SURAT

નવી સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા દર્દીઓનો હવે સમય બચશે

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) ઓપીડીના (OPD) સમયમાં ફેરફાર કરાયા બાદ હવે દર્દીઓને ખૂબ ઓછા સમયમાં મેડિસીન ઓપીડીમાં તપાસ થઇ શકે એ માટે ટોકન સિસ્ટમની (Token System) સોમવારથી શરૂઆત કરવામાં આવી છે. ટોકન નંબરના આધારે દર્દીને ઓપીડીમાં તપાસવા માટે બોલાવવામાં આવશે. જેનાથી દર્દીઓને વેઇટિંગ (Waiting) કરવું નહીં પડે.

નવી સિવિલ હોસ્પિટલની મેડિસીન ઓપીડીમાં આવતા દર્દીઓને ઓછા સમયમાં વેઇટિંગ કર્યા વગર સારવાર મળી રહે એ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન સિસ્ટમની સોમવારથી શરૂઆત કરવામાં આવી છે. મેડિસીન ઓપીડીમાં આવતા દર્દીઓના કેસ પેપર ઉપર એમઆરડી નંબર પાડ્યા બાદ તેમને ટોકન આપવામાં આવે છે. આ ટોકન પદ્ધતિની શરૂઆત સોમવારથી થઇ ચૂકી છે. સિક્યુરિટી દ્વારા ટોકન નંબર બોલવામાં આવશે તેના આધારે ઓપીડીમાં પેશન્ટને ખૂબ ઓછા સમયમાં બોલાવી લેવામાં આવશે. મેડિસીન ઓપીડીમાંથી અલગ-અલગ ઓપીડીના રેફરન્સ માટે પણ અલગથી સુવિધા ઊભી કરવાનું માળખું તૈયાર કરાયું છે. જે આગામી દિવસોમાં અમલમાં આવી જશે.

ઇન્ટર્નલ રેફરન્સ એપ્લિકેશન મારફતે હવે ડોક્ટરો દર્દીઓ પાસે પહોંચશે : એક જ જગ્યાએ સારવાર મળી રહેશે
નવી સિવિલ હોસ્પિટલ આગામી સમયમાં એક એપ્લિકેશન થકી દર્દીઓની સારવાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દ.ગુજરાતના અંતરિયાળ ગામડાંમાંથી આવતા દર્દીઓને અટવાવું ન પડે તેમજ તેમને એક જ ડિપાર્ટમેન્ટમાં નિદાન મળી રહે એ માટે ઇન્ટર્નલ રેફરન્સ એપ્લિકેશન આગામી દિવસોમાં ઉપયોગમાં લેવાશે. મેડિસીન વિભાગના ડોક્ટરો આ એપ્લિકેશનમાં દર્દીની વિગતો ભરીને અન્ય ડિપાર્ટમેન્ટમાં રેફરન્સ માટે મોકલી આપશે. દર્દીને જે-પણ તકલીફ હોય તેને લગતા વિભાગના ડોક્ટરોને દર્દીની હિસ્ટ્રી મળતાં જ તેઓ દર્દી સુધી પહોંચી સારવાર કરશે.

દર્દીઓ માટે કલેક્શન સેન્ટર પણ શરૂ કરાશે
ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લેબ ટેસ્ટના રિપોર્ટ માટેનું પેમેન્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના રિપોર્ટના પેમેન્ટ માટે અલગ-અલગ જગ્યાએ પેમેન્ટ કરવું પડતું હતું. દર્દીને ધક્કા ન ખાવા પડે એ માટે એક જ જગ્યા ઉપર કલેક્શન સેન્ટર ઊભું કરીને દર્દીઓના સમયની બચત થાય અને તેમને ધક્કા ન ખાવા પડે તે માટે કલેક્શન સેન્ટર પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે.

Most Popular

To Top