સુરતની રાજનીતિ ફરી એક વાર રંગમંચ પર આવી રહી છે અને દરેક પક્ષ જુદા જુદા સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપી, જે તે સમાજને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યા ઘણી હોવાથી ઘણા સમાજોના પ્રતિનિધિઓને ટિકિટ આપી રાજકીય સમીકરણો ગોઠવી શકાય છે, પણ આ શોરગુલ વચ્ચે સિંધી સમાજ હાંસિયે ધકેલાઈ ગયો હોય એવું સ્પષ્ટ લાગે છે. ભાજપમાં સિંધી સમાજના 11 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, છતાં એક પણ વ્યક્તિને કોર્પોરેટરની ટિકિટ મળી નથી.
આ જ કાર્યકર્તાઓ ઘણી વાર મહેફિલોમાં અલગ સિંધી રાજ્યની માંગણીની ચર્ચાઓ કરે છે—પરંતુ વાસ્તવિક રાજકારણમાં પોતાનું પ્રતિનિધિત્વ મેળવવામાં નિષ્ફળ રહે છે. હવે સવાલ એ છે કે સિંધી સમાજ સાથે થયેલા આ વિશ્વાસઘાત સામે શું સમાજ એકત્ર થઈને કોઈ પગલું લઈ શકશે? કે પછી બધું જેમ ચાલે છે એમ જ ચાલતું રહેશે? વિચારવાનું એ પણ છે કે જે દરવાજા તમારા માટે ક્યારેય ખૂલતા જ નથી, ત્યાં તમે ટકોરા કેટલા સમય સુધી મારશો? હવે સમય આવી ગયો છે નવી દિશા શોધવાનો. કારણ કે જો મત આપણો છે, તો અવાજ પણ આપણો જ હોવો જોઈએ.
સુરત – ગિરીશ પોપટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે