SURAT

T-20 વર્લ્ડકપ વિજેતાને IPL ચેમ્પિયન કરતા આટલા કરોડ ઓછા મળશે

મુંબઈ: આગામી મહિનાથી શરૂ થનાર ટી-20 વર્લ્ડકપમાં વિજેતા ટીમને મળનારી ઈનામી રકમની આજે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આઈપીએલ (IPL) ચેમ્પિયન કરતા કરોડો રૂપિયા ઓછા ટી-20 વર્લ્ડકપ વિજેતાને મળશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેરાત કરી છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને કેટલી ઇનામી રકમ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચેમ્પિયન ટીમ કરતા લગભગ 7 કરોડ રૂપિયા ઓછા મળશે. ICC અનુસાર, T20 વર્લ્ડ કપ વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 1.6 મિલિયન યુએસ ડોલર (લગભગ 13.5 કરોડ રૂપિયા) મળશે, જ્યારે આઈપીએલ 2022ની વાત કરીએ તો વિજેતા ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે.

T20 વર્લ્ડ કપ 2022માં રનર્સ અપ ટીમને 8 લાખ યુએસ ડોલર (લગભગ 6.5 કરોડ રૂપિયા) મળશે. તે જ સમયે, આઈપીએલમાં ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. આનો અર્થ એ થયો કે T20 વર્લ્ડ કપ 2022માં રનર અપ ટીમને તેની ઈનામી રકમનો લગભગ અડધો ભાગ મળશે. IPL 2022માં ત્રીજા ક્રમે રહેલી ટીમને 7 કરોડ રૂપિયા જ્યારે ચોથા ક્રમે રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા.

જો આપણે T20 વર્લ્ડ કપ 2022ની વાત કરીએ તો સેમીફાઈનલમાં હારનાર ટીમોને ચાર લાખ યુએસ ડોલર (લગભગ 3.25 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ICC T20 વર્લ્ડ કપ 2021ની જેમ, સુપર-12 રાઉન્ડમાંથી બહાર રહેલી આઠ ટીમોને 70 હજાર યુએસ ડોલર (લગભગ 56 લાખ રૂપિયા) મળશે. અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સુપર-12માં પહોંચી ગયા છે. પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ચાર ટીમોને USD 40,000 (અંદાજે રૂ. 32.5 લાખ) મળશે.

જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર
T20 વર્લ્ડ કપ 2022 હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.એશિયા કપ 2022માં ઈજાના કારણે બહાર થયેલા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ સાથે ટીમમાં પરત ફર્યા હતા, પરંતુ હવે તે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

Most Popular

To Top