National

કેદારનાથ મંદિરમાં શિવલિંગ પર નોટો ઉડાવનાર મહિલા સામે કાર્યવાહી શરૂ

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી જેવા પવિત્ર ધામો આવેલા છે. અહીં ભક્તોની આસ્થા જોડાયેલી છે. ત્યારે ઉત્તરાખંડના કેદારનાથ ધામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેના લીધે વિવાદ ઉઠ્યો છે. આ વીડિયોમાં એક મહિલા પવિત્ર કેદારનાથના મંદિરમાં નોટો ઉડાવતી નજરે પડે છે. મહિલાની આવી હરકતના લીધે ભક્તોની લાગણી દુભાઈ છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મહિલા તથા મંદિરના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક મહિલા મંદિરના ગર્ભગૃહમાં જઈને શંકર ભગવાનના શિવલિંગ પર નોટો ઉડાવે છે. આ સમયે તેની આસપાસ ત્યાંના તીર્થ પુરોહિત પણ હોય તેવું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જ્યારે મહિલા બાબાના શિવલિંગ પર નોટો ઉડાવે છે ત્યારે ત્યાંના તીર્થપુરોહિત તેને અટકાવાની જગ્યાએ મંત્રોચ્ચાર કરતા હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો વાઈરલ થતાંની સાથે જ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.

આ વીડિયો સામે આવતા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષે આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે તેમજ અધિકારીઓ પાસેથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ પણ માંગ્યું છે. મહિલા પર ધાર્મિક ભાવના ઠેસ પહોંચાડવાના મામલે કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન તરફથી મહિલાની સાથે મંદિરના કર્મચારીઓ સામે પણ એકશન લેવામાં આવી રહ્યાં છે.

આ ઘટના પછી તરત જ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે એક પત્ર જારી કરીને કહ્યું હતું કે તેમણે આ અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમણે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે. તેમણે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાત કરી અને તેમને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જણાવી દઈએ કે ગર્ભગૃહમાં સોનાનો ઢોળ ચડાવવાના વિવાદનો ગરમાયો હતો. હાલમાં જ એક પૂજારીએ ગર્ભગૃહમાં સોનાનો ઢોળ પિત્તળમાં રૂપાંતરિત થઈ ગયું હોય તેવું નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પૂજારીએ કહ્યું હતું કે બાબાના ધામમાં સોનાના જે ઢોળ લગાવવામાં આવ્યા હતા તે પિત્તળમાં રૂપાંતરિત થઈ ગયો છે. ત્યારથી સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે.

Most Popular

To Top