કોલ્ડ રૂમમાં રાખેલા પોતાના ડીકમ્પોઝ મૃતદેહની હાલત જોઈ હુમલો કર્યો હતો, 12 જેટલા આરોપી સામે ગુનો નોંધાયો, CCTV આધારે વધુ આરોપીઓની શોધખોળ
વડોદરા તા.30
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા વૃદ્ધાના મૃતદેહના ડીકમ્પોઝ થઈ જવાના મામલે ઉશ્કેરાયેલા પરિવારજનોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કરતા હોસ્પિટલ સંકુલમાં અફરાતફરી મચી હતી. પોલીસે 12 જેટલા આરોપી ગુનો દાખલ કર્યો છે, જ્યારે એનઆરઆઈ પુત્ર સહિત 6 લોકોને અટકાયત કરી છે અન્યની શોધખોળ શરૂ કરાઈ છે.
વડોદરાના સરદાર ભવન વિસ્તારમાં રહેતા વ્યાસ પરિવારની 70 વર્ષીય રંજનબેન વ્યાસના અવસાન બાદ તેમના સંતાનો અમેરિકાથી પરત આવે ત્યાં સુધી મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો વિદેશથી પરત આવી અંતિમ દર્શન માટે હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચ્યા ત્યારે તેઓને ડી કમ્પોઝ અને દુર્ગંધ મારતા મોત દેહ જોઈને ચોંકી ગયા હતા.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હોવા છતાં મૃતદેહ ગંભીર રીતે ડીકમ્પોઝ થઈ ગયો હતો. મૃતકનો ચહેરો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતો અને રૂમમાં અસહ્ય દુર્ગંધ ફેલાયેલી હતી. આ દ્રશ્ય જોતા જ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટનાએ થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સે ભરાયેલા પરિવારના કેટલાક સભ્યોએ ડોક્ટર તથા અન્ય સ્ટાફ સાથે બોલાચાલી બાદ મારામારી કરી હુમલો કર્યો હતો. પરિણામે હોસ્પિટલ કેમ્પસમાં નાશભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસએ સરકારી તબીબ સહિતના સ્ટાફ પર હુમલો કરનાર 12 આ લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી એનઆરઆઈ પુત્ર સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.
આ અંગે એડિશનલ પોલીસ કમિશનર સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના ગંભીર છે અને તેમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસએ હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.