Comments

આ ચૂંટણી પછી લોકોને ખરેખર શું મળશે? પંચાયતી રાજ કે અધિકારીઓનું રાજ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવામાં છે. ગ્રામ પંચાયતની થઇ ગઈ હતી હવે તાલુકા અને જીલ્લા પંચાયતની થવાની છે, સાથે મહાનગર પાલિકા અને નગર પાલિકાની થવાની છે. મતદાન પવિત્ર અને કીમતી છે પણ “બિન હરીફના” નવા કાવતરામાં આ પવિત્ર અધિકાર છીનવાઈ જાય ત્યારે કોઈના પેટનું પાણી હલતું નથી. જોકે ખાનગીકરણ અને ઉદારીકરણના સમય પછી સ્થાનિક સત્તા મંડળોનું ખરેખર મહત્વ કેટલું છે તે અલગ ચર્ચાનો વિષય છે.

કોઈને ત્યાં પુત્ર જન્મ થાય અને તે વધામણીના પેડા વ્હેચાતો હોય ત્યારે આપણે ગમે તેટલા મોટા ભવિષ્ય વેત્તા હોઈએ તો પણ એમ ઓછું કહેવાય કે આ તમારો સુપુત્ર તમારી આબરૂ અને મિલકત બન્નેના ધજાગરા ઉડાવનારો થવાનો છે? બસ આ જ રીતે ચૂંટણીમાં જીતે કે બિનહરીફ જીતે. એ વરઘોડાના ઉમેદવારને એમ થોડું કહેવાય કે ભાઈ, અભિનંદન પણ હવે તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતમાં કે ઇવન નગર પાલિકામાં તું એક સોસાઈટીની ગટર સાફ કરવી શકે એટલો પણ પાવર તારી પાસે નથી!

ભારતના બંધારણમાં સત્તાને ત્રણ સ્તરમાં વહેચવામાં આવી છે. કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સત્તા મંડળો. બંધારણમાં આ ત્રણેયના કામ અને આ કામ કરવા માટેના આવકના સાધનો નક્કી કરવામાં આવ્યા છે. જેમકે નાણું, સરક્ષણ, લશ્કર જેવા વ્યાપક અસર ધરાવતા કામો કેન્દ્રના હાથમાં, કાયદો વ્યવસ્થા, શિક્ષણ વાહન વ્યવહાર જેવા સામુહિક સેવાના મુદ્દાઓ રાજ્યના હાથમાં અને સફાઈ પ્રાથમિક શિક્ષણ, પાણી વીજળી જેવા રોજીંદા મુદ્દાઓ સ્થાનિક સત્તાઓને સોપાયા છે. એટલે રસ્તા પરની લાઈટ, ગટર, નળમાં પાણી કે પ્રાથમિક શિક્ષણ નગર પાલિકા, મહાનગર પાલિકા કે તાલુકા જીલ્લા પંચાયતનો વિષય છે. હવે જ્યારથી સરકારે ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓ કાંતો ફિક્સ પગારમાં અથવા કોન્ટ્રાક્ટ કે આઉટ સોર્સિંગથી રાખવાનું શરૂ કર્યું છે ત્યારથી આ તમામ બાબતો પર કોન્ટ્રાક્ટો અને મોટા નેતાઓનો કાબૂ આવી ગયો છે.

સીટી બસ સેવા કે સરકારી હોસ્પિટલોનો સ્ટાફ કોન્ટ્રાક્ટથી આવે છે એટલે ચૂંટાયેલા નેતાઓ એ સીધું કશું કરવાનું થતું જ નથી. રોડ રસ્તાના પણ કોન્ટ્રાક્ટ છે. હવે તો છેક કેન્દ્રમાંથી જ બધું નક્કી થાય છે ત્યાં રાજ્ય સરકારો પણ કાઈ બોલતી નથી તો તાલુકા પંચાયતના સદસ્ય કાઈ બોલશે અને અધિકારીઓ માનશે? એ માનવું ભૂલ ભરેલું છે. આપણા લાડીલા વડાપ્રધાન શ્રી જ્યારે જાપાન ગયા હતા ત્યારના સમાચાર જો કોઈને યાદ હોય તો તેમણે જાપાનના એક શહેરના મેયર સાથે કરાર પર હસ્તાક્ષર કાર્ય હતા અને આનાથી ઉલટું કોઈ વિદેશી નેતા ભારત આવે છે કોઈ શહેર કે નગરની કોઈ બાબત માટે કોન્ટ્રાક્ટ કરે છે તો તે સમયે સ્થાનિક મેયર કે મુખ્ય મંત્રી આગળની હરોળમાં પણ હોતા નથી!

રાજ્યમાં અત્યારે ચેનલો અને વ્યક્તિગત ચેનલો ચૂંટણીની અવનવી ચર્ચાઓ કરે છે પણ કોઈ એ ચર્ચા કરતું નથી કે આ તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓનું ઔચિત્ય રહ્યું છે ખરું? કોઈ એ સર્વે નથી કરતુ કે ચાલો ચૂંટણી લડતા ઉમેદવારો અને પાર્ટીઓના નેતાઓને પૂછીએ કે તાલુકા અને જીલ્લા પંચાયતની મૂળ કામગીરી શું હોય છે? સ્થાનિક સત્તા સત્તામંડળમાં સત્તા મેળવવા માટેના બે મહત્વના કારણ છે, વિવિધ સેવાઓના કોન્ટ્રાક્ટ લેવા અને જમીનોના સોદા પાડવા.

આમાં જમીન તો હવે છેક ઉપરથી નક્કી થાય છે. રહી વાત બજેટ વાપરવાની અને કોન્ટ્રાક્ટના લાભ મેળવવાની બસ તો આ એક જ કારણ છે જેણે લોકો સેવા ગણે છે કે રોજગારીનો, સફાઈનો, ટેન્કરોનો, લાઈટનો, પાર્કિંગમાં પૈસા ઉઘરાવવાનો વગેરેના કોન્ટ્રાક્ટ મળે તો દેશની સેવા કરીએ, બાકી જો ધારાસભ્યો એમ કહેતા હોય કે અધિકારીઓ સાંભળતા નથી તો આ તાલુકા કે જીલ્લા સદસ્યનું તો કોણ સાંભળશે? જીલ્લાનો વડો કલેકટર જ રહેવાનો છે અને તાલુકામાં બધાએ તાલુકા વિકાસ અધિકારી પાસે જ જવાનું છે જેમ ગામડામાં તલાટી! સમજ્યા તો મત પક્ષને મળશે પણ સત્તામાં ફટાકડા પાર્ટી ફોડશે અને શાસન તો અધિકારીઓ જ કરવાના છે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top