Sports

WTC ફાઈનલ પહેલા વોર્મ-અપ મેચ ન રમવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય જોખમી : એલન બોર્ડર

સિડની : માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરે (Alan Border) ભારત (India) સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલ (WTC Final) અને એશિઝ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચો ન રમવાના ઓસ્ટ્રેલિયાના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ પગલું જોખમથી ભરપૂર છે. ડબલ્યુટીસી ફાઈનલ 7થી 11 જૂન દરમિયાન લંડનના ધ ઓવલ ખાતે યોજાવાની છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 16 જૂનથી 31 જુલાઈ સુધી પાંચ મેચની એશિઝ સીરિઝમાં કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ સામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયન ટીમ બેકનહામમાં સખત તાલીમ શિબિરમાં ભાગ લઈને છ ટેસ્ટની તૈયારી કરશે જેમાં મુખ્ય વિકેટ પર પ્રેક્ટિસ અને નેટ સેશનનો સમાવેશ થાય છે. બોર્ડરે ફોક્સ ક્રિકેટને કહ્યું હતું કે તમે નેટમાં કેટલી મહેનત કરો છો તેની મને પરવા નથી, પરંતુ સ્પર્ધાત્મક રીતે રમવાનું સ્થાન કોઇ લઈ શકતું નથી. તેણે કહ્યું હતું કે એશિઝ સીરિઝ પહેલા કોઈપણ પ્રકારની ક્રિકેટ ન રમવી તે મને યોગ્ય નથી લાગતું. મને લાગે છે કે તે જોખમથી ભરપૂર અને ખોટો નિર્ણય છે. ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ ચાલી રહી હોવાથી ભારતીય ટીમ પણ કોઈ વોર્મ-અપ મેચ રમશે નહીં. તેમજ ડબલ્યુટીસી એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની સ્પર્ધા હોવાથી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના માથે મુલાકાતી ટીમો માટે વોર્મ-અપ મેચો ગોઠવવાની કોઈ જવાબદારી હોતી નથી.

જો કે, એશિઝના ઈતિહાસમાં એવું પહેલીવાર બનશે કે ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમ સિરીઝ પહેલા કે દરમિયાન સ્થાનિક કાઉન્ટી ટીમનો સામનો નહીં કરે. આ વર્ષની શરૂઆતમાં ભારતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા પણ ઓસ્ટ્રેલિયાએ વોર્મ-અપ મેચ રમવાને બદલે તાલીમ લેવાનું પસંદ કર્યું અને શ્રેણી 1-2થી હારી ગઈ.

સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન અને માર્કસ હેરિસ જેવા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યા છે. ભારતમાં હાજર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઇપીએલ રમીને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના અન્ય સભ્યોએ તાજેતરમાં બ્રિસ્બેનમાં ત્રણ દિવસીય તાલીમ શિબિર પૂર્ણ કરી અને આ અઠવાડિયે તેઓ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

Most Popular

To Top