સાસરોદ પાસે હોટલના પાર્કિંગમાં SMCનો દરોડો, રૂ. 48.36 લાખના દારૂ સાથે રૂ.73.46 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો, ચાર વોન્ટેડ
વડોદરા તા.1
વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે નં. 48 પર સાસરોદ ગામ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડી ટ્રકમાથી રૂ.48.36 લાખના વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિત રૂ. 73.46 લાખનો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરાયા છે.
રાજ્યમાં દારૂની હેરાફેરી સામે સતત કાર્યવાહી કરતી સ્ટેટ મોનીટરીંગ સેલ વડોદરા શહેર જિલ્લામાં પણ વારંવાર દરોડા પાડતી હોય છે. દરમિયાન એસએમસી ની ટીમને બાતમી મળી હતી કે હરિયાણાથી વિદેશી દારૂ ભરેલો ટ્રક વડોદરા-ભરૂચ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે અને હાલ સાસરોદ ગામ નજીક હોટલ સમ્રાથલના પાર્કિંગમાં ઉભો છે.
આ માહિતીના આધારે SMCની ટીમે 30 રોજ હોટલના પાર્કિંગના સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ટ્રકમાંથી રૂપિયા 48.36 લાખ ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. એસ એમ સી એ દારૂ ટ્રક રૂ. 25 લાખ, એક મોબાઈલ ફોન રૂ.10 લાખ મળીને રૂ. 73.46 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ટ્રક ચાલક સાકિરહુસેન બનનેખાન (રહે. હરિયાણા) ને ઝડપી પાડી વલણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર કયુમ હુસેન નિઝામ તથા તેના સાગરિતો, ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ કરવા સાથે એસએમસી દ્વારા સમગ્ર રેકેટ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.