Dakshin Gujarat

તમારા નામે બીજાને ક્યારેય લોન અપાવશો નહીં, ભેરવાઈ જશો: હિતેશ જોયશર

પલસાણા: સુરત (Surat) જિલ્લા પોલીસ (Police) દ્વારા સોમવારે સાંજે કડોદરા ખાતે વ્યાજખોરોને ડામવા માટે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો, જેમાં લોકોને પણ સામેથી આગળ આવી પોલીસની આ મુહિમમાં સહભાગી થવા અપીલ કરી વિસ્તૃત ચર્ચા કરી હતી.

સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરોને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી રહી છે, તેના ભાગરૂપે સોમવારે કડોદરા ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત પલસાણા મામલતદાર દ્વારા રેવન્યુને લઇ થતી છેતરપિંડી તેમજ વ્યાજે નાણાં આપ્યા બાદ જમીન કે મિલકતના દસ્તાવેજ કરાવી લેવા બાબતે લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ બેંકના અધિકારીએ આ પ્રસંગે બેંકોમાંથી લોકોને સરળતાથી લોન મેળવવાની સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, બેંકોમાં ઘણા એવા લોકો આવે છે જેઓએ બીજા કોઇને તેમના ખાતામાંથી લોન અપાવી હોય અને સામેવાળો હપ્તા ના ભરે ત્યારે જેના નામે લોન લીધી હોય તેને ભરપાઇ કરવી પડે છે. જેથી પોતાના નામે બીજાને ક્યારેય લોન આપવી નહીં. તેમજ બેંક દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરળતાથી કેવી રીતે લોન મળી રહે તેને લઇ લોકોને માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરે જણાવ્યું હતું કે, થોડા જ દિવસોમાં ૨૦ જેટલા કેસ કરી ૨૫ જેટલા વ્યાજખોરોને જેલના હવાલે કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ પોલીસની આ મુહિમમાં સહભાગી થવા તેમજ ભોગ બનનારને પોલીસ સુધી લાવવા માટે આહવાન કર્યુ હતું. આ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કડોદરા પલસાણા સહિતનાં ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Most Popular

To Top