Charchapatra

રાજયપાલની ભૂમિકા શું છે?

દેશનાં કેટલાંક રાજયોમાં 8 રાજયપાલો નવા નિમાયા હોવાથી રાજય શાસનમાં તેમની ભૂમિકાનો પ્રશ્ન ફરી ચર્ચાના ચગડોળે થયો છે. રાજયપાલ કેન્દ્ર સરકારના સીધા પ્રતિનિધિ હોવાથી રાજય શાસનમાં તેમની ભૂમિકા આમ તો મર્યાદિત છે. પરંતુ અનેક કિસ્સાઓમાં વ્યવહારમાં એમ જોવા મળ્યું છે કે રાજયપાલ કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે અને તેમાં કયારેક બંધારણીય મૂલ્યોના પણ અનાદર થાય છે. હમણાં એક કેન્દ્રિય મંત્રીને રાજયપાલ તરીકે નીમવામાં આવ્યા છે. આ પ્રથા બરાબર નથી. કારણ કે કેન્દ્રિય મંત્રી સ્વાભાવિક રીતે સંસદસભ્ય હોવાના.

તેઓ ચોકકસ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. આવી વ્યકિતને રાજયપાલ બનાવવાથી તે મતદારોના પક્ષે તેમના કોઇ વાંક કે કારણ વગર, તેમના પ્રતિનિધિનો અંત આવે છે. આમ મતદારો અને તેમના પ્રતિનિધિ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે. નવી પેટા ચૂંટણીની નોબત આવીને ઊભી રહે છે. રાજયપાલની નિમણૂક વખતે વ્યક્તિગત ગુણો કરતાં રાજકીય બાબતોને જ મહત્ત્વ આપવામાં આવે છે. રાજયપાલ તરીકે નિમણૂક થયા બાદ તેમના પક્ષ સાથેના સંબંધનો ખરેખર અંત આવવો જોઇએ. પરંતુ વ્યહારમાં તેમ બનતું જોવા મળતું નથી. પ.બંગાળ અને મહારાષ્ટ્રના રાજયપાલો તેનાં ઉદાહરણો છે. પાલનપુર- અશ્વિનકુમાર ના કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top