દેશમાં સારા રોજગારની વિકરાળ સમસ્યા

CMIE નામની સંસ્થા દેશમાં સાંપ્રત રોજગારની પરિસ્થિતિ તેમ જ આર્થિક પ્રવાહોનું બારીક અવલોકન કરી, નિયમિતપણે તેનું વાસ્તવદર્શી વિશ્લેષણ રજૂ કરતી રહે છે. હાલમાં જે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી આર્થિક અખબારમાં આ સંસ્થાના વડાનું વિશ્લેષણ રજૂ થયું છે, જે મુજબઃ (૧) બેકારીનો દર નવે.૨૧ ના ૭ ટકાથી વધીને ડિસે.૨૧ માં ૭.૯ ટકા થયો છે, જે અગાઉના વર્ષ (૨૦૧૭-૧૮ અને ૧૮-૧૯) ની સરખામણીએ ઊંચો છે. (૨) વર્ષ ૨૦૧૯-૨૦ માં પગારધારી લોકો રોજગારી ધરાવતા કુલ લોકોના ૨૧.૨% હતાં, જે પ્રમાણ ઘટીને ડિસે.૨૧ માં ૧૯ ટકા પર આવી ગયું છે. (૯૫ લાખ પગારધારકોએ નોકરી ગુમાવતાં), (૩) વર્ષ ૨૦૧૯-૨૦ ની સરખામણીએ ડિસે.૨૧ માં ઉત્પાદક ક્ષેત્રમાં ૯૮ લાખ રોજગાર ઓછા થયાં છે. સામે, બાંધકામ (૩૮ લાખ) અને ખેતીવાડી (૭૪ લાખ) ક્ષેત્રોમાં નવી રોજગારીનું સર્જન થયું છે.

સામાન્ય રીતે ઉત્પાદક ક્ષેત્રના રોજગાર બાંધકામ અને ખેતીવાડી ક્ષેત્રો કરતાં વધુ વળતરદાયી હોય છે. (૪) ભારતમાં સારા વળતરદાયી રોજગારનું સર્જન ત્યારે જ થઈ શકે, જો સરકાર અથવા વિશાળ ખાનગી સાહસો રોજગારનું સર્જન કરે. (૫) ધ્રુજેરી ગ્રાહકલક્ષી માંગ, ઉદ્યોગોની સ્થાપિત ક્ષમતા કરતાં ઓછો ઉપયોગ, વધતો જતો ફુગાવો, વ્યાજદરમાં (અપેક્ષિત) વધારો તેમજ રૂપિયાના અવમૂલ્યન જેવાં પરિબળોને લીધે મોટા ઉદ્યોગો નવું રોકાણ કરી નથી રહ્યા,  જેની જરૂર સારા રોજગાર સર્જન માટે છે. આમ, શેરબજાર તો હરણફાળ ભરી રહ્યું છે (ખાસ કરીને વિકસિત દેશોએ સરજેલી નાણાં પ્રવાહિતાને કારણે) પણ દેશના યુવાધન (જેનો મોટો ભાગ નિમ્ન/મધ્યમ મધ્યવર્ગીય હોવાનો) સામે સારા રોજગારની સમસ્યા મોં ફાડીને ઊભી છે. કમનસીબે, ધ્રુવીકરણના રાજકારણમાં પડેલા રાજનેતાઓ આ વિકરાળ સમસ્યાથી મૂહ મોડી રહ્યાં છે.
સુરત     – કમલેશ આર. મોદી             – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top