પોલીસ કહે છે મીની દમણ સમામા દારૂના અડ્ડા બંધ છે, પરંતુ બુટલેગરના ત્યાં દારૂ તો વેચાય અને પીવાય છે
24 કલાક દારૂ વેચાવાના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા ,છતાં લાલચુ પોલીસ વાળાને તો માત્ર હપ્તા ઉઘરાવવામાં રસ…

વડોદરા તા.30
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગેરકાયદે દારૂના અડ્ડાઓ બેફામ રીતે ધમધમી રહ્યા છે. સવારથી મોડી રાત સુધી દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં સ્થાનિક સમા પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઉપરાંત 24 કલાક દારૂ વેચવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે પણ પોલીસને માત્ર પોલીસને માત્ર હપ્તા ઊઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં દારૂના અડ્ડાઓ હવે “ઓપન સિક્રેટ” બની ગયા છે. રસ્તા પર જ દારૂની ખરીદી-વેચાણ અને સેવન થતું હોવા છતાં પોલીસને જાણ ન હોવી એ વિશ્વાસ બહારની બાબત ગણાઈ રહી છે.
તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં બદલીઓ બાદ નવા અધિકારીઓ આવ્યા હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ઉલટું, સ્થાનિકોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને અંદરખાને સેટિંગ ચાલી રહી છે.
રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે, વારંવાર ફરિયાદો છતાં કોઈ કડક કાર્યવાહી થતી નથી, જેના કારણે દારૂડિયાઓનો આતંક વધ્યો છે અને વિસ્તારની શાંતિ ખોરવાઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ અને પરિવાર સાથે રહેતા લોકો માટે સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.
સમયાંતરે સ્ટેટ લેવલની એજન્સીઓ દ્વારા થતી રેડ દરમિયાન સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. લોકોમાં માંગ ઉઠી રહી છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વતંત્ર તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવાં જોઈએ.
: રેડ પહેલા જ લીક થાય છે માહિતી?
સ્થાનિક સૂત્રોમાંથી એવી ચર્ચા છે કે, કોઈપણ કાર્યવાહી પહેલા જ દારૂના ધંધાર્થીઓ સુધી માહિતી પહોંચી જાય છે. જેના કારણે રેડ પહેલા જ માલ ગાયબ કરી દેવામાં આવે છે. જો આ આક્ષેપો સાચા હોય તો તે ગંભીર બાબત ગણાય. પોલીસની બુટલેગરો સાથે મિલી ભગત હોવાના કારણે આ સ્થિતિ થઈ રહી છે.
સ્કૂલ નજીક દારૂ વેચાણ, નિયમોની ઉલ્લંઘન
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પણ દારૂનું વેચાણ થતું જોવા મળે છે. નિયમો મુજબ આવી જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવા છતાં અમલમાં ખામી દેખાઈ રહી છે. અશોક માડીનો 24 કલાક દેશી દારૂનો ધંધો ઊર્મિ સ્કૂલની બાજુમાં ગણતરીના અંતરે રહ્યો છે પણ સમા પોલીસ કેમ દેખાતો નથી ?