Sports

IPL 2024: ‘આ મેદાન પર કદાચ મારી છેલ્લી મેચ હતી’, આ ખેલાડીએ નિવૃત્તિ પર તોડ્યું મૌન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન શરૂ થઈ ગઈ છે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) જીત સાથે શરૂઆત કરી છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ રહેલા અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે મેચ બાદ પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે આ તેની છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. કાર્તિકે કહ્યું કે ચેપોક સ્ટેડિયમમાં આ તેની છેલ્લી મેચ હોઈ શકે છે. જો તેની ટીમ પ્લેઓફમાં પહોંચે છે અને મેચ અહીં યોજાય છે તો તે સ્થિતિમાં તેને આ મેદાન પર ફરી રમવાની તક મળશે. કાર્તિક અત્યાર સુધી આઈપીએલમાં 6 ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

મેં ચેપોક ખાતે છેલ્લી મેચ રમી
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 6 વિકેટની હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં આવેલા દિનેશ કાર્તિકે કહ્યું કે કોમેન્ટ્રી કરતી વખતે ટેસ્ટ મેચો વચ્ચે ક્રિકેટ રમવા માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ હતો. મને જે પણ સમય મળતો તેમાં હું સખત મહેનત કરતો હતો. તેથી હું ખુશ છું કે હું પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો. કેટલાક રન બનાવ્યા બાદ સારું લાગે છે. મને આશા છે કે અમારી ટીમ આ વખતે પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળ થશે. અહીં પ્લેઓફ મેચો રમાશે અને હું તેમના માટે અહીં પાછો આવી શકું છું જે અહીં મારી છેલ્લી મેચ હોઈ શકે છે. પરંતુ જો હું આમ કરવામાં સફળ ન થઈ શકું તો આ ચેપોક ખાતે મારી છેલ્લી મેચ હશે.

દિનેશ કાર્તિકે આરસીબીને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPLની 17મી સીઝનની તેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક સમયે 78 રનના સ્કોર સુધી 5 વિકેટ ગુમાવી ચૂકી હતી. અહીંથી દિનેશ કાર્તિકે અનુજ રાવત સાથે મળીને ન માત્ર ઇનિંગ્સને સંભાળી પરંતુ ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્તિકે 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રનની અણનમ ઇનિંગ રમી હતી જેના કારણે RCB 20 ઓવરમાં 173 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.

Most Popular

To Top