ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિકાસલક્ષી રાજનીતિની જીત ગણાવી છે. વાઘાણીએ આજે કેબીનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ પીએમ નરેન્દ્ર મોદીના વિઝન અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ પર અતૂટ વિશ્વાસ મૂકીને વિપક્ષના ભ્રામક પ્રચાર અને નકારાત્મક રાજનીતિને જડબાતોડ જવાબ આપ્યો છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો મજબૂત પાયો નાંખ્યો છે.
વાઘાણીએ ચૂંટણીના પરિણામોની વિગતવાર આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપે સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રચંડ જીત હાંસલ કરી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભાજપે ૮૯.૭૫% બેઠકો પર વિજય મેળવીને પોતાનો મજબૂત દબદબો સાબિત કર્યો છે, જ્યારે જિલ્લા પંચાયતોમાં ૮૧.૮૩% અને નગરપાલિકાઓમાં ૭૫.૭૬% બેઠકો અંકે કરી છે. આ ઉપરાંત, તાલુકા પંચાયતોમાં પણ ૭૦.૧૯% બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ, સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓની કુલ સરેરાશ ૭૪.૯૬% બેઠકો પર જ્વલંત વિજય સાથે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જે છેવાડાના માનવી સુધી પહોંચેલા પક્ષના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
સામાજિક સમરસતાની જીત: ભાવનગરનું ઉદાહરણ
વાઘાણીએ ભાજપની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની નીતિને રેખાંકિત કરવા ભાવનગર મહાનગરપાલિકાના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોળી, ક્ષત્રિય, દલિત, પટેલ, બ્રહ્મ અને માલધારી સહિતના તમામ સમાજોએ ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડ્યા છે. ભાવનગરમાં ભાજપે ઉતારેલા કોળી સમાજના ૧૬માંથી ૧૫, ક્ષત્રિય સમાજના ૬માંથી ૫ અને પટેલ-બ્રહ્મ-પાલીવાલ સમાજના તમામ ઉમેદવારો વિજેતા બન્યા છે. આ આંકડા સાબિત કરે છે કે જનતાએ જ્ઞાતિ-જાતિની રાજનીતિ કરનારાઓને નકારી દીધા છે.
વાઘાણીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કારમો પરાજય થયા બાદ હવે વિપક્ષો ‘મજબૂત વિકલ્પ’ બનવાની અને ‘વોટ શેર’ વધારવાના ખોટા બણગા ફૂંકીને પોતાની હાર ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કડક શબ્દોમાં ટીકા કરી કે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ચૂંટણી દરમિયાન અત્યંત હલકી કક્ષાની ભાષા અને ભ્રામક પ્રચારનો સહારો લઈને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું, જેને જનતાએ મતો દ્વારા સણસણતો જવાબ આપ્યો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે દર વખતે “પન્નો ટૂંકો પડ્યો” જેવા બહાના કાઢતા વિપક્ષે હવે સ્વીકારી લેવું જોઈએ કે તેઓ ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહ્યા છે. તેમણે વિપક્ષને નકારાત્મકતા અને જૂઠાણાની રાજનીતિ છોડીને જનતાના હિતમાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે અપીલ કરી હતી.