Sports

બુધવારે એલિમિનેટર : મુંબઇની બેટીંગ સામે લખનઉના બોલર્સની કસોટી

ચેન્નાઈ: આઇપીએલમાં (IPL) આવતીકાલે બુધવારે રમાનારી એલિમિનેટરમાં બેટ્સમેનોની ફોર્મ વાપસીને કારણે પ્લે-ઓફમાં (Playoff) જગ્યા બનાવનારી મુંબઈ ઈન્ડિયન્સની (MI) ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) સામે આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે. આઇપીએલની 15મી સિઝનમાં મુંબઈની ટીમ છેલ્લા સ્થાને રહી હતી, હાલની સિઝનમાં પણ ખરાબ શરૂઆત પછી ટીમે વાપસી કરીને છેક છેલ્લી લીગ મેચ પછી પ્લે-ઑફમાં જગ્યા બનાવી હતી.

લખનઉ સુપરજાયન્ટ્સને ગત સિઝનમાં એલિમિનેટરમાં આરસીબી સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે ટીમ એલિમિનેટરથી આગળ વધવા માગે છે. નિયમિત કેપ્ટન લોકેશ રાહુલની ગેરહાજરીમાં ટીમનું સંતુલન અકબંધ છે અને કૃણાલ પંડ્યાએ ઉપલબ્ધ વિકલ્પોનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે અને આઇપીએલની સૌથી સફળ ટીમ સામે ગતિ જાળવી રાખવાની આશા રાખશે. લખનઉ સુપરજાયન્ટ્સ સામે બેટિંગમાં મુંબઇની નજર સૂર્યકુમાર યાદવ, ઓપનર ઈશાન કિશન, કેમરન ગ્રીન અને કેપ્ટન રોહિત પર રહેશે. મુંબઈના બેટ્સમેનોએ પોતાની રિધમ મેળવી લીધી છે અને આવી સ્થિતિમાં લખનઉ સુપરજાયન્ટ્સના બોલરોનો રસ્તો આસાન નહીં રહે.

જો મુંબઈના બેટ્સમેનોને કાબૂમાં રાખવા હોય તો 14 મેચોમાં 16 વિકેટ સાથે ટીમના સૌથી સફળ બોલર લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ મોટી ભૂમિકા ભજવવી પડશે. નવીન-ઉલ-હક, અવેશ ખાન, કૃણાલ અને અનુભવી અમિત મિશ્રા જેવા બોલરોએ પણ વધુ યોગદાન આપવું પડશે. મુંબઈ ઈન્ડિયન્સને અહીં બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લીગ સ્ટેજમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top