Dakshin Gujarat

ભરૂચના હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો પલટી જતાં એકજ ગામના ત્રણ યુવકોનાં મોત

ભરૂચ: (Bharuch) ભરૂચના હિંગલ્લા ગામ નજીક ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં ટાટાનો કપાસ ભરેલો ટેમ્પો (Tempo) પલટી ખાતાં ત્રણ જણાનાં દબાઈ જતાં કરુણ મોત થયાં હતાં. એકસાથે ત્રણ ત્રણ યુવાન કાળનો કોળિયો બની જતાં ગ્રામજનોમાં શોક છવાયો હતો.

  • ભરૂચના હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલો ટેમ્પો પલટી જતાં ત્રણનાં મોત
  • ત્રણેય મૃતક યુવાન પારખેતના રહીશ, એકસાથે ત્રણ ત્રણ યુવાન કાળનો કોળિયો બની જતાં ગ્રામજનોમાં શોક

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ-પાલેજ રાજ્ય ધોરી માર્ગ પર આવેલા હિંગલ્લા ગામ નજીક કપાસ ભરીને જઈ રહેલો ટેમ્પો કોઈ કારણોસર પલટી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. ઘટનાની જાણ ૧૦૮ને કરતાં બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. એ સાથે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં નબીપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેય મૃતક યુવાન પારખેત ગામના હોવાની વિગતો સામે આવી છે. મૃતકમાં વિષ્ણુ રણછોડ વસાવા, પીયૂષ ઠાકોર વસાવા અને રોહન પરેશ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સંજય જયંતી પાંચિયા ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. એકસાથે ત્રણ ત્રણ યુવાન કાળનો કોળિયો બની જતાં ભરૂચ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

નિઝરમાં અકસ્માતમાં એકનું મોત
વ્યારા: નિઝરમાં વેલદાથી કુકરમુંડા તરફ જતા રોડ ઉપર ટેમ્પોએ પાર્ક કરેલા છોટા હાથી સુપર એસને ટક્કર મારતાં ચાલક સાથે તે રોડ ઉપર પલટી મારી ગયો હતો, જેમાં છોટા હાથી સુપર એસના ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. નિઝર તાલુકાના કાવઠા ગામની સીમમાંથી પસાર થતો વેલદા ટાંકી ત્રણ રસ્તાથી કુકરમુંડા તરફ જતા રોડ ઉપર પુલ નજીક તા.૨૨/૧૦/૨૦૨૩ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં એક પિકઅપ ટેમ્પોના ચાલકે તેના પોતાનો પિકઅપ ટેમ્પો પૂરઝડપે હંકારી રોડની ડાબી બાજુ ઊભો કરેલા છોટા હાથી સુપર એસ ટેમ્પો નં.(MH-20-DE-3207)ને પાછળથી જોરથી ટક્કર મારતાં છોટા હાથી ટેમ્પો રોડની ડાબી બાજુ પલટી ખાઇ ગયો હતો.

જેમાં બેસેલ વિક્રમભાઇ ગુલાબસિંગભાઇ પાડવી (ઉં.વ.આ.૪૫) (રહે.,કેવડામોઈ, તા.કુકરમુંડા, જિ.તાપી) ટેમ્પો નીચે દબાઇ જતા તેના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને યોગ્ય સારવાર મળે એ પહેલા કરુણ મોત નીપજ્યું હતું. મોત નીપજાવી પોતાનો પિકઅપ ટેમ્પો લઈ ચાલક નાસી છૂટ્યો હોવાથી નિઝર પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top