વિશ્વભરમાં ટ્રાન્સજેન્ડર પ્રજાતિ પ્રત્યે લોકોની સહાનુભૂતિ હોય છે. આ એવા લોકો છે કે જે નથી પુરૂષમાં અને નથી સ્ત્રીમાં. કુદરતે તેમની સાથે અન્યાય કર્યો અને તેને કારણે જ વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં ટ્રાન્સજેન્ડર પ્રજાતિ પાસેથી લોકો આશીર્વાદ લે છે અને સાથે સાથે તેમને તેના બદલામાં ‘નેગ’ કે ‘બધાઈ’ આપે છે. ટ્રાન્સજેન્ડર માતાજીના ભક્ત ગણાય છે અને લગભગ દરેક શહેરમાં એકાદ વિસ્તાર તો એવો હોય જ છે કે જ્યાં ટ્રાન્સજેન્ડર રહેતા હોય. એક સમય હતો કે જ્યારે ટ્રાન્સજેન્ડર પ્રત્યે સન્માનની લાગણી હતી પરંતુ આ સ્થિતિ બદલાઈ જવા પામી છે. 2014માં સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને કાનૂની માન્યતા પણ આપી હતી પરંતુ કેટલાક ટ્રાન્સજેન્ડરો દ્વારા દાદાગીરી કરીને પૈસા માંગવામાં આવી રહ્યા છે. કેટલાક ઠેકાણે તો પુરૂષ જ હોય પરંતુ ટ્રાન્સજેન્ડર બનીને નાણાં ઉઘરાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ ટ્રાન્સજેન્ડરો દ્વારા હદની લડાઈ કરવામાં આવે છે અને તેને કારણે ગેંગવોર થવાની અને હત્યાઓ થવાની પણ ઘટનાઓ બની છે. આમ તો બાળકના જન્મથી માંડીને અન્ય શુભ પ્રસંગોમાં ટ્રાન્સજેન્ડરને બોલાવવાનો અને તેને નાણાં આપવાનો રિવાજ છે. પરંતુ હાલમાં તો એવી સ્થિતિ છે કે ટ્રાન્સજેન્ડર દ્વારા શુભ પ્રસંગોમાં એટલી મોટી રકમ માંગવામાં આવે છે કે સામાન્ય માણસની ગજા બહારની વાત છે. આ ઘટનાઓને કારણે ટ્રાન્સજેન્ડરે લોકોની નજરમાં પોતાનું માન ઘટાડ્યું છે.
તાજેતરમાં આવો જ એક કેસ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસમાં ગોંડા જિલ્લાની ટ્રાન્સજેન્ડર રેખા દેવી દ્વારા રિટ દાખલ કરીને એવી માંગણી કરવામાં આવી હતી કે ‘નેગ’ મેળવવા માટે પોતાનો ચોક્કસ વિસ્તાર અનામત રાખવામાં આવે. અરજદારે જરવાલ શહેરમાં ‘કાટી કા પુલ’ થી ‘ઘાઘરા ઘાટ’ અને કર્નલગંજમાં ‘સરયુ પુલ’ સુધીનો વિસ્તાર તેના માટે ખાસ વિસ્તાર તરીકે અનામત રાખવાની માગ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તે ઘણા વર્ષોથી આ સ્થળોએથી ‘નેગ’ એકત્રિત કરી રહી છે. તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે જ્યારે તેના સમુદાયના અન્ય સભ્યો આ વિસ્તારની મુલાકાત લે છે, ત્યારે ઘણીવાર ઝઘડા અને અથડામણ થાય છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ લાંબા સમયથી ચાલતી પ્રથા પરંપરાગત અધિકાર બની ગઈ છે. જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈપણ લેવી, કર અથવા ફી ફક્ત કાયદાના અધિકાર હેઠળ જ વસૂલ કરી શકાય છે. “બધાઈ” અથવા “જજમાની” ના નામે પૈસા વસૂલવાની પ્રથાને કોઈ કાનૂની મંજૂરી નથી. બેન્ચે એમ પણ કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ પાસેથી પૈસા વસૂલવાની, પછી ભલે તે જાણી જોઈને હોય કે અન્ય કોઈ રીતે, પરવાનગી આપી શકાતી નથી. કોઈપણ નાગરિકને ફક્ત કાયદા દ્વારા વાજબી રકમ ચૂકવવાનો નિર્દેશ આપી શકાય છે.” કોર્ટે એ પણ નોંધ્યું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019, આવા અધિકારની જોગવાઈ કરતું નથી. અરજી ફગાવી દેતા, બેન્ચે જણાવ્યું હતું કે આવી અરજી મંજૂર કરવાથી ગેરકાયદેસર ખંડણી કાયદેસર બનશે. જે ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી શકે છે. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે આવી ખંડણીને કાયદા દ્વારા ક્યારેય વાજબી ઠેરવવામાં આવી નથી અને ભારતીય દંડ સંહિતા હેઠળ દંડથી માંડીને સજા પણ થઈ શકે છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ રીતે ટ્રાન્સજેન્ડર માટે હદ નિર્ધારીત કરી શકાય જ નહીં.
હાઈકોર્ટે યોગ્ય રીતે જ પોતાનો ફેંસલો સંભળાવ્યો પરંતુ સાથે સાથે સરકારે ટ્રાન્સજેન્ડર દ્વારા જે મોટી રકમની માંગણી કરવામાં આવે છે, નાણાં નહીં મળે તો તોફાન કરવાથી માંડીને હુમલાઓ પણ કરવામાં આવે છે તેની સામે કડક પગલા લેવા જરૂરી છે. ટ્રાન્સજેન્ડરને લોકો સ્વૈચ્છાએ બોલાવે અને નાણાં આપે તેની સામે કોઈ જ વાંધો હોઈ શકે નહીં પરંતુ સામે ચાલીને દાદાગીરી કરીને નાણાંની ઉઘરાણી તે સદંતર ખોટી પ્રથા છે. સરકારે પોલીસને પણ આ મુદ્દે તાકીદ કરવાની જરૂરીયાત છે કે જો આવી કોઈપણ ઘટના ધ્યાને આવે તો તુરંત જ એકશન લેવા જોઈએ અને એવા ટ્રાન્સજેન્ડરની અટકાયતથી માંડીને જરૂરી કાયદાકીય પગલાઓ લેવા જોઈએ. સહાનુભૂતિના નામે જે ખોટા ધંધાઓ કેટલાક ટ્રાન્સજેન્ડરો દ્વારા કરવામાં આવે છે તેની પર રોક લાગશે તો જ ટ્રાન્સજેન્ડરોનું સન્માન રહેશે તે નક્કી છે.