Dakshin Gujarat

સમગ્ર દેશભરમાં પવિત્ર યાત્રાધામ તરીકે વિખ્યાત વાંસદા તાલુકાનું આ ગામ

ભગવાન શ્રીરામ (Shri Ram) વનવાસ દરમિયાન ઉનાઈ ગામમાંથી (Village) પસાર થયા, ત્યારે સીતા માતાએ સ્નાન કરવા માટેની ઇચ્છા પ્રગટ કરતાં ભગવાન શ્રીરામે મંત્રોચ્ચારથી પૃથ્વીના પેટાળમાં તીર મારતાં ગરમ પાણીના (Warm Water) ઝરા નીકળ્યા હતા, બાદ સીતા માતા આ ગરમ પાણીના ઝરામાં સ્નાન કરી ‘હું નાઇ’ એમ કહેતાં આ નામ અપ્રભંસ થઈ ‘ઉનાઈ’ નામ પડ્યું હોવાની લોકવાયકા

નવસારી અને વ્યારા જિલ્લાની બોર્ડર પર આવેલું વાંસદાનું ઉનાઇ ગામ ઉનાઇ માતાના મંદિરના કારણે સમગ્ર દેશભરમાં પવિત્ર યાત્રાધામ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયું છે. વાપી-શામળાજી નેશનલ હાઇવે નં.56 ઉપર વસેલા ઉનાઇ ગામમાં 2011ની વસતી ગણતરી મુજબ 6,104 જેટલી વસતી ધરાવે છે. ઉનાઇ ગામમાં સિંણધઇ રોડ, મંદિર રોડ, બજાર રોડ, વાંસદા રોડ, નવું ફળિયું, આનંદનગર, નિજાનંદ રોડ, ટેકરી ફળિયું, નાકું ફળિયું, હાઉસિંગ સોસાયટી, પશુ દવાખાના ફળિયું, ગામીત ફળિયું, ગામીત ફળિયું-2, નાઇકી ફળિયું, પટેલ ફળિયું, નિશાળ ફળિયું અને કોટવાળીયા ફળિયું એમ 14 ફળિયાંમાં કુલ 1187 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. 80 % સાક્ષરતા ધરાવતા ઉનાઈ ગામમાં લોકો એમ તો દરેક પ્રકારની ખેતી કરતા હોય છે, પરંતુ મુખ્યત્વે ડાંગર, શેરડી, મકાઈ અને શિયાળામાં ભીંડાની ખેતી કરે છે.

  • ઉનાઈ ગામની સુવિધાઓ
  • નાની-મોટી પાણીની ટાંકી-24
  • સરકારી અને ખાનગી કૂવા-41
  • સરકારી હેન્ડ પંપ-40
  • ખાનગી બોર-110
  • નદી-1
  • ચેકડેમો-3
  • ખાનગી દવાખાનાં-9
  • સસ્તા અનાજની દુકાન-1
  • દૂધડેરી-1
  • પ્રાથમિક શાળા-3
  • માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા-1
  • આંગણવાડી-5
  • સબ સેન્ટર-1
  • સ્મશાનભૂમિ-1
  • ઉનાઇ ગ્રામ પંચાયતની બોડી
  • સરપંચ : મનીષકુમાર પી. પટેલ
  • ડે.સરપંચ : ધવલ કુમાર જે. ઢીમ્મર
  • તલાટી કમ મંત્રી : શ્રેયાસભાઈ
  • ગ્રામ પંચાયત સભ્યો:
  • અક્ષયકુમાર જયેશભાઈ પરમાર
  • સુનિતાબેન અશ્વિનભાઈ ગાવીત
  • પૂનમબેન મનીષભાઈ ભાવસાર
  • નયનાબેન વિમલભાઈ પટેલ
  • જીજ્ઞાબેન સંજયભાઇ પટેલ
  • હિનાબેન કેતનભાઇ પટેલ
  • હંસાબેન મોહનભાઈ ભોઇ
  • પ્રકાશભાઈ નગીનભાઈ પટેલ
  • સંજયભાઈ અમરતભાઈ ગામીત
  • ધનસુખભાઈ જમશીભાઈ પટેલ
  • નવીનભાઇ છગનભાઈ પટેલ

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે રમતનું મેદાન
ઉનાઈ ગામની મધ્યમાં વિશાળ રમતનું મેદાન આવેલું છે. જ્યાં ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ અનેક રમતગમતની પ્રેક્ટિસ કરતા હોય છે. આ મેદાનની ફરતે ઘણા સમયથી કમ્પાઉન્ડની જરૂરિયાત ઊભી થઈ હતી. એ જરૂરિયાતને ધ્યાનમાં લઈ

ઉનાઇ મહોત્‍સવમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્‍યને લોકો મનભરીને માણે છે
વાંસદા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ ખાતે ઉનાઇ માતાના પાટોત્‍સવની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ ઉજવવામાં આવે છે. આ વિસ્‍તારના લોકો તથા આદિજાતિનાં ભાઇ-બહેનોને ઉનાઇ માતાજીના મંદિર સાથે અનેરી શ્રદ્ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. બેદિવસીય યોજાતો ઉનાઇ મહોત્સવ એ ઐતિહાસિક ધરોહરના સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકારનો સ્તુત્ય પ્રયાસ છે. જેમાં હાલ 2023ના યોજાયેલા ઉનાઇ મહોત્‍સવમાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત ભરત બારિયાએ રજૂ કરેલ ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્ય, શિવતાંડવ નૃત્ય તથા લોક ડાયરાનો ભક્તજનોએ દિવ્‍ય નજારો માણ્યો હતો. આ પ્રસંગે ઉનાઇ મંદિરના ટ્રસ્ટી, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ, વાંસદા મામલતદાર, સરપંચો તથા વાંસદા પ્રાંત અધિકારી અને કલેક્ટર વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહે છે. તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ઉત્સાહભેર  આનંદ માણતા હોય છે.

દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉનાઈ ખાતે ભરાતો મકરસંક્રાંતિનો મેળો
દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે વર્ષમાં બે વાર જાત્રા ભરાતી હોય છે, એક મકરસંક્રાંતિનો મેળો અને ચૈત્રની જાત્રા જેમાં મકર સંક્રાંતિના મેળાનું મહત્ત્વ અનેકગણું છે. આ દિવસે સૂર્ય મકર દિશામાં પ્રવેશ કરતો હોવાથી શ્રદ્ધાળુઓ ઉનાઇ મંદિર ખાતે આવી દર્શન કરી ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ આપે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ગામના લોકમેળામાં દિવસ દરમિયાન હજારો લોકો ઊમટી પડતા હોય છે. ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં રાજા-રજવાડાના સમયથી દૂર દૂરથી ભાવિકો ગરમ પાણીના ઝરામાં સ્નાન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગરમ પાણીના કૂંડમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો, સ્નાન કર્યા બાદ ભાવિકો ઉનાઈ માતાજીનાં દર્શન કરી ઉનાઈના મેળામાં ખાણીપીણી તેમજ મનોરંજનનાં સાધનોની મજા માણતા હોય છે. મેળામાં રમકડાં વેચાણના સ્ટોલ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ તેમજ ફન રાઈડ્સ, મોતના કૂવા, ટોય ટ્રેન, નાના ચકડોળ જેવી ચિલ્ડ્રન રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મેળામાં સ્થાનિક વેપરીઓ સહિત ગુજરાતભરમાંથી અને મહારાષ્ટ્રના વેપારીઓ પણ અહીં આવી પોતાની દુકાનો અને સ્ટોલો લગાવી સારી એવી રોજગારી મેળવી લે છે.  મેળામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટી પડે છે. જેના પગલે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વોટર ફાઇટર, મેડિકલ ટીમ સહિત તંત્ર ખડે પગે ફરજ બજાવતા હોય છે. તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાલુકાની પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે મેળા પર નજર રાખતી હોય છે.

માઇનોર કેનાલ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક
ઉનાઈ ગામમાંથી પસાર થતી માઈનોર કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહે છે. આ કેનાલ બારતાડ, ચરવી, કેળકછ, ધરમપુરી, સિણધઈ ગામોમાંથી પસાર થાય છે. આ માઇનોર કેનાલનું ૧૯૮૨માં નિર્માણ થયું હતું. ઉનાઇ ગામમાં ઘણા એવા ખેડૂતો ભાઇઓ છે, જેઓની જમીન આ કેનાલની બાજુમાં આવેલી છે. અને તેઓ માત્ર આ કેનાલ અને વરસાદી પાણી પર નિર્ભર રહી ખેતી કરતા હોય છે. તેમના માટે આ કેનાલ ખરેખર આશીર્વાદરૂપ છે.

ઐતિહાસિક વણઝારી વાવ પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની શકે તેમ છે
ઉનાઈ ગામની શોભામા અભિવૃદ્ધિ કરનાર રાજા રજવાડાના સમયની ઐતિહાસિક વણજારી વાવની આસપાસ વર્ષોથી સાફસફાઈના અભાવે ગંદગીનું સામ્રાજ્ય ફેલાય રહ્યું હતું. ત્યારે હાલની ગ્રામ પંચાયતની ટીમ દ્વારા આ ઐતિહાસિક વારસાની સુંદરતામાં વધારો થાય તેવા ધ્યેય સાથે ગ્રામ પંચાયતે વાવની સાફસફાઇ કરાવી હતી. ઉનાઈ માતાજીના મંદિરની થોડાજ અંતરે આવેલ રાજા રજવાડાના સમયની ઐતિહાસિક આ વણઝારી વાવનું ધાર્મિક મહત્ત્વ પણ ગણાય છે, તેમજ ઉનાઈ ગ્રામ પંચાયત દ્વારા આગામી દિવસોમાં આ ઐતિહાસિક વણઝારી વાવની આસપાસ કમ્પાઉન્ડ વોલ કરીને સ્મારકની જાળવણી કરવામાં આવશે અને વાવ નજીક હાટ બજાર શરૂ કરવામાં આવશે. જેનાથી ગ્રામ પંચાયતને આવક પણ થશે એવી ચર્ચા કરવામાં આવી હતી.

રામાયણ સાથે જોડાયેલી દંતકથા મુજબ મૂછવાળા રામ-લક્ષ્મણની મૂર્તિ ધરાવતું એકમાત્ર ઐતિહાસિક મંદિર
વાંસદાના ઉનાઇ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરનું ભવ્ય નિર્માણ તો સરકારે કર્યું, પરંતુ મૂછવાળા રામ-લક્ષ્મણનું ઐતિહાસિક મંદિર નિર્માણ કરવા માટે અનેક રામભક્તોની વર્ષોથી માંગ રહી છે. ઉનાઈ માતાજી મંદિર પરિસરમાં વર્ષ-૧૮૮૭માં વાંસદાના મહારાજા શ્રી પ્રતાપસિંહજી ગુલાબસિંહજીએ ભગવાન શ્રીરામનું મંદિર બનાવ્યું હતું. અને તે મંદિરમાં રામ-લક્ષ્મણની મૂછવાળી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. આવી મૂછવાળી મૂર્તિ ભારતમાં બીજા કોઈપણ મંદિરમાં નહીં હોવાનું સ્થાનિક રામભક્તો અને વડીલો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ રામજી મંદિર છેલ્લાં ૧૨ જેટલાં વર્ષથી જર્જરિત અવસ્થામાં હોવાના કારણે ગ્રામજનોમાં પણ આ મંદિરને અદ્યતન બનાવવાની માંગ વર્ષોથી ઊઠી છે. આ બાબતે વાંસદા-ચીખલીના ધારાસભ્યએ પણ ઉનાઈ માતજીના પટાંગણમાં આવેલું રામજી મંદિર અતિ જૂનું તેમજ આસ્થાનું કેન્દ્ર હોય અને વાંસદાના મહારાજા દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. જેથી મંદિરનો જીર્ણોદ્ધાર થવો જ જોઈએ. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર બનાવવું જોઈએ એમ જણાવ્યું હતું. આ રામજી મંદિરની રજૂઆતોને ધ્યાને લઇ અગાઉ વાંસદા મામલતદારે સરકારમાં રજૂઆત કરી હતી. જેને લઇ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરની મુલાકાત લઈ પ્લાન એસ્ટિમેન્ટ લઈ ગયા બાદ હજુ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારની માહિતી આવી નથી.

ઉનાઈ આઉટ પોસ્ટને ભૌતિક સુવિધાસભર મકાનની તાતી જરૂરિયાત
સરકાર દ્વારા વિકાસની આગેકૂચ ચાલી રહી હોય અને અનેક પોલીસમથકનું નવીનીકરણ થઈ ગયું છે. ત્યારે વર્ષોથી અટકેલ વાંસદા તાલુકાના ઉનાઈ આઉટ પોસ્ટના મકાનનો પ્રશ્ન હજી પણ હલ થવા પામ્યો નથી. ગુજરાતનું સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર આવેલું હોય તેમજ આ વિસ્તારનાં 22 જેટલાં ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે. આવા ઉનાઈ આઉટપોસ્ટને ભૌતિક સુવિધાસભર મકાન હજી પ્રાપ્ત થયું નથી. જેને કારણે વર્ષોથી જર્જરિત ધર્મશાળામાં આઉટ પોસ્ટની કામગીરી ચલાવવામાં આવ્યા બાદ હાલ પોલીસના રહેણાક મકાનમાં આઉટપોસ્ટ ચલાવી ગાડું ગબડાવવામાં આવતું હોવાથી એવી પ્રતીતિ થઇ રહી છે. સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે તેમની સલામતી એ પ્રાથમિકતા છે. તો બીજી બાજુ આ વિસ્તારના 22 જેટલાં ગામોના કાયદા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ ઉનાઈ આઉટપોસ્ટના પોલીસકર્મીઓની છે. જેમાં અદ્યતન ભૌતિક સુવિધાવાળા મકાનના અભાવથી પોલીસ તંત્રને મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે. આ બાબતે આ વિસ્તારની જનતાએ પણ અસંતોષ અને નારાજગી વ્યક્ત કરી હતી. સંલગ્ન તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જમીન મુદ્દે વણઉકેલ્યા પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ કરી આઉટ પોસ્ટના મકાનનું બાંધકામ કરવામાં આવે એ જ સમય અને લોકોની માંગ છે.

ઉનાઈ રેલવે સ્ટેશન પર મુસાફરોને અનેક સુવિધાનો અભાવ
બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન દિવસમાં બે વાર ટ્રીપ મારે છે, જેમાં હજી પણ ઘણા ગરીબ અને આદિવાસી લોકો પોતાના કામકાજ માટે મુસાફરી કરતા જોવા મળી રહે છે. ટ્રેનમાં મુસાફરીનું ભાડું અન્ય કરતાં સસ્તું હોવાના કારણે ગરીબ પરિવારના લોકો હજુ પણ આ ટ્રેનમાં વધુ મુસાફરી કરતા જોવા મળે છે. મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન પર મુસાફરોને અનેક અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ભરઉનાળે હેન્ડપંપ બંધ હાલતમાં જોવા મળી રહેતાં મુસાફરોએ પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. પ્રાથમિક સુવિધા રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરવા બાબતે તંત્ર સાવ વામણું પુરવાર થઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઉનાઈ યાત્રાધામ હોવાના કારણે અહીં દરરોજ ભક્તોનો ધસારો રહેતો હોય છે. તેમાંય રવિવાર કે તહેવારોના દિવસોમાં ભારે ભીડ રહેતી હોય છે. ત્યારે રેલવે તંત્રએ નિયત કરેલ ટિકિટના દરોનો લોકો ખર્ચ કરી મુસાફરી તો કરે છે, પણ પાયાની સુવિધા માટે મુસાફરોએ નીરસ થઈ બેસી રહેવું પડે છે. રેલવે સ્ટેશન પર સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા છે. આ પાયાની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાના કારણે બહાર ગામથી આવતાં મુસાફરોમાં ઘણી વખત તો મહિલાઓ રઝળી પડે છે. જેના કારણે મુસાફરોમાં ભારોભાર રોષ અને આક્રોશ જોવા મળી રહી છે. રેલવે વિભાગ આ બાબતને અત્યંત ગંભીર ગણી રેલવે સ્ટેશનમાં વહેલામાં વહેલી તકે અહીં આવતાં મુસાફરો માટે પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવે એ લોકહિતમાં ખૂબ જ જરૂરી છે. તેમજ મુસાફરોએ ટિકિટ કઢાવવાના સમયે મોટા ભાગે વારંવાર પાવર કટના ધાંધિયાના કારણે તત્કાળ ટિકિટ બુક કરાવવા માટે પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ટિકિટ બુકિંગ સમયે જ ગમે ત્યારે પાવર કટ થઈ જતાં ઇન્વેટરની વ્યવસ્થા નહીં હોવાથી બુકિંગના સમયે મુશ્કેલી વેઠવી પડે છે, જેમાં લોકોનો સમય પણ બગડતો હોય છે.

‘કર્મા ઇન્સ્ટિટ્યૂટ-ઉનાઈ’ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ
વાંસદાના ઉનાઇ ગામે ચાલતી કર્મા ઇન્સ્ટિટ્યૂટ-ઉનાઈ આ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કર્મા ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત તા.18-07-2021ના રોજ થઈ હતી. આદિવાસી સમાજનાં બાળકો માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ સાથે દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો રહે એ જ હેતુ કર્મા ઇન્સ્ટિટ્યૂટનો રહ્યો છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ-1થી 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ સુધીના શાળા કક્ષાના ટ્યુશન ક્લાસિસ ચલાવવામાં આવે છે. સાથે સાથે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી પ્રવેશ પરીક્ષા જેવી કે Neet , Jee જેવી પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ માટે Neet અને Jeeના ક્લાસીસ માટે વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ રહે છે. અહીં એસ.એસ.સી GD (ઇન્ડિયન આર્મી)ના ક્લાસિસ પણ ચાલે છે, તેમજ બાળકોને માનસિક વિકાસ માટે અલગ અલગ સારી કસરતો અને ટેક વાન ડો (કરાટે)ની વિનામૂલ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે. કર્મા ઇન્સ્ટિટ્યૂટ ઉનાઈ દ્વારા દર વર્ષે દેશના શહીદ જવાનો માટે ગાર્ડ ઓફ ઓનર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે સાથે સન્માન ભેટ આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને ફીમાં રાહત દરે ધો.1 થી 12 સુધી ભણાવવામાં આવે છે. ફી માત્ર 70 રૂપિયાથી શરૂઆત થાય છે અને તેથી વિશેષ જેમના વાલી નથી એટલે કે માતા-પિતા હયાત ન હોય તો તેમને વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે, તથા જેમનાં માતા કે પિતા હયાત નથી એમને માત્ર અડધી ફી આપવાની રહે છે. આમ, આ સંસ્થા ખાસ કરીને આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ જેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેવા પરિવાર માટે ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે.

અંગ્રેજોના સમયથી ચાલતી આદિવાસીઓની જીવાદોરીસમાન બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન
બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન એ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની જીવાદોરીસમાન છે. ડાંગ જિલ્લામાં અંગ્રેજોના સમયમાં ઇમારતી લાકડાં સહિત અન્ય વસ્તુઓ બીલીમોરા સુધી લઈ જવા માટે માલવાહક નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અગાઉ ખનીજ કોલસા પર સંચાલિત આ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન આદિવાસી વસાહત માટે નવલા નજરાણાની સાથે ઐતિહાસિક ધરોહરસમાન બની હતી. આ ટ્રેન મારફતે આ વિસ્તારના આદિવાસીઓ અને વેપારીઓ પણ બીલીમોરા સુધી કામકાજ અને ધંધાર્થે મુસાફરી કરતા હોય એવું વડવાઓ પાસેથી જાણવા મળ્યું હતું. દિવસ દરમિયાન બીલીમોરાથી-વઘઇ સુધી બે ટ્રીપ મારતી આ તેમને ગ્રહણ લાગતાં તંત્ર દ્વારા થોડા સમય અગાઉ ટ્રેન આર્થિક રીતે ખોટમાં ચાલતી હોવાનું કારણ બતાવી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રેન બંધ થવાના નિર્ણયને લઈને બીલીમોરાથી વઘઇ-ડાંગ સુધી અનેક લોકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જેને લઇ આગેવાનોએ આ ટ્રેનને ફરીથી ચાલુ કરવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉનના સમય બાદ બીલીમોરા નેરોગેજ ટ્રેન અચાનક બંધ થઈ જતાં આ ટ્રેન ઈતિહાસ બની જવાની શક્યતા વચ્ચે આ વિસ્તારની જનતામાં પરિવારનો એક સભ્ય ગુમાવવાનો ડર સાથે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ વઘઇથી બીલીમોરાને જોડતી છૂક છૂક ટ્રેન માટે આંદોલનો થયાં, રજૂઆતો થઈ, શાસક વિપક્ષના બંને પાર્ટીઓએ આ ટ્રેન ચાલુ કરવા માટે રસ દાખવ્યો. જેના ફળસ્વરૂપે ‘બાપુ કી ટ્રેન’ તરીકે પણ ઓળખાતી આ નેરોગેજ ટ્રેન નવા રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવી છે, જેમાં રેલવે વિભાગે AC કોચની સુવિધા પણ ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવા રોમાંચની અનુભૂતિ થઈ. તેમજ ચોમાસા દરમિયાન બીલીમોરાથી વઘઇ સુધી ટ્રેનના બેસી લીલાછમ સુંદર જંગલો અને પર્વતોનો નજારો નિહાળતા પ્રકૃતિની એક અલગ જ અનુભૂતિ થતા ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે.

આદિવાસી લોક નેતા તરીકે પ્રસિદ્ધિ પામેલા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ
વાંસદા તાલુકાના ઉનાઇ ગામે રહેતા યુવા ધારાસભ્ય અનંત પટેલને આ વિસ્તારની જનતાએ સતત બીજીવાર વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડી તેમના પર પોતાના વિસ્તારની સમસ્યોના નિરાકરણ માટે વિશ્વાસ મૂક્યો છે. ધારાસભ્ય અનંત પટેલ ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી જિત્યા પહેલા પોતાના વિદ્યાર્થી જીવનમાં ઉનાઈ માતાજી મંદિરના પટાંગણમાં આઠ વર્ષ સુધી પ્રસાદીની દુકાન ચલાવીને એમ.એ.બી.એડ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 28 વર્ષની ઉંમરે ઉનાઈ ગામના સરપંચ બન્યા બાદ 2009માં વાંસદા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અને રાજકીય જીવનની શરૂઆત થઈ હતી. ઉનાઈ ગામની કાયાપલટ કરવામાં યુવા અને શિક્ષિત સરપંચ તરીકે અનંત પટેલની છાપ વાંસદા પંથકમાં ઊભી થઈ હતી. 2015માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં સિંણધઈ સીટ પરથી સૌથી વધારે મતોથી જીતી વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બન્યા હતા. આંદોલનના નેતા તરીકે ઓળખાતા અનંત પટેલ 2017ની ચૂંટણી પછી લોકનેતા તરીકે પ્રસ્થાપિત થયા. 2018માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સૂચિત રસ્તાનો વિરોધ લોક જ્વાળ સાથે ઊભો કર્યો. ચીખલી અને વાંસદા પછી નવસારી જિલ્લા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં તત્કાલિક મુખ્યમંત્રીએ આ ભારતમાલા રોડ સ્થગિત કરવાની વાતો કરી હતી. ત્યારબાદ રૂઢિપ્રથા ગ્રામસભાઓ જે ભારતના બંધારણ 13 (3) (ક) મુજબ ગામેગામ કરવા માટેની નેમ લઈ પોલીસના ખૂબ જ દબાણ વચ્ચે પણ કરી હતી. સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો સાથે ચીખલી પોલીસ સ્ટેશને થયેલા આદિવાસી યુવાનોના અપમૃત્યુમાં પરિવારોને ન્યાય મળે એ હેતુથી ધરણાં અને પોલીસ સ્ટેશનના ઘેરાવના કાર્યક્રમ કર્યા. અને અંતે છ જેટલા જવાબદાર પોલીસની ધરપકડ કરવા સરકારને મજબૂર કર્યા. 2022માં જ્યારે લોકસભાના બજેટમાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટની વાત આવી ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કપરાડા, ધરમપુર, વાંસદા, તાપી, સોનગઢ, માંડવી, વલસાડ, નવસારી, ચીખલી જેવા વિસ્તારોમાં લિંક પ્રોજેક્ટના વિરોધમાં લોકજુવાળ ઊભો કર્યો હતો. અને 15 જેટલી રેલી કરીને કેન્દ્ર સરકારને લિંક પ્રોજેક્ટ રદ કરવા મજબૂર કર્યા હતા. હાલમાં નવા ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત સુરત, અહમદનગર, ચેન્નઈ રોડના વિરોધમાં વાંધા અરજીઓ ગામેગામથી આપીને વિરોધ પ્રદર્શન કર્યા. કોરોનાની મહામારીમાં વાંસદાના અંતરીયાળ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે દવાખાને નહીં જતા લોકોને સમજાવી આરોગ્ય કેન્દ્રમાં મોકલ્યા હતા અને કોરોના વિશેની જાગૃતિ ફેલાવવા દૂર ડેરી પર જઈ લોકોને જાગૃત કર્યા. તેમજ જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેનેટાઈઝર અને હેન્ડગ્લવ્ઝ નહીં હતા ત્યારે તાલુકામાં તાત્કાલિક પહોંચાડ્યાં હતાં. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 36,000 જેટલા મતોથી જિત્યા બાદ મહિલાઓના આરોગ્યની ચિંતા કરી એક ખાનગી કંપનીના સહયોગથી નિર્ધુમ ચૂલાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ઘણા સમયથી સરકાર દ્વારા કેરોસીન બંધ કરવાના કારણે મહિલાઓને કેન્સર જેવી બીમારી તેમજ આંખજન્ય રોગ ન થાય અને પર્યાવરણ બચાવવાના હેતુથી તાલુકામાં 43,000 જેટલા ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલે લોકનેતા અનંત પટેલ દ્વારા વાપી-શામળાજી હાઇવે નં.56ના વિસ્તૃતિકરણના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં ગરીબ ખેડૂતોની વધુમાં વધુ જમીન બચે એ હેતુથી નવું આંદોલન લઇ મેદાને પડ્યા છે.

વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ
દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઇ મંદિરે દરરોજ હજારો અદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જેથી ઉનાઈ મંદિરને અનેક રીતે વિકસાવામાં આવી રહ્યું છે, પરંતુ ઉનાઇ બસ સ્ટેન્ડની પરિસ્થિતિ વિકાસ બાબતે કંઇ અલગ જ જોવા મળી રહી છે. જેમાં ઉનાઇ મંદિરે દૂર દૂરથી ભાવિક ભક્તો બસમાં આવતા હોય છે ત્યારે ઉનાઈમાં બસ સ્ટેન્ડના અભાવે બસ ચાલકો બસ અમુક નિર્ધારિત સ્ટોપ પર ઊભી રાખી પેસેન્જર ઉતારી દેતા હોય છે. તેમજ બહારથી આવતા મુસાફરોને બસ સ્ટોપ ક્યાં છે એની ખબર નહીં હોવાને કારણે હાલાકી ભોગવી પડે છે. જેને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓએ પણ રેલવે સ્ટેશન પાસે દુકાનોના ઓટલા પર બેસી બસોની રાહ જોવી પડતી હોય છે. જેને કારણે રસ્તા પર ઊભા રહી બસની રાહ જોવી પેસેન્જરો અને વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય બની રહે છે. વર્ષોથી મંદિરના ગેટ પાસે જર્જરિત બનેલું એસટી સ્ટેન્ડ વપરાશના અભાવે ખંડેર હાલતમાં જોવા મળી રહે છે. પ્રવાસન નિગમ દ્વારા મંદિરના ગેટ પાસે પાર્કિંગની બાજુમાં એસટી નિગમને એસટી સ્ટેન્ડ ફાળવાયું હતું. પરંતુ તંત્રની બેદરકારી તેમજ વપરાશના અભાવે એસટી સ્ટેન્ડ જર્જરિત અને બિન ઉપયોગી જોવા મળી રહ્યું છે. હાલ એસટી સ્ટેન્ડ પાસે અનેક લારી-દુકાનો ઊભી કરી દેવાતાં બસ સ્ટેન્ડનું નામોનિશાન જોવા મટી ગયું છે.

Most Popular

To Top