ગાંધીનગર: ગુજરાતની ન્યાયિક વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારું પગલું ભરતાં રાજ્યના પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટની ભલામણના આધારે રાજય સરાકર દ્વારા લેવામાં આવ્યો હતો અને રાજ્યપાલની મંજૂરી બાદ કાયદા વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો છે. નિવૃત્તિ પામનાર ન્યાયાધીશોમાં મોરબીના પ્રીન્સીપલ જિલ્લા ન્યાયાધીશ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, મોરબી ફેમિલી અદાલતના પ્રીન્સીપલ ન્યાયાધીશ પ્રશાંત વિનોદરાય જોશી, પોરબંદર ફેમિલી અદાલતના પ્રીન્સીપલ ન્યાયાધીશ અલિહુસેન શેખ તેમજ મોડાસાના વધારાના જિલ્લા ન્યાયાધીશ કીર્તિકુમાર જયંતિલાલ દરજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટના એક ન્યાયાધીશને પણ નિવૃત્ત કરવામાં આવ્યા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું ન્યાયિક વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા માટે જાહેર હિતમાં લેવામાં આવ્યું છે. જોકે એક સાથે અનેક વરિષ્ઠ ન્યાયાધીશોને નિવૃત્ત કરવાના નિર્ણયથી ન્યાયિક સ્વતંત્રતા અને કાર્યપ્રણાલીને લઈને ચર્ચા વધુ તેજ બની છે. આ કાર્યવાહી ગુજરાત નાગરિક સેવા (પેન્શન) નિયમો, ૨૦૦૨ના નિયમ ૧૦(૪) તથા ગુજરાત ન્યાયિક સેવા નિયમો, ૨૦૦૫ના નિયમ ૨૧ હેઠળ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નિયમો મુજબ જાહેર હિતને ધ્યાનમાં રાખીને ફરજિયાત નિવૃત્તિનો નિર્ણય લેવામાં આવી શકે છે.આ નિર્ણયથી રાજ્યની ન્યાયિક વ્યવસ્થામાં સુધારાના પ્રયાસો સાથે સાથે તેની અસર અંગે ચર્ચા અને મંતવ્યોનો માહોલ પણ સર્જાયો છે.