World

વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે નબળી બોલિંગ ચિંતાનો વિષય

ઓસ્ટ્રેલિયા: ટી-20 વર્લ્ડકપ (T-20 World Cup) પહેલા જ્યારે એશિયા કપ (Asia Cup) રમાવાનો હતો ત્યારે સૌના મુખે એક જ સવાલ હતો કે શું વિરાટ કોહલી ફોર્મમાં આવશે. એશિયા કપ પુરો થયો તે પછી હવે જ્યારે વર્લ્ડકપ (World Cup) આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય ટીમ માટે અને ક્રિકેટ ચાહકો માટે સવાલ બદલાઇ ગયો છે. હવે લોકોને એક જ સવાલ સતાવે છે કે શું ભારતીય ટીમ આ બોલીંગ આક્રમણ સાથે વર્લ્ડકપ જીતવા જવાની છે. જ્યારે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ T20I ટીમના સૂત્રો પોતાના હાથમાં લીધા ત્યારે ભારતીય ટીમનો મુખ્ય મુદ્દો તેમની બીબાઢાળ બેટિંગ હતી. ભારતીય બેટ્સમેનોને પણ આ ક્ષેત્રમાં સુધારો કરવામાં થોડો સમય લાગ્યો પરંતુ તેઓ ટીમની માગ પ્રમાણે પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. જો ભારતને છેલ્લી કેટલીક મેચોમાંથી સકારાત્મકતા જોવામાં આવે તો બેટિંગ તેમની સૌથી મજબૂત બાજુ જણાઇ આવશે.


જોકે, એક સમસ્યામાંથી બહાર આવ્યા બાદ ભારતીય ટીમ હવે બીજા ક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. T20Iની છેલ્લી ત્રણ હારમાં ભારતીય ટીમ ટાર્ગેટનો બચાવ કરતી વખતે હારી છે. આ ત્રણેય મેચમાં ભારતે છેલ્લી ચાર ઓવરમાં 54, 42 અને 41 રનનો બચાવ કરવાનો હતો અને ત્રણેય મેચ તેમના હાથમાંથી સરકી ગઇ હતી. આ ત્રણેય મેચમાં ભારતીય ટીમે સારી બેટિંગ કરી હતી પરંતુ બોલિંગ સતત સમસ્યા બની રહી છે. આ ત્રણ મેચોમાં એક વાત સામાન્ય એ હતી કે જસપ્રીત બુમરાહ પ્લેઇંગ 11માં હાજર ન હતો અને ભુવનેશ્વર કુમારે દરેક મેચની 19મી ઓવરમાં અનુક્રમે 16, 14 અને 19 રન આપી દીઘા હતા. એવું નથી કે ભુવનેશ્વરને 19મી ઓવર આપીને ભારત કોઈ વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યું હતું કારણ કે બુમરાહની ગેરહાજરીમાં ભુવનેશ્વર ડેથ ઓવરોનો શ્રેષ્ઠ બોલર છે.


2020ની શરૂઆતથી આ મહિનાની શરૂઆત સુધી, ભુવનેશ્વર T20 ક્રિકેટમાં ત્રીજો સર્વશ્રેષ્ઠ ભારતીય ડેથ બોલર રહ્યો છે. ત્રણમાંથી બીજા બે શ્રેષ્ઠ બોલર અર્શદીપ સિંહ અને બુમરાહ છે. ભુવનેશ્વર છેલ્લી ઓવરોમાં સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે પણ છેલ્લી ત્રણ મેચમાં તે જાણે કે પોતાની એ બોલીંગ ભુલી ગયો હોય તેવું લાગે છે. સ્વાભાવિક રીતે, તેની પાસે ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે પૂરતી ગુણવત્તા નથી. તેની પાસે હાઇ સ્પીડ નથી. તેની એક સ્વચ્છ બોલીંગ એક્શન છે. તે ભાગ્યે જ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આયોજન અને અમલીકરણમાં તેની ચોકસાઈએ જ તેને રમતમાં જાળવી રાખ્યો છે.
ભુવનેશ્વર કદાચ એ ખુલ્લા દિલે કબૂલ કરશે કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-20 દરમિયાન મોહાલીમાં તેની યોજના મુજબ બોલિંગ કરી શક્યો ન હતો. ફિલ્ડરના માથા પરથી ફટકો મારવો એ એક બાબત છે પરંતુ જ્યાં કોઈ ફિલ્ડર ન હોય તે જ દિશામાં મેથ્યુ વેડ દ્વારા વારંવાર ફટકો મારવામાં આવ્યો એ બીજી બાબત છે અને તે બાબત ચોક્કસપણે ભુવનેશ્વરને પીડા આપનારી રહી હશે.

Most Popular

To Top