SURAT

સુરતમાં બનનારા નવા રેલવે સ્ટેશનમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ!, જાણો બીજું શું શું હશે?

સુરત: સુરત રેલવે સ્ટેશનને (Surat Railway Station) મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે અને જે માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેના પગલે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં રેલવેની સાથે બસ ટર્મિનલ અને મેટ્રો ટ્રેનને (Metro Train) પણ આવરી લેવાશે.

  • સુરતમાં રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કામ શરૂ થયું, પહેલાં ફેઝમાં 980 કરોડનો ખર્ચ કરાશે
  • પૂર્વ તરફનું રેલવે સ્ટેશન 2024માં તૈયાર થઈ જશે, ત્યાર બાદ પૂર્વ તરફની બિલ્ડિંગ તોડી ત્યાં કામ કરાશે
  • સંપૂર્ણ પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂરો કરવાની ધારણા, રેલવે સ્ટેશનમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ હશે

આ બાબતે રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોને અપગ્રેડ અને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. તેમાં સુરત રેલવે સ્ટેશનનું અપગ્રેડેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. આ કામ સુરત ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અપગ્રેડેશનમાં ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયા અને 1013 કરોડ રૂપિયાનો હિસ્સો રહેશે. પહેલા ફેસમાં 980 કરોડ રૂપિયાનું કામ થશે. આખો પ્રોજેક્ટ મે 2027 સુધીમાં પુર્ણ કરવાનો લક્ષ્ય છે. ખાસ વાત એ છે કે સ્ટેશન પર પેસેન્જરોની ગીચતા દૂર કરવા માટે નવા રેલવે સ્ટેશનની બંને સાઈડની બિલ્ડિંગોમાં કુલ 41 લીફ્ટ હશે અને 70 એસ્કેલેટર્સ હશે. જેનાથી પેસેન્જરોની ભીડ નહીં રહે.

પુર્વ તરફની બિલ્ડિંગ 164 મીટર લાંબી અને 87 મીટર પહોંળી હશે
પુર્વ તરફના સ્ટેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. પાઈલ લાઈન વીજળીના તારોનું સ્થળાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. પુર્વ તરફની બિલ્ડિંગ 164 મીટર લાંબી અને 87 મીટર પહોંળી હશે. આ બિલ્ડિંગ જુન 2024 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. પુર્વ તરફની બિલ્ડિંગ બન્યા બાદ પશ્ચિમ તરફની બિલ્ડિંગ ધ્વસ્ત કરીને નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. બિલ્ડિંગમાં આગમન-પ્રસ્થાન,યાત્રી પ્લાઝા, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, સ્ટેશન પર 10900 ચોરસ મીટરથી વધુનો કોનકોર્સ,લાઉન્જ,રિટેલ સ્પેસયુર્ત હશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સ્કાયવોકથી જોડાયેલું હશે. નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડિંગ પ્લેટીનમ રેટિંગનું ગ્રીન બિલ્ડિંગ હશે. સ્ટેશન સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે.

સુરત સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રિય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાશે: સીપીઆરઓ
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ લુકને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે સમગ્ર રેલવે સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રિય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાશે. સ્ટેશનનું બાહ્ય સ્વરૂપ ફિનિશિંગ,રંગ અને બનાવ સ્ટેશનની ભવ્યતામાં વધારો કરશે.

Most Popular

To Top