સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો વ્યવસ્થા, લોકોની જાનમાલ સહિત ટ્રાફિક નિયમોને ખુલ્લો પડકાર આપ્યો હતો. સુરત શહેરના ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરા અને ખડકેલા પોલીસ (Police) પોઈન્ટ વચ્ચે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ કમનસીબ અકસ્માતમાં એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. જેને લઈને ભટાર ચાર રસ્તા આસપાસ વિસ્તારોમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ઓએનજીસીના બ્રિજ પર એક લક્ઝુરિયસ મર્સિડીઝ (Mercedes car) કારના ચાલક GJ-19-BA-2453એ એક કારને અડફેટે લીધા બાદ પૂરઝડપે કાર ભગાવી હતી. તેમની આ લક્ઝુરિયસ કારનો પીછો કરતાં અન્ય કારના ચાલકને જોયા બાદ ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી અકસ્માતની આ ઘટના ભટાર ચાર રસ્તા પાસે એવરસાઈન માર્બલના નાકે આવી અટકી હતી. પરંતુ આ ઘટનાના આરંભથી અંત વચ્ચે કેટલીક રોચક માહિતી જાણવા મળી છે. મળતી માહિતી મુજબ મર્સિડીઝ કારના ચાલકે ઓએનજીસી બ્રિજ ઉપર કારના ચાલક દર્શનભાઈ અને તેમની પત્નીને અડફેટે લીધાં હતાં. દર્શનભાઈ નીચે ઊતરીને મર્સિડિઝ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કરતાં તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેથી દર્શનભાઈ એક મોપેડ ચાલકની મદદ લઇ મર્સિડિઝ ચાલકનો પીછો કર્યો હતો.
પૂરપાટ ઝડપે મર્સિડિઝ ચાલકે કાર નેશનલ હાઈવે પરથી હંકારી સરથાણા એક્ઝિબિશન સેન્ટર પાસેથી લઈ ખાટુશ્યામ મંદિરથી અણુવ્રત દ્વાર સુધી લાવ્યા હતા. બાદમાં ત્યાં વધુ એક વાહનચાલકને અડફેટે લીધો હતો. આ ઘટના દરમિયાન દર્શનભાઈએ મોપેડ ઉપરથી ઊતરી મર્સિડીઝ કારચાલકને પકડવા પ્રયાસ કરતાં તેઓ બોનેટ ઉપર કૂદી ગયા હતા. અને અણુવ્રત દ્વારથી ભટાર ચાર રસ્તા એવરસાઈન માર્બલ સુધી આશરે એક કિલોમીટર કારના બોનેટ ઉપર લટકી રહેતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. ભટાર ચાર રસ્તા નજીક આવીને પહેલા સાઇકલસવાર શ્રમજીવીને અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. થોડા આગળ જઈ કારચાલકે રિક્ષાને અડફેટે લેતાં વધુ બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા. આ સા થેજ એવરસાઈન નજીક આ ઘટનાનો અંત આવ્યો હતો. અને બોનેટ પર લટકેલા દર્શનભાઈ બોનેટ પરથી ફંગોળાઈને નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. મર્સિડિઝ કારચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
અણુવ્રત દ્વાર પાસેથી ફિલ્મી સ્ટાઈલમાં ભૂસકો મારી કાચ પર ચઢી ગયેલા યુવાનને જોઈ લોકોએ પકડો પકડોની બૂમ પણ મારી
ઓએનજીસીથી આખા શહેરમાં બેફામ કાર હંકારી આવેલા યુવાનને પડકાર આપવા છેક ઓએનજીસીથી પીછો કરતા આવેલા યુવાને હિંમતભેર કાર પર ભૂસકો માર્યો હતો. અણુવ્રત દ્વાર પાસે ભારે ભીડભાડ વચ્ચે બનેલી આ ઘટના ફુલસ્પીડે જતી કારના બોનેટ પર કાચ પકડી ઊભેલા યુવાનને જોઈ લોકોએ પકડો પકડો કરી બૂમો પાડી હતી. પરંતુ બેફામ ગતિએ જતાં કારચાલકે સડસડાટ ગાડી દોડાવી દીધી હતી. આ દરમિયાન બ્રેડલાઈનર સર્કલ પાસે ઊભેલા ટીઆરબી જવાનો પણ દંગ રહી ગયા હતા. આ કારને લઈને કોઈ અઘટીત ઘટના બની હોવાનો અનુમાન લગાવી કારનો પીછો કરી દોડ્યા હતા.
ઇન્દ્રજિત આહીરે ઘટના નજરે જોઈ
ઘટના બની તે સમયે સણીયા ગામમાં રહેતો ઇન્દ્રજિત આહીર નોકરી પૂરી કરી ઘરે જતો હતો. સમગ્ર ઘટના તેની નજરે જોઇ હતી. તેને જણાવ્યું હતું કે, ઓએનજીસી બ્રિજ નજીક સ્વીફ્ટ કારમાં એક દંપતી સવાર હતું, ત્યારે આ મર્સિડિઝ ચાલકે તેમને અડફેટે લીધા હતા. ત્યાંથી સ્વીફ્ટ ચાલકે તેનો પીછો કર્યો હતો. તેની પાછળ તે પોતે અને અન્ય ૩-૪ બાઈકસવાર પણ દોડ્યા હતા. અને ભટાર ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ ચાલક સહિત અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા અને એકનું મોત થયું હતું.
સમગ્ર રૂટના સીસીટીવીની તપાસ જરૂરી, ડ્રાઈવર મુકાયો હોવાની આશંકા
આ ઘટના બની ત્યાંથી ભટાર ચાર રસ્તા સુધી રૂટના સમગ્ર સીસીટીવી કેમેરા ચેક કરવા જરૂરી બન્યા છે. આ ઘટનામાં મર્સિડીઝના માલિકની જગ્યાએ ડ્રાઇવર મુકાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ સંજોગોમાં જો પોલીસ સીસીટીવી કેમેરાના આધારે સાચી દિશામાં તપાસ કરે તો ઘણી સાચી માહિતી સામે આવી શકે છે.
ડ્રાઇવર તેના માલિકને એરપોર્ટ લેવા જતો હોવાની વાત
આ મર્સિડીઝ કાર શેખાવતી ઇન્ફોટેક નામે રજિસ્ટર છે. કાર લવકુશ તિવારી નામનો ડ્રાઈવર ચલાવતો હોવાની વાત છે. કેટલાંક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર લવકુશ તિવારી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. અને તે એરપોર્ટ પર તેના માલિકને લેવા ગયો હતો. દરમિયાન ઓએનજીસી બ્રિજ પાસે સર્કલ નજીક અકસ્માત સર્જાતાં એ ત્યાંથી યુ-ટર્ન લઇ ભાગ્યો હતો.
હોલીવૂડની ફિલ્મ જેવાં દૃશ્યો, મર્સિડીઝ કારના દરવાજા ગાયબ
ઓએનજીસીથી ભટાર વચ્ચે સર્જાયેલી હીટ એન્ડ રનની આ ઘટના દરમિયાન મર્સિડીઝ કારના ચોમેરથી થયેલા ફૂરચેફૂરચા હોલીવૂડ પિક્ચરની ઘટનાઓને પણ યાદ અપાવે તેવી હતી. સુરત શહેર જેવા ભરચક વિસ્તારમાં અને તેમાંય નવી લક્ઝુરિયસ મર્સિડીઝ કાર જેના દરવાજા સહિત અકસ્માત બાદ ગાયબ હોય તે ઘટના જ ઘણી ચોંકાવનારી છે.