સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે GCAS પોર્ટલમાં આવતી સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પાસે વિદ્યાર્થીઓએ ભેગા થઈને પોતાની નારાજગી વ્યક્ત કરી અને સત્તાધીશો સામે જોરદાર સુત્રોચાર કર્યા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે GCAS પોર્ટલમાં એડમિશન પ્રક્રિયા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ટેકનિકલ ખામીઓને કારણે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ સબમિટ કરવામાં સમસ્યા આવી રહી છે, જ્યારે કેટલાકને ડેટા અપલોડ અને વેરિફિકેશનમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે એડમિશન પ્રક્રિયા મોડી પડી રહી છે અને વિદ્યાર્થીઓમાં અસંતોષ વધ્યો છે.
ABVPના કાર્યકરોએ જણાવ્યું કે તેઓ દ્વારા આ મુદ્દે અનેકવાર સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. પરિણામે, વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો. પ્રદર્શન દરમિયાન GCAS પોર્ટલનું પ્રતિકાત્મક પૂતળું બનાવીને તેનું દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, માટલા ફોડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, જે વિદ્યાર્થીઓની વધતી નારાજગી દર્શાવે છે. વિદ્યાર્થીઓએ તાત્કાલિક GCAS પોર્ટલ બંધ કરવાની માંગ સાથે સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી કરી. ABVPના આગેવાનોે ચેતવણી આપી કે જો આ સમસ્યાઓનો વહેલો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન બાદ આગેવાનો પરત ફર્યા, પરંતુ વિદ્યાર્થીઓનો રોષ યથાવત રહ્યો છે.