Gujarat

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા

ગુજરાતમાં ઉનાળાની ગરમી દિવસે દિવસે વધતી જઈ રહી છે અને લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. તાપમાન સતત ઊંચું રહેતા હીટવેવની અસર ગંભીર બની રહી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરું આયોજન કર્યું છે અને ચાર મોટા શહેરોમાં ખાસ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવી મોટી સિવિલ હોસ્પિટલોમાં 70થી વધુ બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અથવા લૂ લાગવાના કેસોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક સુધી પણ ગરમીમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. ત્યારબાદ પવનની દિશામાં ફેરફાર થવાથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આવો જાણીએ કયા શહેરમાં શી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 25થી વધુ બેડ સાથે હીટસ્ટ્રોક માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અહીં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોને ફરજ સોંપવામાં આવી છે. દર્દીઓ માટે જરૂરી દવાઓ, સાધનો અને 24 કલાક મોનિટરિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં OPD અને ઇમરજન્સી વિભાગમાં કુલર લગાવવામાં આવ્યા છે જેથી દર્દીઓને ગરમીથી રાહત મળે. અહીં ખાસ હીટવેવ વોર્ડમાં 10 બેડ સાથે ઈમરજન્સી સુવિધાઓ, જેમ કે વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 બેડની સુવિધા સાથે હીટસ્ટ્રોક માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં નિષ્ણાત તબીબો અને સ્ટાફ 24 કલાક સેવા આપવા માટે તૈયાર છે. જો જરૂર પડશે તો બેડ અને સ્ટાફ વધારવાની પણ તૈયારી છે. રાજકોટમાં તાપમાન 42–43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અહીં 5 ડોક્ટરો અને 10 નર્સિંગ સ્ટાફ 24 કલાક સેવા માટે હાજર રહેશે.

લોકો માટે મહત્વની સલાહ
આ ગરમીમાં સૌથી મહત્વની બાબત છે, સાવચેતી. ખાસ કરીને બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું જરૂરી હોય તો માથે ટોપી, સ્કાર્ફ અથવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. પાણી પૂરતું પીવું ખૂબ જ જરૂરી છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી, છાસ, લીંબુ પાણી અથવા નારિયેળ પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપથી જ વધારે સમસ્યાઓ થાય છે.

જો કોઈ વ્યક્તિને ચક્કર આવે, ઉલટી થાય, આંખ સામે અંધારું લાગે અથવા ગભરામણ થાય, તો તરત જ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. આ હીટસ્ટ્રોકના મુખ્ય લક્ષણો હોઈ શકે છે. ગરમીના કારણે લોકોમાં થાક, કમજોરી અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ વધી રહી છે. તેથી આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવાની અને જરૂર પડે તો તરત તબીબી મદદ લેવાની સલાહ આપી છે. આ રીતે સરકાર અને આરોગ્ય તંત્ર ગરમી સામે સંપૂર્ણ રીતે સજ્જ છે, પરંતુ લોકોની સાવચેતી પણ એટલી જ જરૂરી છે. થોડું ધ્યાન રાખીને આપણે હીટવેવના જોખમથી બચી શકીએ છીએ.

Most Popular

To Top