ભારતના પ્રખ્યાત કોહિનૂર હીરાને લઈને એક વખત ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. આ વખત આ મુદ્દો અમેરિકામાંથી ઉઠ્યો છે. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ ખુલ્લેઆમ બ્રિટનને કોહિનૂર હીરો ભારતને પરત આપવાની માંગ કરી છે. તેમના આ નિવેદનથી ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વાત એમ છે કે, બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ 3 હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં મમદાનીને પૂછવામાં આવ્યું કે તેઓ રાજા સાથે શું વાત કરશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે જો તેમને તક મળશે તો તેઓ રાજાને ભારતનો કોહિનૂર હીરો પરત આપવા વિનંતી કરશે. સામાન્ય રીતે આવા રાજદ્વારી પ્રસંગોમાં નરમ ભાષાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ મમદાનીનું આ નિવેદન સીધું અને સ્પષ્ટ હતું.
ઝોહરાન મમદાનીનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમની માતા મીરા નાયરનો જન્મ ભારતમાં થયો હતો. તેથી તેઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા છે. તેમનું આ નિવેદન ઘણા ભારતીયોની લાગણીને વ્યક્ત કરે છે, જે માને છે કે કોહિનૂર હીરો ભારતનો છે અને તેને પરત મળવો જોઈએ. કોહિનૂર હીરો માત્ર એક કિંમતી રત્ન નથી, પરંતુ તે ભારતના ઇતિહાસ અને ગૌરવનું પ્રતીક છે. આ હીરો આંધ્ર પ્રદેશની કોલ્લૂર ખાણમાંથી મળ્યો હતો. શરૂઆતમાં તેનું વજન લગભગ 186 કેરેટ હતું. આ હીરો મુઘલ, પંજાબના શીખ શાસકો સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો હતો.
પરંતુ 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ હીરા પર કબજો કર્યો હતો. તે સમયે માત્ર 10 વર્ષના મહારાજા દલીપ સિંહ પાસેથી લાહોરની સંધિ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. ઘણા ઇતિહાસકારો માને છે કે આ કરાર દબાણ હેઠળ થયો હતો, તેથી તે ન્યાયસંગત નથી. આજે કોહિનૂર હીરો બ્રિટનના રાજવી તાજમાં જડાયેલો છે અને લંડનના ટાવર ઓફ લંડનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આ હીરો કાનૂની રીતે મળ્યો છે, પરંતુ ભારત અને અન્ય દેશોના ઘણા લોકો આ વાતથી સહમત નથી.
મમદાનીનું નિવેદન માત્ર એક વ્યક્તિની માંગ નથી. વિશ્વના ઘણા દેશો તેમના ઐતિહાસિક ખજાનાઓ પરત માંગતા રહ્યા છે. ગ્રીસ તેના એલ્ગિન માર્બલ્સ માટે અને આફ્રિકાના દેશો બેનિન બ્રોન્ઝ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ઘણા ભારતીયો માટે કોહિનૂર હીરો લંડનમાં હોવું વસાહતી યુગની યાદ અપાવે છે. તેઓ માને છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાંથી ઘણું ધન અને સંસ્કૃતિ લૂંટાઈ ગઈ હતી. તેથી કોહિનૂરને પરત મેળવવું માત્ર એક રત્ન પાછું મેળવવું નહીં, પરંતુ ઇતિહાસની એક ભૂલ સુધારવા જેવું છે. મમદાનીના નિવેદન પછી ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ આગળની કાર્યવાહી થાય છે કે નહીં.