ગાંધીનગર,
ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલની સુરક્ષા અને ચોરાયેલા મોબાઈલ પરત મેળવવાની બાબતમાં ગુજરાત પોલીસે રાષ્ટ્રીય સ્તરે એક નવી કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કેન્દ્ર સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR (Central Equipment Identity Register) મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાત, દેશના મોટા રાજ્યોની યાદીમાં ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે.
રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાત પોલીસની કામગીરી ચઢિયાતી
ચોરાયેલા ફોન શોધી કાઢવામાં ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.
ગુજરાતનો રિકવરી રેટ: ૪૬.૭૧%
રાષ્ટ્રીય સરેરાશ રિકવરી રેટ: ૩૨.૬%
પરત કરેલા મોબાઈલ: ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકોને સોંપાયા.
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ૫૦.૪૮ લાખથી વધુ મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં ૧,૮૩,૯૮૫ હેન્ડસેટ બ્લોક કરી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓનું સન્માન
વર્ષ ૨૦૨૫-૨૬ના ડેટા મુજબ CEIR રેન્કિંગમાં રાજ્યના ત્રણ જિલ્લાઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવ દ્વારા આ જિલ્લાના નોડલ અધિકારીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૧. અમદાવાદ શહેર: ૨૫,૫૦૦ બ્લોક વિનંતીઓ સામે ૪,૯૩૫ હેન્ડસેટ રિકવર કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. વોલ્યુમ સ્કોરમાં અમદાવાદે ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.
૨. ડાંગ જિલ્લો: ૭૭.૩૩ ટકાના ઊંચા એક્યુરસી સ્કોર સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે.
૩. ભાવનગર જિલ્લો: ૬૩૪ બ્લોક વિનંતીઓ સામે ૨૭૩ મોબાઈલ રિકવર કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સુરક્ષા અને છેતરપિંડી પર અંકુશ
ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી અમલમાં મુકાયેલા આ ‘CEIR રેન્કિંગ ફ્રેમવર્ક’નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મોબાઈલ પરત મેળવવાનો જ નથી, પરંતુ:
રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરવો.
ચોરાયેલા મોબાઈલ દ્વારા થતા ગુનાખોરી અને દુરુપયોગને રોકવો.
ટેલિકોમ સંબંધિત નાણાકીય છેતરપિંડી પર અંકુશ મેળવવો.
ગુજરાત પોલીસની આ સિદ્ધિ દર્શાવે છે કે ટેકનોલોજી અને ત્વરિત પોલીસ કાર્યવાહીના સમન્વયથી નાગરિકોની માલમત્તાની સુરક્ષા વધુ સુદ્રઢ બની છે.