Charchapatra

દેશમાં કયું તંત્ર ભ્રષ્ટાચાર મુક્ત છે?

દેશના રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના ઉલ્લેખથી સુપ્રીમ કોર્ટ ખફા થયું અને કહ્યું કે, આ તો ન્યાયતંત્રને ગોળી મારીને લોહી લુહાણ કરવા જેવી વાત છે અને પાઠ્યપુસ્તકમાં થયેલા આ ઉલ્લેખને ત્વરિત પરત લેવાના આદેશ જારી કર્યા છે. થોડાક પ્રશ્નો ન્યાયતંત્રને પણ પૂછી શકાય એમ છે. થોડાક વખત પર ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ લાગવાથી એમાં કરોડોની કરન્સી બળીને ખાખ થઈ ગઈ હતી, એ વખતે ન્યાયતંત્રએ વર્માને પૂછ્યું હતું ખરું કે આટલી બધી નોટ તમારા ઘરે ક્યાંથી અને કેવી રીતે આવી?

સમગ્ર દેશ જાણે છે કે ન્યાયતંત્ર પણ ભ્રષ્ટાચાર મુક્ત રહ્યું નથી, ફક્ત એ વાત ન્યાયતંત્રને જ ખબર નથી. ખૂન કરવાવાળા કાયદા કાનૂનની છટકબારીનો લાભ લઈને છૂટી જાય છે પરંતુ ખૂન થયું છે એની સંજ્ઞાન કોર્ટ કેમ લેતું નથી? શું ન્યાયતંત્રના બધાં જ ચુકાદાઓ ન્યાયસંગત હોય છે ખરાં? શું ચૂકાદાઓ લોભ, લાલચ અને દબાણથી પ્રભાવિત નથી હોતાં? 20/25 વર્ષે ચુકાદાઓ આવે એને શું ન્યાય મળ્યો કહેવાય? શું ન્યાય છેવાડાના માણસ સુધી સુલભ અને સસ્તો બન્યો છે ખરો? સામાન્ય માણસ કોર્ટના પગથિયાં ચઢતી વખતે ફફડે છે કેમ? કાયદા અને કાનૂન એક સમાન હોવા છતાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં તફાવત કેમ જોવા મળે છે?
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top