National

ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો

મુંબઈના પાયધૂની વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના અચાનક મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય ફૂડ પોઇઝનિંગ માનવામાં આવી રહી હતી, પરંતુ હવે ફોરેન્સિક તપાસમાં મૃતકોના શરીરમાં ઝેર હોવાની સંભાવના સામે આવી છે. આ કારણે સમગ્ર કેસ વધુ ગંભીર બની ગયો છે અને પોલીસ સાથે આરોગ્ય વિભાગ પણ સઘન તપાસ કરી રહ્યો છે. માહિતી અનુસાર, આ પરિવારના કુલ સાત સભ્યોએ સાથે ભોજન કર્યું હતું. ભોજનમાં પહેલા બિરયાની ખાધી હતી અને ત્યારબાદ કેટલાક સભ્યોએ તરબૂચ ખાધું હતું. રાત્રે લગભગ 1થી 1:30 વાગ્યાના સમય દરમિયાન ચાર સભ્યોએ તરબૂચ ખાધું હતું. પરંતુ થોડા જ કલાકોમાં, એટલે કે સવારે લગભગ 5:30થી 6 વાગ્યાની વચ્ચે તેમની તબિયત અચાનક બગડી ગઈ. ઉલ્ટી, ચક્કર અને ગભરામણ જેવા લક્ષણો જોવા મળ્યા અને થોડા સમયમાં જ ચારેયના મોત થઈ ગયા.

આ ઘટના બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે મૃતકોના શરીરના સેમ્પલ લઈને તપાસ કરી. પ્રાથમિક રિપોર્ટમાં કેટલીક અજીબ બાબતો સામે આવી છે. મૃતકોના કેટલાક અંગોમાં લીલાશ જોવા મળી હતી, ખાસ કરીને મગજ, હૃદય અને આંતરડા પર તેનો અસર દેખાયો હતો. ડોક્ટરોએ આ લક્ષણોને ધ્યાનમાં રાખીને ઝેરની શંકા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એક મૃતકના શરીરમાં મોર્ફિન નામની દવા મળી આવી છે, જે સામાન્ય રીતે શક્તિશાળી પેઇનકિલર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ દવાના હાજર રહેવાને કારણે પણ શંકા વધુ ગાઢ બની છે કે ખોરાકમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવાયો હોઈ શકે. જોકે, હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને આખરી ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ તરબૂચ ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું અને શું એ જ જગ્યાએથી અન્ય લોકોએ પણ તરબૂચ લીધું હતું કે નહીં. જો એવું હશે, તો અન્ય લોકો પર પણ તેની અસર થઈ હોય તેવી શક્યતા છે. આથી પોલીસ વેપારીઓ અને સપ્લાય ચેઇનની પણ તપાસ કરી રહી છે. સામાન્ય રીતે સ્વસ્થ માનવામાં આવતું ફળ તરબૂચ આ રીતે જીવલેણ બની શકે તે વિચારતા લોકો ચિંતિત બન્યા છે. નિષ્ણાતો લોકોને સલાહ આપી રહ્યા છે કે ખોરાક લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને બહારથી લાવવામાં આવેલા ખાદ્ય પદાર્થો સારી રીતે તપાસ્યા બાદ જ ઉપયોગ કરવા જોઈએ. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે અને સત્ય બહાર આવવાનું બાકી છે. આખરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ ખરેખર ઝેર છે કે અન્ય કોઈ કારણ. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઘટના એ લોકોને ખોરાકની સલામતી વિશે વધુ સચેત રહેવાની જરૂરિયાત જણાવી છે.

Most Popular

To Top