સુરતમાં ટ્રક ડ્રાઇવરે બાઇકને અડફેટે લઈ ચાલકને 20 ફૂટ ઘસડી મોતના મુખમાં ધકેલી દીધો

સુરત: (Surat) ડિંડોલી બસ સ્ટેશનની સામે જ એક હાઇવા ટ્રક ડ્રાઇવરે (Truck Driver) ઇલેક્ટ્રીશીયનને અડફેટમાં લીધો હતો. અકસ્માત (Accident) બાદ પણ ટ્રક ડ્રાઇવરે ગાડી હંકારી રાખી હતી, જેમાં 20 ફૂટ સુધી ઇલેક્ટ્રીશીયન ઘસડાતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇને પરિવારજનો દ્વારા બે કલાક સુધી રસ્તા ઉપર બેસીને વિરોધ કર્યો હતો અને ડેડબોડી સ્વીકારવામાં આવી ન હતી, આખરે પોલીસની સમજાવટ બાદ પરિવારે ડેડબોડી સ્વીકારી હતી અને ટ્રક ડ્રાઇવરની સામે ગુનો નોંધાયો હતો.

  • ટ્રક ડ્રાઇવરની નફ્ફટાઇ : બાઇક સાથે અકસ્માત છતા ટ્રક ઊભો નહીં રાખ્યો અને ચાલકને 20 ફૂટ ઘસડ્યો
  • ડિંડોલી બસસ્ટેન્ડની સામે જ અકસ્માતમાં ઇલેક્ટ્રીશીયનનું મોત : પરિવારે પોલીસનો ઉધડો લઇ રસ્તો જામ કરી દીધો
  • પોલીસની બે કલાકની સમજાવટ બાદ પરિવારે મૃતકની ડેડબોડી સ્વીકારી, ટ્રક ડ્રાઇવર સામે બેદરકારીનો ગુનો નોંધાયો

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી-ખરવાસા રોડ પર સનસિટી રો હાઉસમાં રહેતા 45 વર્ષીય રમેશભાઇ શ્રીરામભાઇ મહાજન વાયરીંગનું કામ કરતા હતા. ગુરૂવારે સવારના સમયે તેઓ પોતાના ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળ્યા હતા. રમેશભાઇ ડિંડોલી બસસ્ટેન્ડ પાસે પહોંચ્યા કે ત્યાં હાઇવા ટ્રકની સાથે અકસ્માત થયો હતો. ટ્રકના ડ્રાઇવરે ગંભીર રીતે ગાડી હંકારીને રમેશભાઇને અડફેટમાં લીધા હતા.

રમેશભાઇની મોટરસાઇકલ ટાયરમાં ફસાઇ ગઇ હોવા છતાં પણ ટ્રક ડ્રાઇવર ગાડી હંકારતો જ રહ્યો હતો. રમેસભાઇ ટાયરમાં આવીને 20 ફૂટ સુધી ઘસડાયા હતા, અને લોહીલુહાણ થઇ ગયા હતા. ત્યારબાદ ટ્રક ડ્રાઇવર ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સ્થાનિક લોકોમાં હોબાળો મચી જતાં કોઇ વ્યક્તિએ રમેશભાઇના પરિવારને કહ્યું કે, તમારા પરિવારમાંથી કોઇનું અકસ્માત થયું છે. પરિવારે જઇને તપાસ કરતા ત્યાં રમેશભાઇ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. લોકોના કહેવા પ્રમાણે ઘટના સ્થળે જ રમેશભાઇનું મોત નીપજ્યું હતુ. રમેશભાઇના પરિવારે રોડ ઉપર જ પોલીસનો વિરોધ કરીને રસ્તાને જામ કરી દઇને ડેડબોડી સ્વીકારવાની ના પાડી દીધી હતી. બે કલાકની સમજાવટ બાદ આખરે પરિવારે ડેડબોડી સ્વીકારી હતી અને મૃતકને નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ટ્રક ડ્રાઇવરની સામે બેદરકારીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તમે માત્ર માસ્કના નામે જ લોકોને હેરાન કરો છો, ટ્રક ચાલકોને પકડતા નથી
રમેશભાઇના પરિવારે રસ્તા ઉપર જ પોલીસનો વિરોધ કરતા કહ્યું હતું કે, તમે માત્ર લોકોને માસ્કના નામે નિયમો બતાવીને હેરાન કરો છો, રોડ ઉપર આવા મોટા ટ્રકો બેફામ રીતે હાકી રહ્યા છે તેઓની સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી, ડ્રાઇવર ટ્રક મુકીને ભાગી ગયો છે, તેને પણ પકડી શકતા નથી કહીને હોબાળો કરાયો હતો. બે કલાકના વિરોધ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સામાજીક આગેવાનો સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Most Popular

To Top