તે સિવાય આ ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ અત્યારથી જ નક્કી કરી આપશે.

આ વખતની ચૂંટણીમાં આખા રાજ્યમાં ભાજપનું સંગઠન ફરી વળ્યું છે. કોંગ્રેસ પાસે સંગઠનનો અભાવ હોવાથી કોંગ્રેસને તેની ખોટ સાલી રહી છે. આપ પાસે ક્યાંક ક્યાંક જ સંગઠન છે. આપ આખા રાજ્યમાં એટલું પ્રસ્તુત પણ નથી. અનેક ઠેકાણે આપને ઉમેદવારો પણ મળ્યા નથી. આવી જગ્યાઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ છે. છેલ્લી ઘણી ચૂંટણીઓ ગુજરાતમાં કોંગ્રેસ હારી છે. અગાઉ 2000ની સાલમાં કોંગ્રેસનું અનેક મહાનગર પાલિકામાં શાસન આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું મજબુત શાસન રહ્યું પરંતુ ભાજપે આ સ્થિતિ બદલી નાખી છે. છેલ્લી બે ચૂંટણીથી ભાજપે પંચાયતોમાં જીત મેળવી છે. આ વખતની ચૂંટણીમાં

એવી છે કે દરેક પક્ષોને તેમાંથી બોધપાઠ મળશે. જો પક્ષો આ ચૂંટણીમાંથી શીખશે તો જ તેમનો ભવિષ્યમાં બેડો પાર થશે તે નક્કી છે.

Most Popular

To Top