2 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા ટીમ આવતીકાલે 5 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાત્રિભોજન કરશે. સમાચાર એજન્સીઓ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ બુધવાર, 5 નવેમ્બરના રોજ પીએમ મોદીને મળશે. મહિલા ટીમ ખાસ ફ્લાઇટમાં મુંબઈથી દિલ્હી પહોંચી. દિલ્હી જતા પહેલા ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું, “અમે ટૂંક સમયમાં નક્કી કરીશું કે વડા પ્રધાન મોદીને ટીમ તરફથી શું ભેટ આપવી, જર્સી કે બેટ.”
વર્લ્ડ કપ જીત્યા બાદ વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર ખેલાડીઓને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય. ફાઇનલમાં તેમનું પ્રદર્શન અવિશ્વસનીય કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને દ્રઢતા દર્શાવી. અમારી ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન ખેલાડીઓને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપશે.”
BCCI એ ટીમ માટે 51 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. બોર્ડે સોમવારે ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે 51 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી. BCCI ના પ્રમુખ મિથુન મનહાસે એક નિવેદનમાં કહ્યું, “બોર્ડ વતી, હું ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ ઐતિહાસિક વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત બદલ અભિનંદન આપું છું. ટીમની હિંમત, પ્રતિભા અને એકતાએ સમગ્ર રાષ્ટ્રની આશાઓ વધારી છે.”
રવિવારે (2 નવેમ્બર) નવી મુંબઈમાં DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. 87 રન બનાવનાર અને બે મહત્વપૂર્ણ વિકેટ લેનાર 21 વર્ષીય શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ ફાઇનલ જાહેર કરવામાં આવી હતી. 5 વિકેટ લેનાર દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી.