Entertainment

નાગાર્જૂન કેવાંક બ્રહ્માસ્ત્ર છોડશે?

સાઉથના સ્ટાર્સ હિન્દી ફિલ્મોમાં હોય એવું હવે નિયમિત બનવા માંડયું છે. જો ફિલ્મ સાઉથની જ હોય તો તેના હીરો સાઉથના જ હોય અને મુંબઇની હોય તો તેમાં સાઉથના સ્ટારને મહત્વની ભૂમિકા આપવામાં આવે. હવે હિન્દી ફિલ્મોના નિર્માતા પણ સાઉથની ભાષામાં ફિલ્મો ડબ્ડ કરી રજૂ કરે છે એટલે આ પ્રકારે કાસ્ટિંગ થવા માંડયુ છે. ‘લાલસીંઘ ચઢ્ઢા’માં નાગાર્જૂનનો પુત્ર નાગ ચૈતન્ય હતો હવે સ્વયં નાગાર્જૂન ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા’માં દેખાશે. સૌથી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલો નાગાર્જૂન તમિલ ફિલ્મોના મોટા સ્ટાર છે.

હિન્દી ફિલ્મોમાં તો તે ઠેઠ ૧૯૯૦ થી આવે છે પણ તેને કોઇ મોટી સફળતા નથી મળી. ‘શિવા’, ‘ખુદા ગવાહ’, ‘ક્રિમીનલ’, ‘જખ્મ’, ‘એલઓસી કારગીલ’ ફિલ્મોમાં પ્રેક્ષકો તેને જોઇ ચુકયા છે. ‘બ્રહ્માસ્ત્ર’માં તે ઓળખ ઊભી કરી શકશે? નાગાર્જૂનના પિતા અકિકનેની નાગેશ્વર રાવ પણ બહુ જાણીતા અભિનેતા અને નિર્માતા રહી ચુકયા છે અને સ્વયં ડી. રામાનાયડુ જેવા જાણીતા નિર્માતા – દિગ્દર્શકની દિકરી લક્ષમી દગ્ગુબાતીને પરણેલો પણ પછી ફરી પરણ્યો. મુંબઇના ફિલ્મોદ્યોગમાં જેમ કેટલાંક કુટુંબો ખૂબ જાણીતા છે એવું નાગાર્જૂન વિશે કહી શકાય.

નાગાર્જૂને બાળ કળાકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ‘વિક્રમ’ નામની ફિલ્મથી તે હીરો બનેલો. જે હકીકતે સુભાષ ઘઇની ‘હીરો’ની રિમેક હતી. પછી ‘મજનુ’માં આવેલો. જેના દિગ્દર્શક ‘જયોતિ બને જવાલા’, ‘સ્વર્ગ નર્ક’, ‘પ્યાસા સાવન’, ‘પ્રેમ તપસ્યા’, ‘આજકા એમએલએ રામ અવતાર’, ‘જખ્મી શેર’ જેવી ફિલ્મો બનાવનાર દાસારી નારાયણ રાવ હતા. હિન્દી સાથે નાતો બાંધવા તે હંમેશ આતુર રહ્યો છે અને હિન્દી ફિલ્મોમાં જાણીતા મણી રત્નમની ‘ગીતાંજલી’ માં પણ તે હીરો રહી ચુકયો છે. નાગાર્જૂન વિત્યા ૩૬ વર્ષથી ફિલ્મોમાં છે અને તે એકથી વધુ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકયો છે. પણ તેની અંગત જિંદગી ય એવી જ રસિક રહી છે.

તે અને તબુ પ્રેમમાં પડેલા અને લગ્નની સાવ નજીક ગયા પછી પરણ્યા નહોતા. હા, પ્રથમ પત્ની પછી તે અમલાને પરણ્યો છે. અમિતાભ સાથે ‘ખુદાગવાહ’માં સંજય દત્ત હતો અને તેણે સંજયની જગ્યા ભરેલી એટલે ‘બ્રહ્માસ્ત્ર’માં તે અમિતાભ સાથે ફરી દેખાશે. આ ફિલ્મમાં તે પુરાતત્વવિદ બન્યો છે જયારે રણબીર કપૂર શિવા અને આલિયા ભટ્ટ ઇશાની ભૂમિકામાં છે. ‘બ્રહ્માસ્ત્ર’માં તો જોકે શાહરૂખ ખાન પણ એક નાની ભૂમિકા કરી રહ્યો છે. નાગાર્જૂન આટલા બધા સ્ટાર્સ વચ્ચે ઇમ્પેકટ મૂકી શકશે? નાગાર્જૂનની ભૂમિકાથી રણબીર કપૂર ખુશ છે અને કહ્યું છે કે નાગાર્જૂન જ નહીં તેમના આખા પરિવારે અમને આ ફિલ્મમાં ખૂબ મદદ કરી છે. આલિયા પણ કહે છે કે ફિલ્મના દરેક મહત્વના દૃશ્યોમાં તેમણે પ્રદાન કર્યું છે. નાગાર્જૂન એક સમર્પિત સ્ટાર છે અને પરદા પર ઇમ્પેકટ મુકવાનું જાણે છે. તે પોતે ત્રીસથી વધુ ફિલ્મોના નિર્માતા પણ રહી ચુકયા છે એટલે ફિલ્મની કમર્શિઅલ વેલ્યુ પણ સમજે છે. સાઉથના સ્ટાર્સ મોટા ઉદ્યોગપતિ જેવા હોય છે. રિયલ એસ્ટેટથી માંડી પોતાની વિમાન કંપની ધરાવતા હોય અને કંપનીઓમાં મોટું રોકાણ કરતા હોય. નાગાર્જૂને પણ મેટ્રિકસ એન્પોર્ટ હોલ્ડિંગ્સમાં ભારે રોકાણ કરેલું છે. ‘બ્રહ્માસ્ત્ર’ને સાઉથમાં રજૂ કરવામાં પણ તેનો હાથ છે. •

Most Popular

To Top